Home Gujarat Vadodara Vadodara Akota Minor Kidnapping Rape Ransom Case Main Accused Arrested

વડોદરામાં પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સલીમની ધરપકડ : પ્રેમિકાને ત્રણ રાજ્યોમાં છુપાવી; 1 લાખની ખંડણી માંગી હતી

વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 19, 2026, 12:09 PM IST

Vadodara News: વડોદરા શહેરની અકોટા પોલીસે સગીરાના અપહરણ, દુષ્કર્મ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરીને મહત્વની સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનની 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરવાના, તેને અનેક રાજ્યોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાના તેમજ તેના પરિવાર પાસેથી રૂ. 1 લાખની ખંડણી માંગવાના આરોપસર અજમેરના રહેવાસી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હવે આરોપીને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને તે થોડા સમય માટે વડોદરામાં પોતાના માસીના ઘરે રહેવા આવી હતી. આ દરમિયાન આરોપી સલીમ ઉર્ફે સૈયદ સૈલાબ તેનો પીછો કરતો વડોદરા આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીએ સગીરાને વિશ્વાસમાં લઈને મળવા બોલાવી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું.

અનેક રાજ્યોમાં લઈ જઈ કથિત રીતે દુષ્કર્મ આચર્યું

તપાસ દરમિયાન સામે આવેલી માહિતી અનુસાર, અપહરણ બાદ આરોપી સગીરાને પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાં લઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન તેણે સગીરાને પોતાની ચુંગાલમાં રાખી તેના પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ સગીરા પાસે રહેલા કિંમતી ઘરેણાં અને મોબાઇલ ફોન પણ વેચી નાખ્યા હોવાનો આરોપ છે. આ ઉપરાંત, સગીરાને મુક્ત કરાવવા માટે તેની માતા પાસેથી રૂ. 1 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે પરિવાર ભારે ભયમાં મુકાયો હતો.

ઝીરો નંબર FIRથી શરૂ થઈ તપાસ

આ સમગ્ર મામલે સગીરાની માતાએ રાજસ્થાનના અજમેરમાં દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેસનો ગુનો 'ઝીરો નંબર FIR' તરીકે નોંધાયા બાદ તે રેલવે પોલીસ મારફતે ઘટનાનું કાર્યક્ષેત્ર વડોદરા હોવાથી અકોટા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફરિયાદ મળતા જ અકોટા પોલીસે અલગ-અલગ તપાસ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, માનવસૂત્રો અને વિવિધ રાજ્યોની પોલીસ સાથેના સંકલનના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

રાજસ્થાનમાંથી સગીરાનો બચાવ, બાદમાં આરોપીની ધરપકડ

તપાસ દરમિયાન અકોટા પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ત્યાંથી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેનો કબજો મેળવ્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો. પીડિતાના નિવેદન બાદ પોલીસે ગુનામાં દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો ઉમેરતાં આરોપીને ઝડપી પાડવા માટે વધુ સઘન તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આરોપી વડોદરા આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે જાળ બિછાવી તેની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: મનપાની કાર્યવાહી દરમિયાન ડોક્ટર આવ્યા આક્રોશમાં : કર્મચારીઓને અપશબ્દો કહ્યાં

કાયદેસરની કાર્યવાહી આગળ વધશે

હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેમાં અપહરણનું આયોજન, સગીરાને અલગ-અલગ રાજ્યોમાં લઈ જવા પાછળના કારણો, ખંડણીની માંગ અને અન્ય સંભવિત સંડોવણીની તપાસ કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કેસની તપાસ હજુ ચાલુ છે અને તમામ પુરાવા, પીડિતાના નિવેદન તેમજ ફોરેન્સિક અને અન્ય કાયદેસરની પ્રક્રિયાના આધારે ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. સગીરાના હિત અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now