Ahmedabad Leopard News: અમદાવાદના ઘૂમામાં ફફડાટ ફેલાવ્યા બાદ શહેરના ચાંદખેડા નજીકના ઝૂંડાલમાં દેખાયો દીપડો. કાર ચાલકે ચાલુ ગાડીમાંથી લાઈટ મારીને મોબાઈલથી ખેંચ્યો દીપડાનો ફોટો.
ઘૂમા બાદ ઝૂંડાલમાં દીપડાની એન્ટ્રી બાદ અમદાવાદમાં દહેશત, શું હવે શહેરમાં વારંવાર જોવા મળશે દીપડો? નિષ્ણાતોએ જણાવ્યું કારણ, જાણો દીપડા વિશેની અજાણી વાતો...
અમદાવાદના ઘૂમા વિસ્તારમાં મધરાત્રે સોસાયટીમાં દીપડો જોવા મળ્યાની ઘટના હજુ લોકોના મનમાંથી ઓછી થઈ નથી, ત્યાં હવે અમદાવાદના ઝૂંડાલ વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા ફરી એકવાર ચિંતા વધી ગઈ છે. વનવિભાગે સર્ચ ઓપરેશન તેજ કર્યું છે અને સ્થાનિકોને સતર્ક રહેવા સૂચના આપી છે.
એક તરફ લોકોના મનમાં સવાલ છે કે આખરે જંગલમાં રહેતું આ પ્રાણી અમદાવાદ જેવા મહાનગર સુધી કેવી રીતે પહોંચ્યું? શું તે શહેરમાં જ રહી જશે કે પાછું જંગલમાં જશે? બીજી તરફ વન્યજીવ નિષ્ણાતો કહે છે કે આ કોઈ અસામાન્ય ઘટના નથી, પરંતુ દીપડાની જીવનશૈલી અને તેના વિસ્તરતા રહેઠાણને સમજવાની જરૂર છે.

ઘૂમા સુધી દીપડો પહોંચ્યો કેવી રીતે? ત્રણ સંભવિત માર્ગ
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમદાવાદ સુધી દીપડો પહોંચવાના ત્રણ સંભવિત માર્ગ હોઈ શકે છે.
1. સાબરમતી નદીની કોતરોનો કુદરતી માર્ગ
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વહેતી સાબરમતી નદીની કોતરો, ઝાડીઓ અને વનસ્પતિ દીપડાને સુરક્ષિત માર્ગ પૂરો પાડે છે. આ કુદરતી કોરિડોરનો ઉપયોગ કરીને દીપડો શહેરની સીમા સુધી પહોંચી શકે છે.
2. ઈડર-હિંમતનગરનો ખડકાળ વિસ્તાર
સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર વિસ્તાર લાંબા સમયથી દીપડાના કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. ત્યાંથી ગાંધીનગર થઈને અમદાવાદ પહોંચવું દીપડા માટે મુશ્કેલ નથી.
3. અરવલ્લીથી ખેતરો અને નદીના પટ સુધી
અરવલ્લી પર્વતમાળાના જંગલોમાંથી નીકળીને ખેતરો, કોતરો અને નાના જંગલોના માર્ગે હિંમતનગર-ગાંધીનગર થઈને અમદાવાદ સુધી પહોંચવાની પણ શક્યતા છે.

દીપડો શહેરમાં કેમ આવે છે?
ઘણા લોકો માને છે કે દીપડો માણસોનો શિકાર કરવા શહેરમાં આવે છે, પરંતુ નિષ્ણાતો આ માન્યતાને નકારી કાઢે છે.
તેમના જણાવ્યા મુજબ દીપડો મોટાભાગે ખોરાકની શોધમાં લાંબું અંતર કાપતો કાપતો રસ્તો ભૂલી જાય છે અને અંતે શહેરની સીમા સુધી આવી પહોંચે છે. તેને માણસો વચ્ચે રહેવું ગમતું નથી.
