Home Gujarat Ahmedabad Ahmedabad Firecracker Factory Blast Sit Remand Mehmudpura Investigation

અમદાવાદ મહેમુદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ : મેહુલ ડોડીયા અને સાદિક સૈયદના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર

Ahmedabad Firecracker Factory Blast
Published by: Nirali Gohil
Last Updated: Jul 20, 2026, 07:39 AM IST

Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનામાં 10 લોકોના કરુણ મોત બાદ તપાસ વધુ તેજ બની છે. સમગ્ર રાજ્યને હચમચાવી દેનારી આ દુર્ઘટનામાં જવાબદારો સુધી પહોંચવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) સતત કાર્યવાહી કરી રહી છે. કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ હવે તપાસનો વ્યાપ વધુ વિસ્તરવાની શક્યતા છે. આ ગંભીર અકસ્માતમાં સુરક્ષા નિયમોના પાલન, વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ, ફેક્ટરીના સંચાલન અને નાણાકીય વ્યવહારો સહિતના અનેક મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે. પોલીસનું માનવું છે કે આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછથી ઘટનાના મૂળ કારણો અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

SITએ 14 દિવસના રિમાન્ડની કરી માંગ, કોર્ટે 27 જુલાઈ સુધી મંજૂર કર્યા

પોલીસે ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલક મેહુલ ડોડીયા અને તેમના ભાગીદાર સાદિક સૈયદને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.આર. ઠાકુરની કોર્ટમાં રજૂ કર્યા હતા. SITએ બંને આરોપીઓના 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરતાં દલીલ કરી હતી કે કેસની તલસ્પર્શી તપાસ માટે તેમની સતત પૂછપરછ જરૂરી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.આર. ઠાકુરની કોર્ટે મેહુલ ડોડીયા અને સાદિક સૈયદના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ સમયગાળા દરમિયાન SIT વિવિધ મુદ્દાઓ પર બંને આરોપીઓની પૂછપરછ કરશે.

મહિલા આરોપીની તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયા

કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી અને મેહુલ ડોડીયાની માતા રમીલા ડોડીયાની તબિયત અચાનક બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કારણે તેમને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહોતા. તેમની તબિયત સ્થિર થયા બાદ કાયદાકીય પ્રક્રિયા આગળ વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ગીરમાં સિંહોનાં વસવાટ નજીક ડમ્પિંગ સાઈટ બનાવવાના નિર્ણયથી વિવાદ : ગ્રામ પંચાયતે કલેક્ટરને કરી રજૂઆત

ઘટનાસ્થળે પંચનામું અને પુરાવા એકત્ર કરવા થશે પૂછપરછ

SITએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે ફરીથી પંચનામું કરવાની જરૂર છે. વિસ્ફોટ કેવી રીતે થયો, આગ કયા સંજોગોમાં લાગી અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે અંગે આરોપીઓ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી મળેલા સંયોગિક પુરાવા અને આરોપીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમને વૈજ્ઞાનિક રીતે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

વિસ્ફોટક સામગ્રી, સ્ટોક રજિસ્ટર અને નાણાકીય વ્યવહારો તપાસના કેન્દ્રમાં

તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હોવાનું પોલીસનું કહેવું છે. આ સામગ્રી ક્યાંથી ખરીદવામાં આવી, તેનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવ્યો અને તેનું વેચાણ કોને કરવામાં આવ્યું તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ફેક્ટરીના સ્ટોક રજિસ્ટર, હિસાબી દસ્તાવેજો, બેંકિંગ વ્યવહારો અને અન્ય આર્થિક લેવડદેવડની પણ તપાસ કરવામાં આવશે. પોલીસના મતે આ તપાસથી ગેરરીતિઓ અથવા અન્ય સંકળાયેલા વ્યક્તિઓ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકાની પણ થશે તપાસ

SITએ કોર્ટમાં જણાવ્યું હતું કે ફટાકડા ફેક્ટરીના વેપાર અથવા મેહુલ ડોડીયાના અન્ય વ્યવસાય સાથે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલી છે કે, નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારે જો અન્ય નામો સામે આવશે તો તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

10 લોકોના મોત બાદ જવાબદારી નક્કી કરવાની દિશામાં તપાસ

મહેમુદપુરા ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની ઘટનામાં 10 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ ફેક્ટરીના લાયસન્સ, આગ સુરક્ષા વ્યવસ્થા, વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ અને કામગીરી દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે, નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ દરમિયાન SIT આરોપીઓની સઘન પૂછપરછ કરીને વધુ પુરાવા એકત્રિત કરશે. તપાસમાં થતા નવા ખુલાસાઓના આધારે કેસમાં વધુ ધરપકડ અથવા નવી કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now