Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ એક ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન યુનિટમાં રથયાત્રા દરમિયાન સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગેરકાયદેસર ધમધમતા યુનિટ્સ સામે ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ : ગાંધીનગરમાં 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક
લાયસન્સ રદ થવા છતાં શરૂ હતી કામગીરી
રામોલ વિસ્તારમાં ફટાકડાના કુલ 13 અધિકૃત એકમો હતા, જેમાં ૩ મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) યુનિટ અને 10 સ્ટોરેજ/વેચાણ યુનિટનો સમાવેશ થાય છે. આ તમામ ૧૩ એકમોના લાયસન્સ 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ (એક્સપાયર) થઈ ગયા હતા. લાયસન્સની મુદત પૂરી થતાં જ પોલીસ વિભાગ દ્વારા તમામ યુનિટ ધારકોને કાયદેસરની કામગીરી તાત્કાલિક અસરથી બંધ રાખવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં, નિયમોને નોધારે મૂકીને રથયાત્રાના તહેવાર દરમિયાન એક ફટાકડા યુનિટ ગેરકાયદેસર રીતે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. આ યુનિટમાં અચાનક વિસ્ફોટ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
સીલ મારવાને બદલે સીધું ‘ડિમોલેશન’: કાયમી ઉકેલ તરફ પગલું
આ દુર્ઘટના બાદ માત્ર ઔપચારિક રીતે યુનિટ્સને સીલ મારવાને બદલે તેનો કાયમી ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો હતો. પરિણામે, જમીન માલિકો (લેન્ડ ઓનર્સ) પોતે આગળ આવ્યા હતા અને આ ગેરકાયદેસર ફેક્ટરીઓના બાંધકામોને તોડી પાડવાનો (ડિમોલેશન) નિર્ણય લીધો હતો.
પોલીસ અને AMC નો સાથ
ડિમોલેશનની કામગીરી દરમિયાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડની સક્રિય કામગીરી
ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને સ્થળ પર રહેલી અન્ય વિસ્ફોટક સામગ્રીને સુરક્ષિત (ડિફ્યુઝ/સેફ) કરી હતી અને પોલીસ તંત્રને મોટી હોનારત અટકાવવામાં મદદ કરી હતી.
જુનાગઢમાં મગર અને શ્વાન વચ્ચે જીવન-મરણનો સંઘર્ષ : શિકારનો પ્રયાસ કેમેરામાં કેદ
બાકીના 10 યુનિટ્સ પર તપાસનો ધમધમાટ
આ અકસ્માત બાદ હવે રામોલ વિસ્તારના બાકીના ૧૦ સ્ટોરેજ અને વેચાણ યુનિટ્સ પર પણ AMC અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. જો આ યુનિટ્સમાં સુરક્ષા ગાઈડલાઈનનો ભંગ થયો હશે અથવા કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે, તો તેમની સામે પણ ગુનો નોંધીને અત્યંત કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
બીએનએસ (BNS) હેઠળ નોંધાશે ગુનો
લાયસન્સ વગર કે રદ થયેલા લાયસન્સ છતાં ગેરકાયદેસર રીતે કામગીરી કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૫ અને ૧૦૬ હેઠળ ગુનો દાખલ કરી કાનૂની શરિયાત હાથ ધરવામાં આવશે.
પોલીસ પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જે એકમો પાસે લાયસન્સ હશે પરંતુ જો તેઓ નિયમો અને ગાઈડલાઈનનું પાલન નહીં કરે, તો તેમની સામે પણ કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વિના કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે.





