અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં થયેલા ફેક્ટરી બ્લાસ્ટ મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ કેસમાં મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા પોતે ફેક્ટરીમાં હાજર હતો અને તેને પણ ઈજા પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ઈજા થયા બાદ મેહુલ ડોડિયા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના એક પરિચિતને ફોન કરીને બ્લાસ્ટ થયેલી ફેક્ટરી પર જવા માટે કહ્યું હતું. પોલીસ હવે આ કોલ અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.
પોલીસે અગાઉ બંધ કરાવ્યું હતું ફટાકડાનું યુનિટ
પોલીસ કમિશનરે જણાવ્યું કે 4 માર્ચે પોલીસે ફેક્ટરીમાં ચાલતું ફટાકડાનું યુનિટ બંધ કરાવ્યું હતું. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા લગભગ 25 દિવસથી ફરી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ અનુસાર, ગ્રાહકોના ઓર્ડર મુજબ ફટાકડાં તૈયાર કરવામાં આવી રહ્યા હતા. બ્લાસ્ટ સમયે પણ ફેક્ટરીમાં ફટાકડાં બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તપાસ તેજ
પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ફેક્ટરીમાં જરૂરી પરવાનગી વિના વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ અને ઉત્પાદન કરવામાં આવતું હતું કે નહીં. ઉપરાંત, ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા ભાગીદાર સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના તમામ ટેક્નિકલ અને ફોરેન્સિક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્ય આરોપીની પૂછપરછ શરૂ, ગેરકાયદેસર નેટવર્કની તપાસ
પોલીસે મેહુલ ડોડિયાની ધરપકડ બાદ તેની પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવતી હતી, કેટલા સમયથી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું અને આ સમગ્ર કામગીરીમાં અન્ય કોની સંડોવણી હતી તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસે ફેક્ટરીમાંથી મળેલા પુરાવા, દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ તપાસ શરૂ કરી છે, જેથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં અપહરણ કેસના ત્રણ રીઢા આરોપીઓ સામે PASA : અલગ-અલગ જેલમાં ખસેડાયા
ફોરેન્સિક તપાસ બાદ વધુ કાર્યવાહી થશે
બીજી તરફ, બ્લાસ્ટ બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્ર કરીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સુરક્ષા નિયમોના ભંગ અને વિસ્ફોટક સામગ્રીના બેદરકારીપૂર્વક સંગ્રહની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય તકનીકી પુરાવા મળ્યા બાદ કેસમાં વધુ કલમો ઉમેરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બ્લાસ્ટમાં 9 લોકોના મોત, અનેક પરિવારો પર આભ તૂટી પડ્યું
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં કુલ 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ, કિશોરીઓ અને એક 6 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઘટનાએ અનેક પરિવારોને આઘાતમાં મૂકી દીધા છે અને પીડિત પરિવારો માટે આ દુર્ઘટના ક્યારેય ન ભૂલાય તેવી બની છે.
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃતકોની યાદી
રિંકુ ભરતભાઈ વીરસિંગભાઈ ચરેલ (ઉંમર 16 વર્ષ, મહિલા)
રવિના ભરતભાઈ વીરસિંગભાઈ ચરેલ (ઉંમર 14 વર્ષ, મહિલા)
શિવાની ભરતભાઈ વીરસિંગભાઈ ચરેલ (ઉંમર 14 વર્ષ, મહિલા)
રમીલાબેન ભરતભાઈ વીરસિંગભાઈ ચરેલ (ઉંમર 37 વર્ષ, મહિલા)
વિરલ ઉર્ફે નિરવ ભરતભાઈ વીરસિંગભાઈ ચરેલ (ઉંમર 6 વર્ષ, પુરુષ)
સવિતાબેન સુરેશભાઈ ડામોર (ઉંમર 38 વર્ષ, મહિલા)
ઉષાબેન ગોવિંદભાઈ ધીમાભાઈ ડામોર (ઉંમર 45 વર્ષ, મહિલા)
મો. અશરાર ઇરફાન અલી ઇનાયત અલી સૈયદ (ઉંમર 20 વર્ષ, પુરુષ)
અઝરૂદ્દીન રૂકનુદ્દીન કાઝી (ઉંમર 25 વર્ષ, પુરુષ)
શહેરભરમાં ફટાકડા ફેક્ટરીઓ પર તંત્રની કાર્યવાહીબ્લાસ્ટ બાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC), પોલીસ અને ફાયર વિભાગે શહેરમાં ફટાકડાની ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં સંયુક્ત તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગ્યાસપુર વિસ્તારમાં આવેલી 'જોય એન્ડ એન્જોય વર્ક્સ' નામની ફટાકડા ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે પરવાનગી વિના અથવા સુરક્ષા નિયમોના ભંગ સાથે ચાલતા જોખમી એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અન્ય વિસ્તારોમાં પણ તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દીપડાઓના આતંકને રોકવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યાં 50 ચિત્તલ : ગુજરાત સરકારનો વન વિભાગ એક્શનમાં, આ પ્રયોગનું કારણ જાણીને ચોંકી જશોસુરક્ષા નિયમોના કડક અમલની માંગ
રામોલ બ્લાસ્ટ બાદ શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા જોખમી કારખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર એકાદ ફેક્ટરી સીલ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. નિયમિત ચેકિંગ, કડક અમલ અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જ આવી દુર્ઘટનાઓ અટકાવી શકાશે.






