દીવા તળે અંધારું! બીજાને નોટિસ આપતી મહેસાણા મનપાને કોણ આપશે નોટિસ?: પોતાના જ બિલ્ડિંગમાં સ્લેબના પોપડા ખડ્યા!


પંચમહાલના જાંબુઘોડા નજીક નાના વાજપુર ગામે ઘરની બહાર દાદી સાથે મચ્છરદાનીમાં સૂતેલા ૭ વર્ષીય બાળક સુમિત પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. જોકે, બાળક મચ્છરદાનીમાં હોવાથી અને પરિવારજનો જાગી જતાં હોબાળો મચતા દીપડો ભાગી ગયો હતો, જેથી બાળકનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત સુમિતને પ્રાથમિક સારવાર બાદ વધુ ઇલાજ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. ગામમાં દીપડાના આતંકથી ફફડાટ વ્યાપ્યો છે, જેને પગલે વન વિભાગે તેને પકડવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે.
સુરતના લસકાણા સ્થિત સૌરાષ્ટ્ર સોસાયટીમાંથી મૈત્રી કરારમાં રહેતી યુવતીનું તેના પરિવારજનો દ્વારા બળજબરીથી અપહરણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. શાળા સમયથી પ્રેમમાં રહેલા યુવક-યુવતીએ ૨૩ જૂને મૈત્રી કરાર કર્યા હતા. ૧૭ જુલાઈના રોજ યુવતીના ભાઈ અને મામા સહિત ૧૦થી વધુ લોકોએ ઘરમાં ઘૂસી યુવતીને વાળ પકડી ઢસડીને કારમાં બેસાડી દીધી હતી. બચાવવા વચ્ચે પડેલા યુવક અને તેની માતા પર પણ હુમલો કરાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. યુવકની લેખિત ફરિયાદના આધારે લસકાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટીદાર અનામત આંદોલન સમયનો વધુ એક કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લીધો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ૧૭ પાટીદારો સામે રામોલ ખાતે પરવાનગી વગર રેલી યોજવા બદલ નોંધાયેલી પોલીસ ફરિયાદ પરત લેવાઈ છે. રાજ્ય સરકારે અગાઉ પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસો પરત ખેંચવાની ખાતરી આપી હતી, જેના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્ણયથી હાર્દિક પટેલ અને તેમની સાથેના ૧૭ પાટીદારોને મોટી રાહત મળી છે.
સુરતમાં ભારે વરસાદના કારણે કડોદરા-સુરત સ્ટેટ હાઇવે પર હરિપુરા પાટિયા નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. પાણી ભરાવાને લીધે હરિપુરાથી કડોદરા ચાર રસ્તા સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને અનેક નાના વાહનો બંધ પડી જતાં વાહનચાલકો અટવાયા હતા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અસરકારક ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવાની માગ કરી છે.
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે રાજ્ય સરકારે ૫૧ દિવસ બાદ એમ. થેન્નારસનના અધ્યક્ષસ્થાને હાઈ લેવલ તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં રાજકુમાર બેનિવાલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અને હાઉસિંગ વિભાગના સચિવનો સમાવેશ કરાયો છે. સમિતિને ૬૦ દિવસની અંદર તપાસ પૂર્ણ કરી રાજ્ય સરકારને વિગતવાર અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જરૂર પડે અધ્યક્ષ અન્ય યોગ્ય અધિકારીને પણ ઉમેરી શકશે. હવે આ સમિતિ ડિમોલિશન પ્રક્રિયા અને વહીવટી જવાબદારીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
તા. 18/07/2026ના રોજ બનેલી આગની ઘટનાના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી તેમજ મિલકતોની કાયદેસરની સ્થિતિ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસના ભાગરૂપે આજે એસ્ટેટ વિભાગ અને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી કુલ 25 મિલકતોને સીલ કરવામાં આવી છે. આ મિલકતો સામે કાર્યવાહી કરવાનું મુખ્ય કારણ તેમની મિલકતની કાયદેસરતા અંગે પ્રશ્નો હોવા તેમજ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયેલ છે કે નહીં તે અંગે અનિશ્ચિતતા હોવાનું છે. જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંબંધિત મિલકતોની વધુ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જો ફાયર સેફ્ટી, બિલ્ડિંગ નિયમો અથવા અન્ય કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન અંગેની વિગતો સામે આવશે, તો સંબંધિત મિલકતધારકો સામે નિયમોનુસાર વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો તથા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન બદલ ફાયર વિભાગ દ્વારા 18 તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા 7 એકમો પર પગલા લીધેલ છે. આવા જોખમી એકમો સામે આવી કાર્યવાહી હાલ પણ સતત ચાલુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ૧૩૯ નવીન બસોનું ગાંધીનગરથી લોકાર્પણ કર્યું છે. આદિજાતિ વિકાસ વિભાગ અને GSRTC દ્વારા રૂ. ૩૩.૮૪ કરોડના ખર્ચે શરૂ કરાયેલી આ સેવાથી ૪૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવા-આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન મળશે. આ યોજના હેઠળ રૂ. ૭૨ કરોડના પ્રાવધાન સાથે કુલ ૨૫૦ બસો ફાળવાશે. તમામ બસો GPS સિસ્ટમથી સુસજ્જ છે, જેનાથી વેબ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓનું દૈનિક મોનિટરિંગ થશે.
આણંદમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયેલા આરોપી સુરેશ પરમારનું પોસ્ટમોર્ટમ કરમસદ મેડિકલ કોલેજ ખાતે પૂર્ણ થયું છે. આ સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા ખાસ વીડિયોગ્રાફી હેઠળ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની તમામ જરૂરી કાયદાકીય કાર્યવાહી અને વિધિ પૂર્ણ થયા બાદ, પોલીસે મૃતદેહને વિધિવત રીતે તેના પરિવારજનોને સોંપી દીધો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના વિવિધ કાર્યો અને યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રદ્યુમનભાઈ વાજા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના વરિષ્ઠ મંત્રીઓ તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ દ્વારા વિભાગીય કામગીરીને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે ભાજપની સંગઠન બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. મંચ પરથી સંજય વસાવા તરફ ઈશારો કરતાં સાંસદે કહ્યું, "સંજય, હવે આવ... તું તો હીરો છે યાર બધાનો. તારા લીધે તો ચૈતર જેલમાં ગયો." સંજય વસાવાને 'ફાઈટરમેન' ગણાવતા સાંસદે ઉમેર્યું કે, ભૂતકાળમાં ATVT બેઠક દરમિયાન જ સંજયે ચૈતર વસાવાનો વિરોધ કરી મક્કમ લડત આપી હતી. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ચાંદીપુરા વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પૂરી રીતે સજ્જ થયું છે. રાજકોટમાં હાલ ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં એક-એક કેસ સામે આવ્યો હતો. આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીના જણાવ્યા મુજબ, સેન્ડ ફ્લાય (રેતીય) માખી કરડવાથી આ વાયરસ ફેલાય છે. જે માટે તંત્ર દ્વારા કણકોટ અને ભગવતીપરા જેવા વિસ્તારોમાં ૨૦૮૫ ઘરો સહિત પશુપાલકો અને માલધારીઓના રહેણાંક વિસ્તારમાં મેલેથ્યોન પાવડરનો છંટકાવ કરી સઘન પ્રિવેન્ટિવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાની બનાસ મેડિકલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર હેઠળ ૨ વર્ષની બાળકીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. આબુરોડના સીયાવા ગામની બાળકીને તાવ, ઊલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં પાલનપુર ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું છે. વાયરસના સંક્રમણને અટકાવવા અને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગની ૪૬૯ ટીમો દ્વારા સઘન સરવે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ હવે ઝુંડાલ-ચાંદખેડામાં ફરી દીપડો દેખાયાનો દાવો કરાતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા માધવ હોમ્સની સામે રાત્રે ૨ વાગ્યાના અરસામાં દીપડો ચાલતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે કારની લાઈટના અજવાળામાં ચાલુ ગાડીમાંથી પોતાના મોબાઈલ કેમેરા વડે દીપડાનો ફોટો પાડી લીધો હતો. ઘુમા બાદ શહેરમાં અન્ય સ્થળે પણ દીપડાની હાજરીના સમાચાર મળતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં ૨૮ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશ જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ મહાનગરપાલિકાઓ, જિલ્લા વિકાસ કચેરીઓ (DDO), GIDC અને વીજ કંપનીઓ સહિતના મહત્વના હોદ્દાઓ પર ફેરફાર કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં નગર વહીવટ, ઊર્જા, ઉદ્યોગ, આરોગ્ય અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોને આવરી લેવાયા છે. રાજ્ય સરકારે નિયમિત વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે, જેથી વિવિધ જિલ્લાઓ અને સરકારી નિગમોમાં નવી નેતાગીરી મળશે.
