Ahmedabad News: અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનમ વાંગચૂકના સમર્થનમાં યોજાયેલા આ પ્રદર્શનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એમ.જે. લાયબ્રેરી નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. વિરોધ માટે પહોંચતા કેટલાક યુવાઓને પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો પણ સર્જાયા હતા.
વિરોધ પહેલા જ પોલીસની કાર્યવાહી
પ્રદર્શનને અનધિકૃત ગણાવી પોલીસે સ્થળ પર પહોંચતા અનેક યુવાઓને અટકાવ્યા હતા. પોલીસની કાર્યવાહીનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.
પેપર લીક મુદ્દે પારદર્શક તપાસની માંગ
પ્રદર્શનકારીઓએ NEET સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના બનાવોની નિષ્પક્ષ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને ભરતી તેમજ પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા લાવવાની માંગ કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ પરીક્ષા પ્રણાલીમાં સુધારાની ઉઠાવી માંગ
પ્રદર્શનમાં જોડાયેલા યુવાઓએ જણાવ્યું કે વારંવાર પેપર લીકની ઘટનાઓના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે. તેમણે પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાની, પેપર લીકના ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે ઝડપી કાર્યવાહી કરવાની તેમજ જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ : બે આરોપીઓને સાથે રાખી રામોલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું
પરિસ્થિતિ પર પોલીસની સતત નજર
વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અટકાયત કરાયેલા યુવાઓને પોલીસ વાહનોમાં બેસાડી અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત સ્થિતિ પર નજર રાખી રહી હતી અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી હતી.