દીપડો સામાન્ય રીતે જંગલી સસલા, જંગલી ડુક્કર, વાંદરા, કૂતરા અથવા અન્ય નાના પ્રાણીઓનો શિકાર કરે છે. શહેરમાં પ્રવેશ કરવો તેના માટે મજબૂરી હોય છે, પસંદગી નહીં.
ત્રણ દિવસમાં ઈડરથી અમદાવાદ!
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક દીપડો સરેરાશ દરરોજ લગભગ 20 કિલોમીટર સુધી ચાલી શકે છે.
ઈડરથી અમદાવાદનું અંતર અંદાજે 80 કિલોમીટર જેટલું હોવાથી માત્ર ત્રણથી ચાર દિવસમાં દીપડો અમદાવાદ સુધી પહોંચી શકે છે.
તે દિવસ દરમિયાન એકાંત જગ્યાએ છુપાઈ રહે છે અને રાત્રે જ આગળ વધે છે.
શું હવે દીપડો અમદાવાદમાં જ રહેશે?
આ સૌથી મોટો સવાલ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે તેની શક્યતા ખૂબ ઓછી છે.
દીપડાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે જે રસ્તે આવ્યો હોય તે જ રસ્તે પાછો જવાનો પ્રયત્ન કરે છે. તે લોકોના ભયથી શહેરમાં આમતેમ દોડતો નથી. દિવસ દરમિયાન ઝાડીઓ, બખોલ અથવા કોતરોમાં છુપાઈ રહે છે અને રાત્રે પોતાના કુદરતી વિસ્તારમાં પાછો જવા માટે ચાલવાનું શરૂ કરે છે.

માણસ પર હુમલો કેમ કરે છે?
સામાન્ય રીતે દીપડો માણસ પર હુમલો કરતો નથી.
પરંતુ નીચેની પરિસ્થિતિમાં તે આક્રમક બની શકે છે.
જો કોઈ તેની પાછળ દોડે
પથ્થર મારે
તેને ઘેરી લે
ડરીને પીઠ ફેરવી ભાગે
તેને લાગે કે પોતાનો બચાવ કરવો જરૂરી છે
ત્યારે દીપડો આગળના બે પગ ઊંચા કરીને હુમલો કરી શકે છે.
દીપડો સામે આવી જાય તો શું કરવું?
વનવિભાગ અને નિષ્ણાતોની સલાહ પ્રમાણે નીચેની બાબતો યાદ રાખવી જરૂરી છે.
પીઠ ફેરવીને ક્યારેય ભાગશો નહીં.
ધીમે ધીમે પાછળ ખસતા રહો.
બૂમાબૂમ કે હોબાળો ન કરો.
પથ્થર ન મારો.
સેલ્ફી કે વીડિયો બનાવવા નજીક ન જાઓ.
આસપાસ લોકો હોય તો સાથે રહી ગ્રુપમાં ઊભા રહો.
મોર્નિંગ વોક માટે એકલા ન નીકળો.
બાળકો અને પાળતુ પ્રાણીઓને ઘરની અંદર રાખો.
તરત જ વનવિભાગને જાણ કરો.
હવે દીપડો માત્ર જંગલમાં નથી રહેતો
ઘણા લોકો માને છે કે દીપડો ફક્ત ગીર કે જંગલોમાં રહે છે, પરંતુ હકીકત અલગ છે.
ગુજરાતના 26 જિલ્લાઓમાં દીપડાની હાજરી નોંધાઈ ચૂકી છે.
કચ્છથી દક્ષિણ ગુજરાત અને અરવલ્લીથી સૌરાષ્ટ્ર સુધી દીપડાનો વસવાટ ફેલાયો છે.
2019ના સર્વે પ્રમાણે આશરે 14,926 વર્ગ કિલોમીટર વિસ્તારમાં દીપડાની હાજરી નોંધાઈ હતી.
તેમાંથી લગભગ 11,500 વર્ગ કિલોમીટર વિસ્તાર એવો છે જ્યાં શેરડીના ખેતરો, ગાંડા બાવળના જંગલો, ડુંગરો, નદીની કોતરો અને માનવ વસાહતોની નજીક પણ દીપડા રહે છે.
