Home Gujarat Ahmedabad Dhamendra Hermas Dismissal After Complain In Pmo Biggest Tax Scam In Gujarats History

Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી : ખુલી શકે છે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ટેક્સ કૌભાંડ

Gujarat State GST
Published by: OBS Bureau
Last Updated: Mar 30, 2026, 03:25 PM IST

Offbeat Exclusive: ગુજરાત રાજ્યના જીએસટી (GST) વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચ અધિકારીઓની એક ચોક્કસ ટોળકી અથવા 'સિન્ડિકેટ' દ્વારા કરોડો રૂપિયાની કરચોરી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ નેટવર્કમાં આઈઆરએસ (IRS) કક્ષાના અધિકારીઓથી લઈને નાયબ કમિશનરો સુધીના અધિકારીઓની સંડોવણી હોવાનું મનાય છે, જે સરકારી તિજોરીને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે.

કેવી રીતે ચાલે છે આ ખેલ?

ગુજરાત રાજ્યનો જીએસટી વિભાગ, જે રાજ્યની તિજોરીમાં સૌથી મોટો ફાળો આપે છે, તે હાલમાં વિવાદોના ઘેરામાં છે. પ્રાપ્ત અહેવાલો અને ચર્ચાઓ મુજબ, વિભાગના અમુક ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવતી કથિત 'સિન્ડિકેટ'ને કારણે પ્રામાણિક કરદાતાઓ અને તંત્રની છબી ખરડાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સિન્ડિકેટ મુખ્યત્વે નીચે મુજબની પદ્ધતિઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરતી હોવાનું મનાય છે. વેપારીઓને ટેક્સ ચોરી અથવા ડોક્યુમેન્ટ્સમાં ખામી બતાવી મોટી રકમની પેનલ્ટીની નોટિસો આપવી. નોટિસ આપ્યા બાદ કેસને રફેદફે કરવા માટે નાયબ કમિશનરો દ્વારા 'વચેટિયાઓ' મારફતે તોડબાજી કરવી. બોગસ બિલિંગ અને ખોટી રીતે ITC મેળવનારા તત્વોને આશીર્વાદ આપી બદલામાં મોટું કમિશન મેળવવું.

ભ્રષ્ટાચારનું માળખું અને કથિત સિન્ડિકેટ

વિભાગીય વર્તુળોમાં વહેતી વિગતો મુજબ, આ સમગ્ર નેટવર્ક પાછળ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ અને તેમના અંગત ગણાતા નાયબ કમિશનરો (Deputy Commissioners) ની સંડોવણી હોવાની ચર્ચા છે. આરોપ છે કે આ સિન્ડિકેટમાં IRS ધર્મેન્દ્ર હેરમાં જેવા ઉચ્ચ અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા વહીવટી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કેટલાક નાયબ કમિશનરો લિંક તરીકે કામ કરી રહ્યા છે, જેઓ વેપારીઓ અને પેઢીઓ પાસેથી વહીવટ ઉઘરાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સિન્ડિકેટનું માળખું અને મુખ્ય સૂત્રધારો

આ કથિત ભ્રષ્ટાચારના કેન્દ્રમાં એન્ફોર્સમેન્ટ અને તકેદારી (Vigilance) વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોવાનું જણાય છે. આ સિન્ડિકેટની મોડસ ઓપરેન્ડી એટલી ચતુરાઈભરી છે કે જે અધિકારીઓ પાસે ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી છે, તેઓ જ આ પ્રવૃત્તિઓના રક્ષક બન્યા છે. આ ટોળકીએ બદલી, બઢતી અને તપાસના વિભાગો પર કબજો જમાવી દીધો છે. પરિણામે, જે અધિકારીઓ તેમની સામે અવાજ ઉઠાવે છે તેમની તાત્કાલિક બદલી કરી દેવામાં આવે છે, જ્યારે તેમના મળતિયાઓને મલાઈદાર જગ્યાઓ પર ગોઠવવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ પાસે પોતાની જાતને 'શોષિત' ગણાવીને અને જાતિગત લાગણીઓનો ઉપયોગ કરીને આ ટોળકીએ મહત્વના હોદ્દાઓ હાંસલ કર્યા હોવાના આક્ષેપ છે.

