Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા જીવલેણ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે. બ્લાસ્ટ થયેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી પર સ્થાનિક તંત્રે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત રાખવામાં આવ્યું હતું જેથી કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, માત્ર બ્લાસ્ટ થયેલી ફેક્ટરી પૂરતી જ કાર્યવાહી મર્યાદિત નહીં રહે. સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા અન્ય ફટાકડા એકમોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્રે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં આવા તમામ ગેરકાયદેસર એકમોને શોધી કાયદા મુજબ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની થઈ ચૂકી છે ધરપકડ
આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની અગાઉ સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ફેક્ટરીમાં હાજર હતો અને તેને પણ ઈજા પહોંચી હતી. જોકે, ઈજા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે પોતાના એક પરિચિતને ફોન કરીને બ્લાસ્ટ થયેલી ફેક્ટરી પર જવા જણાવ્યું હતું. પોલીસ આ કોલ ડિટેલ્સ સહિત અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે.
ગેરકાયદેસર રીતે ફરી શરૂ થયું હતું ઉત્પાદન
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 4 માર્ચે પોલીસ દ્વારા ફેક્ટરીમાં ચાલતું ફટાકડાનું યુનિટ બંધ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં છેલ્લા અંદાજે 25 દિવસથી ફરી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે ફટાકડાં તૈયાર કરવામાં આવી રહ્યા હતા અને બ્લાસ્ટ સમયે પણ ઉત્પાદન ચાલુ હતું.
SIT તમામ પાસાઓની કરી રહી છે તપાસ
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. SIT ફોરેન્સિક રિપોર્ટ, CCTV ફૂટેજ, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), મોબાઇલ ડેટા તેમજ ફેક્ટરીના લાયસન્સ, મંજૂરી અને વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ સંબંધિત તમામ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંકળાયેલું હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસની તપાસ માટે SITની રચના : DCP-ACP સહિતની વિશેષ ટીમ કરશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા પો.કમિશ્નરનો આદેશ
9 લોકોના મોત બાદ સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા બાદ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના કારખાનાઓ અને ગોડાઉનો સામે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે જે પણ એકમો નિયમોનું ઉલ્લંઘન કરતા જણાશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રનું માનવું છે કે આવી કાર્યવાહીથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ મળશે અને જોખમી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવી શકાશે.






