ગાંધીનગર: રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાંથી રાજ્યના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષકો, રેન્જ આઈજી તથા એસઆરપી ગ્રુપના સેનાપતિઓ સાથે ઉચ્ચસ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં રાજ્યની વર્તમાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત જળવાઈ રહે તે માટે તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવા, ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ રાખવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના સામે ઝડપી પ્રતિસાદ આપવા સૂચના આપવામાં આવી હતી. સરકારી કચેરીઓ, જાહેર મિલકતો, મહત્વના સ્થાપનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર AI ફેક વીડિયો અને અફવાઓ સામે કડક નજર
બેઠકમાં સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતી અફવાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવતા ફેક વીડિયો અને ભ્રામક સામગ્રીને લઈને પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડાએ સાયબર ક્રાઇમ સેલ અને સ્થાનિક પોલીસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત નજર રાખવા તથા ભ્રામક માહિતી ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. લોકોને પણ કોઈપણ અપ્રમાણિત માહિતી શેર ન કરવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ પોલીસ તંત્ર એલર્ટ
બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પોલીસ તંત્રને સંપૂર્ણ એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ, NDRF, SDRF અને અન્ય રાહત એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
રાહત અને બચાવ કામગીરીમાં પોલીસની સક્રિય ભૂમિકા
રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના સમયમાં માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવી જ નહીં, પરંતુ રાહત અને બચાવ કામગીરીમાં પણ પોલીસની મહત્વપૂર્ણ જવાબદારી રહે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, બચાવ ટીમોને સરળ અવરજવર મળી રહે તે સુનિશ્ચિત કરવા અને જરૂરી હોય ત્યાં માનવતાવાદી અભિગમ સાથે મદદરૂપ થવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
SRP અને સ્થાનિક પોલીસને સ્ટેન્ડબાય પર રાખવા સૂચના
ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એસઆરપીની ટીમો, સ્થાનિક પોલીસ તથા ક્વિક રિસ્પોન્સ ટીમોને સ્ટેન્ડબાય રાખવા માટે પણ બેઠકમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો. જ્યાં પાણી ભરાવાની અથવા માર્ગ અવરોધિત થવાની શક્યતા છે, ત્યાં અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને જરૂરી સાધનો સાથે સજ્જ રહેવા અધિકારીઓને જણાવાયું હતું. ઈમરજન્સી કૉલનો ઝડપી પ્રતિસાદ મળે અને કોઈપણ વિસ્તારમાં મદદમાં વિલંબ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: વલસાડ અને સુરત સહિત જિલ્લાની તમામ શાળાઓમાં કાલે રજા જાહેર : ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય
નાગરિકોને સતર્ક રહેવા અપીલ
બેઠકના અંતે રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું હતું. સાથે જ નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, પૂરગ્રસ્ત અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ ઇમરજન્સી સમયે પોલીસ અથવા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.





