Ahmedabad News: અમદાવાદના રામોલ-ગાત્રાડ રોડ વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના મોત થયા છે, જેમાંથી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગોવિંદાતલાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના મોત થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની આસપાસના મકાનોને પણ ભારે નુકસાન થયું હતું અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકો રોજગારીની શોધમાં પોતાના ગામમાંથી અમદાવાદ આવ્યા હતા અને ફટાકડા બનાવવાના એકમમાં કામ કરતા હતા. પરિવારના એકસાથે અનેક સભ્યોના મોતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો. જે બાદ મૃતદેહોને ગામમાં લાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો અને સગા-સંબંધીઓના જણાવ્યા મુજબ, પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી રોજીરોટી માટે અમદાવાદમાં મજૂરી કરતો હતો.
ગેરકાયદે ફેક્ટરીમાં થયો હતો વિસ્ફોટ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જ્યાં વિસ્ફોટ થયો તે ફટાકડા ઉત્પાદન એકમ ગેરકાયદે ચાલી રહ્યો હતો. પોલીસે ફેક્ટરીના સંચાલકને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, એકમનું લાઇસન્સ અગાઉ જ રદ કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. ફોરેન્સિક અને પોલીસની ટીમો વિસ્ફોટના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે અંદર કામ કરતા શ્રમિકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ગામમાં શોક, સામૂહિક અંતિમયાત્રા નીકળી
દાહોદના ગોવિંદાતલાઈ ગામમાં મૃતકોના પરિવારોને સાંત્વના આપવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ગામમાં અનેક ઘરોમાં શોકનું વાતાવરણ છે. સ્થાનિક તંત્ર મૃતદેહોને વતન લાવવાની અને અંતિમવિધિ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં સહાય કરી રહ્યું છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફટાકડા બનાવતા એકમોની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દાહોદના ગોવિંદાતળાઈમાં એકસાથે 5 ચિતાઓ સળગી
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં જીવ ગુમાવનારા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદાતળાઈ ગામના એક જ પરિવારના સાતેય સભ્યોના મૃતદેહ વતન પહોંચતા સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. પરિવારજનોના હૃદયદ્રાવક આક્રંદ વચ્ચે નીકળેલી સામૂહિક અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા-સંબંધીઓ અને આસપાસના ગામોના લોકો જોડાયા હતા. એકસાથે સાત ચિતાઓને અગ્નિદાહ અપાતાં સમગ્ર પંથકમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ દરમિયાન સ્થાનિક મામલતદાર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રના પ્રતિનિધિઓ પણ ગામમાં હાજર રહ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ અંતિમવિધિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સરકારે વળતરની જાહેરાત કરી
દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાયની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્ય સરકાર તરફથી દરેક મૃતકના પરિવારને ₹4 લાખની આર્થિક સહાય જાહેર કરી છે.
સ્થળાંતરિત શ્રમિકોની સુરક્ષા પર ફરી ઉઠ્યા પ્રશ્નો
આ દુર્ઘટનાએ રોજગારી માટે ગામડાંમાંથી શહેરોમાં સ્થળાંતર કરતા શ્રમિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આર્થિક મજબૂરીને કારણે અનેક પરિવારો જોખમી ઉદ્યોગોમાં કામ કરવા મજબૂર બને છે, જ્યાં સલામતીના નિયમોનું પાલન થતું હોય કે નહીં તેની તેમને પૂરતી જાણકારી પણ હોતી નથી. નિષ્ણાતોનું માનવું છે કે આવા એકમોમાં નિયમિત નિરીક્ષણ અને સલામતીના ધોરણોનું કડક પાલન કરાવવું અત્યંત જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.
આ પણ વાંચો: અમદાવાદમાં અદાણી CNG ફરી મોંઘો : પ્રતિ કિલો ₹2નો વધારો; હવે ભાવ ₹90.20 પહોંચ્યો
તપાસ તેજ, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે
વિસ્ફોટ બાદ પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને અન્ય તપાસ એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. પ્રાથમિક તપાસના આધારે ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન, વિસ્ફોટક સામગ્રીના સંગ્રહ અને સલામતીના નિયમોના ભંગ સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો તેને પણ તપાસના દાયરામાં લેવામાં આવશે.






