Junagadh News: ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર SMCની ટીમે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર વિસ્તારમાં એકસાથે ત્રણ સ્થળે દરોડા પાડી ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹2,13,48,880નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે. દરોડા દરમિયાન પોલીસે કુલ 30,970 લીટર ડીઝલના નામે વેચાતું શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત ₹28.21 લાખ જેટલી થાય છે. ઉપરાંત 15 વાહનો, 7 ઇલેક્ટ્રિક મોટર, 9 લિક્વિડ સ્ટોરેજ ટાંકાઓ, ડિસ્પેન્સર મશીનો, રોકડ રકમ અને અન્ય સાધનો સહિતનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ગડુ ગામે પ્રથમ દરોડામાં મોટો જથ્થો ઝડપાયો
SMCની પ્રથમ કાર્યવાહી ગડુ ગામથી માળિયા જવાના રસ્તા પર આવેલા ભવાની કોમ્પ્લેક્ષમાં શિવકૃપા ટ્રેડર્સના શેડ નંબર-3 અને 4માં કરવામાં આવી હતી. અહીંથી 18,300 લીટર શંકાસ્પદ બાયોડીઝલ, ત્રણ ઇલેક્ટ્રિક મોટર, બે ડિસ્પેન્સર મશીન, ચાર વાહનો, પાંચ સ્ટોરેજ ટાંકાઓ, રોકડ રકમ અને અન્ય સાધનો મળી કુલ ₹51.78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સ્થળેથી વાહનોમાં ઇંધણ ભરી રહેલા શાહીલખા રહીમખા લીગારી અને અર્જુનકુમાર મેરૂભાઈ ગલચરની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત ઇંધણ ભરાવવા આવેલા બે વાહનચાલકોને પણ પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ સોલંકી અને એક અજાણ્યા સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બીજી રેડમાં વધુ એક ગેરકાયદેસર અડ્ડાનો ભંડાફોડ
બીજી કાર્યવાહી ગડુ-ચોરવાડ હાઈવે પર આવેલી વૃંદાવન હોટલ નજીક 'રાધે એન્ટરપ્રાઈઝ' ખાતે કરવામાં આવી હતી. અહીંથી પોલીસે 10,070 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી, બે વાહનો, બે ડિસ્પેન્સર મશીન, બે ટાંકાઓ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સાધનો સહિત કુલ ₹27.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ફારૂક ગુલમહમદ દલ અને વાહનમાં ઇંધણ ભરાવવા આવેલા ડ્રાઈવર લાખાભાઈ રાજાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગૌતમભાઈ લખમણભાઈ કારેથા, ભરતભાઈ બાબુભાઈ કોરીયા અને અનવર સીલેમાન હોઠીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
માણાવદરમાં ત્રીજી કાર્યવાહી દરમિયાન 13 વાહનો કબજે
ત્રીજી અને સૌથી મોટી કાર્યવાહી માણાવદરના મીતડી રોડ પર આવેલા નિલકંઠ ટ્રાન્સપોર્ટ ખાતે કરવામાં આવી હતી. અહીંથી 2,600 લીટર શંકાસ્પદ બાયોડીઝલ, 13 વાહનો, બે ઇલેક્ટ્રિક મોટર, એક ડિસ્પેન્સર મશીન, બે સ્ટોરેજ ટાંકાઓ, DVR, મોબાઈલ ફોન અને અન્ય સાધનો સહિત કુલ ₹1.34 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સ્થળેથી મુખ્ય આરોપી સોમીલભાઈ ગોપાલભાઈ ભીમાણી અને વાહનમાં ઇંધણ ભરાવવા આવેલા જીતેશ પ્રભુદાસ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેરકાયદેસર નેટવર્કના મૂળિયાં વધુ ઊંડા હોઈ શકે છે અને આગામી તપાસમાં અન્ય સપ્લાયરો તથા સંચાલકોની ભૂમિકા પણ સામે આવી શકે છે.
આ પણ વાંચો: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસની તપાસ માટે SITની રચના : DCP-ACP સહિતની વિશેષ ટીમ કરશે તપાસ, 10 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા પો.કમિશ્નરનો આદેશ
ગેરકાયદેસર ઇંધણના નેટવર્કની તપાસ તેજ
SMC હવે જપ્ત કરાયેલા જ્વલનશીલ પ્રવાહીના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ કરાવશે, જેથી તે ડીઝલ, બાયોડીઝલ કે અન્ય કોઈ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકે. સાથે જ જપ્ત કરાયેલા વાહનો, દસ્તાવેજો, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર નેટવર્ક અને તેના આર્થિક વ્યવહારોની તપાસ પણ કરવામાં આવશે.
પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર રીતે ઇંધણનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા તમામ સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને તપાસ હજુ ચાલુ છે.






