અમદાવાદના ઝુંડાલ-ચાંદખેડા રિંગ રોડ વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો દેખાતાં સ્થાનિકોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રિંગ રોડ પર આવેલા એક પાનના ગલ્લા પાસે દીપડો અચાનક જોવા મળતાં આસપાસ હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર ઘટનાને સ્થાનિકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી હતી, જેના ફોટોસ હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, દીપડો રાત્રિના સમયે રસ્તા પર શાંતિથી ચાલતો જોવા મળ્યો હતો. થોડા સમય બાદ તે રિંગ રોડ ક્રોસ કરતો દેખાયો હતો. ઘટનાના સમયે રસ્તા પર અવરજવર ઓછી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.
આ પણ વાંચો: મુકો લાપસીના આંધણ : 30 જુલાઈ સુધી મેઘરાજાની થશે મહેર, અંબાલાલ પટેલે કરી આગાહી
સ્થાનિકોમાં ચિંતા, સાવચેતી રાખવાની અપીલ
દીપડાની હાજરીના સમાચાર ફેલાતા ઝુંડાલ, ચાંદખેડા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ વન વિભાગ અને સંબંધિત તંત્રને જાણ કરી હોવાનું જાણવા મળે છે.
વન્યજીવો શહેરની સીમા નજીકના વિસ્તારોમાં દેખાવાના બનાવો છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ખોરાકની શોધ અથવા રહેણાંક વિસ્તાર તરફ સ્થળાંતરના કારણે દીપડા ક્યારેક શહેરી વિસ્તારોમાં પહોંચી જાય છે.
આ પણ વાંચો: 'પેપર લીક થયું તો શિક્ષણ મંત્રીનું રાજીનામું કેમ નહીં?' : ઈસુદાન ગઢવીનો મોટો સવાલ, NEET વિવાદે ગરમાવ્યું રાજકારણ
વન વિભાગની કાર્યવાહી પર સૌની નજર
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી વન વિભાગ તરફથી દીપડાને પકડી પાડવા અથવા તેની હાજરી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો દીપડાની હાજરીની પુષ્ટિ થશે તો વન વિભાગ દ્વારા વિસ્તારનું કોમ્બિંગ, ટ્રેપ કેમેરા ગોઠવવા અને જરૂરી જણાય તો રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે.
અધિકારીઓ સામાન્ય રીતે નાગરિકોને અપીલ કરે છે કે દીપડો દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરે, ભીડ એકત્ર ન કરે અને તરત જ વન વિભાગ અથવા પોલીસને જાણ કરે.