પાન મસાલા અને તમાકુમાં કરોડોની કરચોરી

પાન મસાલા એ જીએસટીમાં સૌથી વધુ વેરો (અંદાજે ૧૭૫% ટેક્સ અને સેસ) આપતી કોમોડિટી છે. આ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના આંકડા ચોંકાવનારા છે. જેમાં એક જ ઈ-વે બિલ પર ગાડીઓ દ્વારા બે-ત્રણ વાર માલ પહોંચાડીને દરરોજ કરોડોની કરચોરી કરવામાં આવે છે. અંદાજ મુજબ, માત્ર વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડ્સના નેટવર્ક દ્વારા વાર્ષિક ₹૨૭૦૦ કરોડથી વધુની કરચોરી આચરવામાં આવે છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જ્યાં પાન મસાલા પર પ્રતિબંધ છે, ત્યાં બિલ વગરનો માલ મોકલીને બોગસ સી એન્ડ એફ (C&F) એજન્ટો દ્વારા આખું નેટવર્ક ચલાવવામાં આવે છે.

ભ્રષ્ટાચારની નવી મોડસ ઓપરેન્ડી (M.O.)

આ સિન્ડિકેટ દ્વારા સરકારી આવક વધારવાના બહાને એક અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી છે. પહેલા બોગસ વેપારીઓ શોધી કાઢવામાં આવે છે. તપાસના નામે વેપારી પાસે રોકડને બદલે તેની પાસે રહેલી 'બોગસ વેરાશાખ' (Input Tax Credit) માંથી જ ટેક્સ ભરપાઈ (DRC-03) કરાવવામાં આવે છે. કાગળ પર એવું દેખાય છે કે કરોડોની રિકવરી થઈ, પણ વાસ્તવમાં સરકારની તિજોરીમાં એક પણ રૂપિયો રોકડો જતો નથી, કારણ કે પેમેન્ટ તો બોગસ ક્રેડિટથી થયું હોય છે. આ રીતે અધિકારીઓ પોતાની કામગીરી સારી બતાવી પાછળથી મસમોટા 'તોડ' કરે છે.

નિકાસ (Export) અને રિફંડનું કૌભાંડ

સામાન્ય રીતે પાન મસાલાની નિકાસ SEZ (Special Economic Zone) માંથી થતી હોય છે જેથી ટેક્સનું ભારણ ન રહે. પરંતુ આ સિન્ડિકેટના અધિકારીઓએ પોતાના પરિવારજનોના નામે પેઢીઓ ખોલીને નવો ખેલ શરૂ કર્યો છે. લોકલ માર્કેટમાંથી બિલ વગર માલ ખરીદી, તેને ઉંચી કિંમતે કેનેડા જેવા દેશોમાં એક્સપોર્ટ બતાવીને ૧૭૫% જેટલા ટેક્સનું રિફંડ મેળવવામાં આવે છે. આરોપ છે કે અધિકારીઓની પત્ની કે પિતાના નામે ચાલતી પેઢીઓ (દા.ત. મુલગન ટ્રેડલિંક) દ્વારા માત્ર કાગળ પર વ્યવહારો બતાવીને કરોડોનું રિફંડ હડપ કરી લેવામાં આવ્યું છે.

જામનગર અને અમદાવાદના ચર્ચાસ્પદ કિસ્સાઓ

  • મીતરાજ એન્ટરપ્રાઈઝ: 100 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી આ પેઢીનો નંબર રદ કરવાને બદલે ઉચ્ચ કક્ષાએથી દબાણ લાવીને ફરી ચાલુ કરાવવામાં આવ્યો.

  • પ્રભાત સોમાણી કેસ: ₹1500 કરોડની કરચોરીની દરખાસ્ત હોવા છતાં આ સિન્ડિકેટ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ. અંતે કેન્દ્રીય એજન્સી DGGI એ આ કૌભાંડ પકડવું પડ્યું.

  • અલ્પેશ પેઢડિયા કેસ: ₹560 કરોડની કરચોરીમાં તપાસમાં જાણીબુઝીને છટકબારીઓ રાખવામાં આવી, જેથી આરોપીને આગોતરા જામીન મળી શકે.

રાજ્યના જે બાહોશ IAS અધિકારીઓને જીએસટી વિભાગને સ્વચ્છ કરવાની જવાબદારી સોંપાઈ હતી, તેમને આ સિન્ડિકેટ દ્વારા અંધારામાં રાખવામાં આવ્યા હોય તેવું જણાય છે. ભ્રષ્ટાચારની આ 'ગંગા'માં જે અધિકારીઓ જોડાયા નથી તેમને હેરાન કરવામાં આવે છે અને જેઓ જોડાયા છે તેઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. જો આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ (SIT) અથવા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું ટેક્સ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. સરકારી આવકને ખોખલી કરતી આ સિન્ડિકેટને નાથવી હવે રાજ્ય સરકાર માટે અનિવાર્ય બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
ગુજરાત ગૃહ વિભાગનો મોટો નિર્ણય
અમદાવાદ બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ સિટી!
PM મોદીનો ગુજરાત પ્રવાસ