સતત વધી રહી છે દીપડાની સંખ્યા
ગુજરાતમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે.
વર્ષ દીપડાની સંખ્યા
1984 498
2002 999
2006 1070
2016 1365
2023 2274
વન્યજીવ નિષ્ણાતોના મત મુજબ આ વધારો સંરક્ષણની સફળતા દર્શાવે છે.
પરંતુ સાથે સાથે માનવ અને વન્યજીવ વચ્ચેના સંપર્કમાં પણ વધારો થયો છે.
ઘૂમા અને ઝૂંડાલની ઘટના તેનું જીવંત ઉદાહરણ છે.
દીપડા વિશે એવી વાતો જે કદાચ તમને ખબર નહીં હોય:
1) ઝાડ પર ચઢવાનો સૌથી મોટો માસ્ટર
મોટા બિલાડી કુળના તમામ પ્રાણીઓમાં દીપડો સૌથી કુશળ ચડવૈયો છે.
પોતાના કરતાં બમણું વજન ધરાવતો શિકાર પણ ઝાડ પર ચઢાવી શકે છે.
2) રાત્રિનો શિકારી
દીપડો મુખ્યત્વે રાત્રે સક્રિય રહે છે.
એટલા માટે જ ઘૂમામાં પણ તે મધરાત્રે લગભગ બે વાગ્યે જોવા મળ્યો હતો.
3) કાળા ડાઘા તેનું કુદરતી કેમોફ્લેજ
તેના શરીર પરના રોઝેટ્સ નામના કાળા ડાઘા તેને ઝાડીઓ અને સૂકા ઘાસમાં એવી રીતે છુપાવી દે છે કે શિકારને તેની હાજરીનો અંદાજ પણ આવતો નથી.
4) એકલવાયું જીવન
સિંહની જેમ ટોળામાં રહેવાને બદલે દીપડો એકલો રહેવાનું પસંદ કરે છે.
માદા દીપડી બચ્ચાંનો ઉછેર પણ એકલી જ કરે છે.
5) ઝડપ અને જબરદસ્ત કૂદકો
દીપડો લગભગ 58 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને 18 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે.
આ જ કારણ છે કે તે ખૂબ જ કુશળ શિકારી માનવામાં આવે છે.
શું ભવિષ્યમાં અમદાવાદમાં દીપડા વધુ જોવા મળશે?
વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે જેમ જેમ જંગલ અને માનવ વસાહતો વચ્ચેનું અંતર ઘટશે, તેમ આવી ઘટનાઓ વધવાની શક્યતા રહેશે.
શહેરોનો વિસ્તાર વધી રહ્યો છે, જ્યારે દીપડાનો કુદરતી વિસ્તાર પણ હવે જંગલોની બહાર ખેતરો, નદીની કોતરો અને ખુલ્લા વિસ્તારો સુધી ફેલાઈ ગયો છે.
આથી ભવિષ્યમાં અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોની આસપાસ પણ ક્યારેક દીપડો જોવા મળે તો તેને અસામાન્ય ઘટના ગણવી યોગ્ય નહીં હોય.
ઘૂમા અને ઝૂંડાલમાં દીપડાની એન્ટ્રીએ એક વાત સ્પષ્ટ કરી છે કે હવે ગુજરાતમાં વન્યજીવ અને માનવ વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ગભરાટ ફેલાવવાને બદલે સાવચેતી રાખવી, વનવિભાગને સહકાર આપવો અને જંગલી પ્રાણીઓના કુદરતી વર્તનને સમજવું વધુ જરૂરી છે. નિષ્ણાતોના મતે મોટાભાગના કિસ્સાઓમાં દીપડો માણસોથી દૂર રહેવાનો જ પ્રયાસ કરે છે અને તક મળતાં પોતાના કુદરતી રહેઠાણ તરફ પાછો ફરી જાય છે.







