ભુજ: પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને બિનઅધિકૃત ખનીજ પરિવહન સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા અભિયાનમાં એલસીબીએ અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરીને કુલ ત્રણ ટ્રકો ડિટેઇન કર્યા છે. ટ્રકોમાંથી બ્લેક ટ્રેપ મેટલ અને કામરાઈ પથ્થરનો જથ્થો મળી આવ્યો હતો. જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જતાં સમગ્ર મામલો આગળની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.
પ્રથમ કાર્યવાહીમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે રાયધનઝરથી ચીરાસર તરફ જતાં એક શંકાસ્પદ ટ્રક પર નજર રાખી રહી હતી. ટ્રક નંબર GJ-12-BV-4815ને રોકીને તપાસ કરતાં તેમાં બ્લેક ટ્રેપ મેટલ ભરેલું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ખનીજ પરિવહન માટેના રોયલ્ટી પાસ અને અન્ય જરૂરી દસ્તાવેજોની માંગણી કરી હતી. પ્રાથમિક તપાસમાં ગેરરીતિની આશંકા ઊભી થતાં ટ્રકને ડિટેઇન કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં પાણી છાંટવા બાબતે 2 જૂથ વચ્ચે હથિયારો સાથે અથડામણ : 2 લોકો થયા ઈજાગ્રસ્ત
નારાણપર પાસે વધુ બે ટ્રકો ઝડપાઈ
બીજી કાર્યવાહીમાં એલસીબીની ટીમ ભુજ-માંડવી માર્ગ પર પેટ્રોલિંગ દરમિયાન નારાણપર ત્રણ રસ્તા નજીક પહોંચી હતી. અહીંથી પસાર થઈ રહેલી બે શંકાસ્પદ ટ્રકોને રોકી તપાસ કરવામાં આવી હતી. ટ્રક નંબર GJ-12-CV-4786 અને GJ-12-Z-0958માં કામરાઈ પથ્થર (ટોડા) ભરેલા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે બંને વાહનોના ચાલકો પાસે ખનીજ પરિવહન સંબંધિત રોયલ્ટી પાસ, બિલ અને અન્ય કાયદેસર મંજૂરીપત્રો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે ચાલકો કોઈપણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેના આધારે બંને ટ્રકોને ડિટેઇન કરી સમગ્ર કેસ નિયમ મુજબની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત ATSનો સૌથી મોટો ખુલાસો : જૈશના આતંકીઓ ઝેરી ગેસથી હુમલો કરવાની તૈયારીમાં હતા
ખનીજના સ્ત્રોત અને રોયલ્ટીની થશે તપાસ
ખાણ અને ખનીજ વિભાગ હવે ઝડપાયેલા ખનીજનો સ્ત્રોત, રોયલ્ટી ભરાઈ હતી કે નહીં, ખનિજ ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને પરિવહન કાયદેસર હતું કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરશે. તપાસના આધારે જવાબદારો સામે ખાણ અને ખનીજ સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન સામે સતત ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. બાતમીદારોના નેટવર્કને પણ વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે, જેના કારણે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝડપથી કાર્યવાહી શક્ય બની રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ ફટાકડા ફેક્ટરી દુર્ઘટના : દાહોદના એક જ પરિવારના 7 સભ્યોના મોતથી ગોવિંદાતલાઈ ગામમાં શોકની લાગણી, સામૂહિક અંતિમયાત્રા નીકળી
ખનન માફિયાઓને કડક સંદેશ
આ બંને સફળ કામગીરીમાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, એએસઆઈ પંકજભાઈ કુશવાહ અને હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષીની સતર્કતા મહત્વપૂર્ણ રહી હતી. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને બિનઅધિકૃત પરિવહન સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે.
તાજેતરની કાર્યવાહીઓ બાદ ગેરકાયદે ખનીજના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કાયદેસર ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ પોલીસની કામગીરીને આવકારી છે.






