Home Gujarat Anand Vasad Rape Murder Accused Police Encounter

આણંદની 4 વર્ષની દીકરીને આખરે મળ્યો ન્યાય : દુષ્કર્મ-હત્યાનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

આણંદમાં માસૂમ બાળકીના દુષ્કર્મ-હત્યાના આરોપીની ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 20, 2026, 05:59 PM IST

Anand News: આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પર સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના જઘન્ય કેસમાં ગુજરાત પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કરી પોલીસકર્મીઓ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. સ્વબચાવમાં PSI દ્વારા કરાયેલા ફાયરિંગમાં આરોપીને પાંચ ગોળી વાગી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 18 જુલાઈની મોડી રાત્રે વાસદ રેલવે સ્ટેશન પર માતા-પિતા સાથે સૂતી ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બાળકીને અવાવરૂ સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેની હત્યા કરી હતી. ગુનાને અકસ્માતનો રંગ આપવા માટે આરોપીએ બાળકીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે ફેંકી દીધો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.



CCTV અને ટેકનિકલ પુરાવાના આધારે આરોપી ઝડપાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમોએ સંયુક્ત તપાસ શરૂ કરી હતી. સ્ટેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ પુરાવાના આધારે સુરેશ પરમારની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ બોરસદ રૂરલ પોલીસે બોચાસણ નજીકથી આરોપીને ઝડપી પાડી એલસીબીને સોંપ્યો હતો. પોલીસ આરોપીને લઈને આણંદ તરફ આવી રહી હતી ત્યારે આરોપીએ ઉલટી આવવાનું બહાનું બનાવી વાહન ઉભું રાખાવ્યું હતું. નીચે ઉતરતાની સાથે જ તેણે પોતાની પાસે છુપાવેલું તીક્ષ્ણ હથિયાર કાઢી બે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. PSI આઈ.જે. રાણા બચાવ માટે આગળ વધતા આરોપીએ તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સ્વબચાવમાં PSIનું ફાયરિંગ, આરોપીનું સારવાર દરમિયાન મોત

પોલીસના જણાવ્યા મુજબ PSIએ પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયર કરી આરોપીને ચેતવણી આપી હતી. તેમ છતાં આરોપી કાબૂમાં ન આવતા અને હુમલો ચાલુ રાખતા પહેલા તેના પગમાં ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ પણ આરોપી હુમલાખોર બન્યો હોવાથી વધુ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. કુલ પાંચ ગોળી વાગતાં આરોપી ઢળી પડ્યો હતો. ઈજાગ્રસ્ત આરોપી અને બે પોલીસકર્મીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સુરેશ પરમારનું મોત થયું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીઓની સારવાર ચાલુ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ આવ્યો સામે

પોલીસ તપાસમાં સુરેશ પરમાર સામે અગાઉ પણ દુષ્કર્મ અને હત્યાના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2020માં પણ તેની સામે રેપ વિથ મર્ડરનો કેસ નોંધાયો હતો. ઉપરાંત ચાલુ વર્ષના માર્ચ મહિનામાં નોંધાયેલા અન્ય એક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં પણ તેની સંડોવણી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ‘મારી એક જ માંગ, સંસદ સુધી અમારી વાત પહોંચાડો’ : સોનમ વાંગચૂકનો અનિશ્ચિત ઉપવાસ યથાવત, હોસ્પિટલમાંથી સંદેશ

હર્ષ સંઘવીનું નિવેદન: આવા નરાધમો સામે કડક કાર્યવાહી જરૂરી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય ગુના કરનાર તેમજ પોલીસ પર જીવલેણ હુમલો કરનાર આરોપી સામે સ્વબચાવમાં કાર્યવાહી કરવી ફરજિયાત બની હતી. તેમણે કહ્યું કે સમાજમાં આવા વિકૃત માનસિકતા ધરાવતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પોલીસની જવાબદારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now