બનાસકાંઠા જિલ્લાના થરા વિસ્તારમાં અપહરણ, બંધક બનાવી મારપીટ અને જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકતા ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓ સામે બનાસકાંઠા પોલીસે કડક કાર્યવાહી કરતાં તેમને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી આપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓ સામે અગાઉ પણ શરીર સંબંધિત અને ગંભીર પ્રકારના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેના આધારે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી માથાભારે અને અસામાજિક તત્વો સામે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરત LCBની મોટી કાર્યવાહી : ₹81 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, કર્ણાટકથી વડોદરા પહોંચાડવાનો હતો જથ્થો
દાદર ગામના યુવકના અપહરણ બાદ નોંધાયો ગંભીર ગુનો
પોલીસના જણાવ્યા મુજબ, 11 જુલાઈ 2026ના રોજ થરા વિસ્તારમાં અગાઉ થયેલી બેઠકની અદાવત રાખીને આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેમણે પાટણ જિલ્લાના દાદર ગામના અજમલભાઈ ચૌધરીની કારનો પીછો કરીને મોટરસાયકલ અને કાર વડે તેમનું વાહન રોક્યું હતું. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમને બળજબરીથી કારમાંથી ઉતારી મારપીટ કરવામાં આવી હતી.
આરોપીઓએ અજમલભાઈને તેમની જ કારમાં બેસાડી દેવ દરબાર મઠ ખાતે લઈ જઈ બંધક બનાવ્યા હતા. ત્યાં દોરડાથી બાંધી લાકડી અને હોકી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે થરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્રણેય આરોપીઓનો લાંબો ગુનાહિત ઇતિહાસ
આ કેસમાં પોલીસે સુનિલસિંહ વજુભા વાઘેલા (રહે. ઉણ દરબારગઢ), વિષ્ણુજી લાલાજી ઠાકોર (રહે. ઉણ લોડાણાવાસ) અને દિગુભા ઉર્ફે ગુણવંતસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલા (રહે. ઉણ દરબારગઢ)ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ત્રણેય આરોપીઓ અગાઉ પણ લૂંટ, અપહરણ, મારામારી, ધાકધમકી, ચોરી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે.
પોલીસે ત્રણેયના ગુનાહિત ઇતિહાસ અને અસામાજિક પ્રવૃત્તિઓના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ PASA હેઠળ દરખાસ્ત રજૂ કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર વ્યવસ્થા જાળવવા માટે ત્રણેય સામે PASA હેઠળ અટકાયતના આદેશ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો: Google Mapsથી મંદિરો શોધી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ : મહેસાણા LCBએ 15 કેસનો ભેદ ઉકેલાયો, 3 ની ધરપકડ
અલગ-અલગ જેલોમાં મોકલાયા આરોપીઓ
LCBને મળેલી ચોક્કસ બાતમી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે 17 જુલાઈ 2026ના રોજ ત્રણેય આરોપીઓને રાઉન્ડ-અપ કરીને PASA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ સુનિલસિંહ વાઘેલાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, વિષ્ણુજી ઠાકોરને ભાવનગર જિલ્લા જેલ અને દિગુભા ઉર્ફે ગુણવંતસિંહ વાઘેલાને જામનગર જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતા તત્વો સામે PASA જેવી કડક કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.






