Home Gujarat Mansukh Vasava Viral Statement Chaitar Vasava Jail

"તું તો હીરો છે યાર બધાનો, તારા લીધે તો ચૈતર જેલમાં ગયો..." : સ્ટેજ પરથી કોની સામે ઇશારો કરીને મનસુખ વસાવાએ આવું કહ્યું?

MANSUKH VASAVA
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 21, 2026, 10:43 AM IST

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી સંગઠન બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. કાર્યકરોને સંબોધતા સંજય વસાવાને મંચ પર બોલાવતી વખતે સાંસદે કહ્યું, "સંજય, હવે આવ... તું તો હીરો છે યાર બધાનો. તારા લીધે તો ચૈતર જેલમાં ગયો." સ્ટેજ પરથી બોલાયેલા આ શબ્દોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા શરૂ થઈ છે.

મનસુખ વસાવાના આ નિવેદનને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જોકે, સાંસદે આ ટિપ્પણી કયા ચોક્કસ સંદર્ભમાં કરી હતી તે અંગે તેમણે કોઈ અલગ સ્પષ્ટતા કરી નથી. ભાષણ દરમિયાન તેમણે ભૂતકાળની કેટલીક રાજકીય ઘટનાઓનો ઉલ્લેખ કરીને સંજય વસાવાની પ્રશંસા કરી હતી.

ATVT બેઠકના વિવાદનો કર્યો ઉલ્લેખ

પોતાના સંબોધનમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ATVTની એક બેઠક દરમિયાન ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે મતભેદ સર્જાયા હતા. તેમના જણાવ્યા મુજબ, સંજય વસાવાએ તે બેઠકમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો અને ત્યારથી બંને વચ્ચે રાજકીય ટકરાવ શરૂ થયો હતો.

આ પણ વાંચો: બોટાદમાં ગોઝારો અકસ્માત : ખાઈમાં પલટી ગયો સિમેન્ટ ભરેલો ટ્રક, 2ના મોત અને 3 ઇજાગ્રસ્ત

મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે ચૈતર વસાવાનો વિરોધ માત્ર થોડા આગેવાનો સુધી મર્યાદિત નહોતો, પરંતુ સંજય વસાવાએ પણ તેમની સામે મક્કમતાથી લડત આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે સમગ્ર ઘટનાક્રમ અંગે કેટલીક એવી વિગતો તેમની જાણમાં છે, જે જાહેર મંચ પરથી કહેવી યોગ્ય નથી.

"ફાઇટરમેન છે, પરંતુ પાર્ટીની શિસ્તમાં રહીને કામ કરે છે"

સાંસદે સંજય વસાવાને "ફાઇટરમેન" ગણાવતા કહ્યું કે તેઓ પક્ષની શિસ્તમાં રહીને કામ કરનારા કાર્યકર છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરો સમક્ષ તેમણે સંજય વસાવાના યોગદાનની પ્રશંસા કરી હતી.

ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલી આ બેઠકમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મનસુખ વસાવાના નિવેદન બાદ ઉપસ્થિત કાર્યકરોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: 'પેપર લીક થયું તો શિક્ષણ મંત્રીનું રાજીનામું કેમ નહીં?' : ઈસુદાન ગઢવીનો મોટો સવાલ, NEET વિવાદે ગરમાવ્યું રાજકારણ

વીડિયો વાયરલ, રાજકીય પ્રતિક્રિયાની રાહ

મનસુખ વસાવાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ નિવેદન અંગે ચૈતર વસાવા અથવા અન્ય સંબંધિત પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

ભાષણમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આગામી દિવસોમાં આ નિવેદન અંગે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now