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં એક ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે. તુલસીબાઈની ચાલમાં રહેતા હરિચરણ શર્મા શૌચાલયમાં બીડી સળગાવવા જતાં અચાનક મોટો ધડાકો થયો હતો. આગની ઝાળોમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવકની હાલત નાજુક હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ, તાજેતરમાં નાખવામાં આવેલી ગેસ પાઈપલાઈનમાંથી લીકેજ થયેલો ગેસ બંધ શૌચાલયમાં ભરાઈ ગયો હતો, જેનાથી દિવાસળી પેટાવતાં જ ભડકો થયો હતો. ઘટનાને પગલે ગેસ કંપનીની કામગીરી અને સુરક્ષા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાટણમાંથી ઝડપાયેલા આતંકીઓના તાર વડોદરા સુધી લંબાતાં રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. ATSની તપાસમાં ખુલાસો થયો છે કે આતંકીઓએ થોડા સમય પહેલાં વડોદરામાં એક શંકાસ્પદ કાશ્મીરી વ્યક્તિ સાથે સીક્રેટ બેઠક કરી હતી. આ ખુલાસા બાદ ગુજરાત ATSની ટીમોએ વડોદરામાં ધામા નાખી સઘન તપાસ શરૂ કરી છે. ATS દ્વારા સ્લીપર સેલ, આર્થિક વ્યવહારો કે મોટા ષડયંત્ર અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરાઈ રહી છે. જોકે, આ હાઈ-પ્રોફાઈલ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ તદ્દન અજાણ હોવા સામે પણ સવાલો ઊભા થયા છે. વડોદરા કનેક્શન ખુલતાં આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.
કરજણ નજીક આવેલા રાજ્યના સૌથી કમાઉ ભરથાણા ટોલ પ્લાઝા પર માત્ર ૩ મહિનામાં ફરી ટોલ દરોમાં વધારો ઝીંકાયો છે. આજથી જ નવા વધારેલા દરો અમલી બનતા કારથી લઈ ભારે વાહનોની મુસાફરી મોંઘી બની છે. નવા દરો મુજબ કાર-જીપ માટે દર ₹૧૫૫થી વધીને ₹૧૬૦ અને મીની બસ માટે ₹૨૬૦ થયો છે. જ્યારે સામાન્ય બસ-ટ્રક માટે ₹૫૩૦ને બદલે ₹૫૫૦ અને ૪ થી ૬ એક્સેલ ભારે વાહનો માટે ₹૮૬૦ ચૂકવવા પડશે. માર્ચ-એપ્રિલ બાદ જુલાઈમાં સતત ભાવવધારો થતાં વાહનચાલકોમાં ભારે રોષ છે, જેનાથી માલવાહક ભાડાં અને મોંઘવારી વધવાની શક્યતા છે.
સુરત સાયબર સેલે ₹૬૪.૩૮ કરોડના વિશાળ APK સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કરીને કાનપુરથી ૧૮ વર્ષીય રોહિત શાક્યની ધરપકડ કરી છે. આરોપી ઝારખંડની સાયબર ગેંગ માટે PNB One, RTO અને KYCના નામે ૧૨૧ નકલી APK ફાઈલો બનાવીને લોકોના મોબાઈલ હેક કરતો હતો. તપાસ અનુસાર, ૨૧,૬૭૨ મોબાઈલમાં આ ફેક એપ ઈન્સ્ટોલ થઈ હતી અને ૨,૯૨૮ મોબાઈલ હેક કરીને કરોડોની ઠગાઈ આચરવામાં આવી હતી. સુરતના એક વેપારી સાથે થયેલી ₹૫ લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ ફાયર વિભાગે કડક સપાટો બોલાવ્યો છે. શહેરમાં ૧૫૨ સ્થળો પર ફાયર સેફ્ટી, લાયસન્સ અને બાંધકામ મંજૂરી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોની ગંભીર બેદરકારી સામે આવતા ફાયર વિભાગે આકરાં પગલાં ભર્યાં છે. તંત્ર દ્વારા મધ્ય ઝોનના તમામ ૧૪ એકમો સહિત ૪૦થી વધુ ગોડાઉનો અને દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને સાણંદ તાલુકાના અમથાપુરા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ‘અંબિકા ટ્રેડ લિંક’ નામના ગોડાઉન પર દરોડા પાડીને પોલીસે ₹૩૯ કરોડથી વધુની કિંમતનો ફટાકડા અને દારૂખાનાનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગોડાઉન પાસે વેચાણ માટેની જરૂરી મંજૂરી કે ફાયર NOC પણ નહોતી. કોઈપણ જાતની સુરક્ષા વગર ચાલતા આ ગોડાઉન સામે ચાંગોદર પોલીસે કડક કાર્યવાહી કરીને ૨ આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ઉત્રાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ૧.૫૦ લાખ રૂપિયાનું ખોવાયેલું પર્સ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. રત્નકલાકાર નીતેશકુમાર ચંદુલાલ ચાવડાનું પર્સ ગુમ થતાં તેમણે ઉત્રાણ પોલીસ મથકે પહોંચીને મદદ માગી હતી. પર્સમાં ૧૨ ગ્રામ સોનાના દાગીના રહેલા હતા. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક ૨૦થી વધુ સીસીટીવી કેમેરા ચકાસીને દાગીના ભરેલું પર્સ શોધી કાઢ્યું હતું. ત્યારબાદ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આ પર્સ મૂળ માલિકને સુરક્ષિત પરત સોંપવામાં આવ્યું હતું. કિંમતી દાગીના હેમખેમ પાછા મળતાં રત્નકલાકારે સુરત પોલીસની કામગીરીના મન ભરીને વખાણ કર્યા હતા.
સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. વહેલી સવારથી પડી રહેલા અવિરત વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા અઠવાલાઇન્સ ખાતે ગંભીર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાયબર પોલીસ સ્ટેશનની બહાર ગોઠણસમા પાણી ભરાઈ જતાં આખું પોલીસ સ્ટેશન પાણીથી ઘેરાઈ ગયું છે. પ્રથમ વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બોટાદના બરવાળા-નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસે સિમેન્ટથી ભરેલો ટ્રક પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ખાળિયામાં ખાબક્યો હતો, જેના કારણે ઉપર બેઠેલા મજૂરો સિમેન્ટની થેલીઓ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બાબુભાઈ સારોલા (૪૦) અને રમેશભાઈ સારોલા (૫૦) નામના બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ મજૂરો ઈજાગ્રસ્ત થતાં બેને બોટાદ અને એકને બરવાળા હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે બરવાળા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
રાજ્યભરમાં CRS પોર્ટલ ઠપ, જન્મ-મરણના દાખલા અટકતા ભાવનગરમાં 2,500થી વધુ અરજીઓ પેન્ડિંગ
રાજ્યભરમાં જન્મ અને મરણના દાખલા માટેનું સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ છેલ્લા 5 દિવસથી વારંવાર ખોરવાતા નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાવનગર જિલ્લા પંચાયત ખાતે 2,500થી વધુ અરજીઓ મંજૂરીની રાહમાં છે. પોર્ટલ ધીમું ચાલવું, મલ્ટીપલ લોગિન સુવિધા બંધ થવી અને સ્ટાફની અછતના કારણે દૈનિક 225ને બદલે માત્ર 30-40 અરજીઓનો નિકાલ થાય છે. પરિણામે શાળા પ્રવેશ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને વારસાઈ જેવા કામો અટવાયા છે. કચેરીઓમાં લોકોની લાંબી લાઈનો લાગી છે. તાત્કાલિક ટેક્નિકલ સમસ્યા ઉકેલવા માંગ ઉઠી છે.
ભાવનગરમાં ચાંદીપુરા વાયરસની દહેશત, શંકાસ્પદ કેસના બાળ દર્દીનું મોત
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ગીર સોમનાથના સોંદરડી ગામના 5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતાં તેને રિફર કરાયો હતો. સેમ્પલ ચકાસણી માટે ગાંધીનગર જીબીઆરસી (GBRC) ખાતે મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર પુષ્ટિ થશે. ઘટનાને પગલે ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. અગાઉ મેલાણા ગામની બાળકીનું મોત થયા બાદ આ બીજો શંકાસ્પદ કિસ્સો છે. સર ટી. હોસ્પિટલમાં સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે અને તબીબોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરીને સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લા માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં સર્જાયેલી સ્થિતિને કારણે માછીમારોને આગામી ૩ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સંભાવિત પરિસ્થિતિને જોતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માટે NDEMના પોર્ટલ INCOIS દ્વારા 'હાઈવેવ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં લખપતથી કંડલા સુધીના કાંઠમાળ માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. ૨૧ અને ૨૨ જુલાઈ દરમિયાન દરિયામાં ૩.૬ મીટર (લગભગ ૧૨ ફૂટ) સુધી ઊંચા મોજાં ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પગલે માછીમારો, બોટ સંચાલકો અને તટીય વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તથા દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસેલા વરસાદને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો છે અને ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. પરિસ્થિતિને થાળે પાડવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.




