વડોદરા: માંજલપુર વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જનસંપર્ક, સ્થાનિકો સાથે કર્યો સીધો સંવાદ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિસ્તારના વિકાસ, નાગરિક સુવિધાઓ, ટ્રાફિક, સ્વચ્છતા અને અન્ય જાહેર પ્રશ્નોને લઈને સ્થાનિકો પાસેથી સૂચનો અને રજૂઆતો સાંભળી હતી. ઉપસ્થિત લોકોને સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યોની માહિતી પણ આપવામાં આવી હતી.
ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક, તહેવારની તૈયારીઓ અંગે ચર્ચા
કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ માંજલપુર વિસ્તારના વિવિધ ગણેશ મંડળોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી. આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્વચ્છતા, વીજળી અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન લોકોની સુવિધા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર સાથે સંકલનથી કામગીરી કરવાની અપીલ પણ કરવામાં આવી.
ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ, મુખ્ય દંડક બાળુ શુક્લ સહિત શહેર ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનસંપર્ક વધારવા અને લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
નિક પ્રશ્નો અને વિકાસકાર્યો અંગે રજૂઆતો
સંવાદ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને સામાજિક આગેવાનોએ વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીઓને લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવવા અને વિકાસકાર્યોમાં ઝડપ લાવવાની સૂચના આપ્યાનું જણાવ્યું.
આ પણ વાંચો: નવસારીના વાંસદામાં બંદૂકની અણીએ આંગડિયા પેઢીમાં 12 લાખોની લૂંટ : સફેદ કારમાં ફરાર થયા લૂંટારૂઓ
પેટાચૂંટણી પૂર્વે જનસંપર્કને મળી ગતિ
માંજલપુર પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે. વિવિધ સમાજના આગેવાનો, યુવાનો, વેપારીઓ અને ધાર્મિક-સામાજિક સંગઠનો સાથે સતત સંવાદ દ્વારા લોકોના પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં પણ આ કાર્યક્રમને પેટાચૂંટણી પૂર્વેના મહત્વપૂર્ણ જનસંપર્ક અભિયાન તરીકે જોવામાં આવી રહ્યો છે.






