પાટણ શહેરની એક હોટલમાંથી અમદાવાદની યુવતીનો મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસે મૃતકના પતિ પર પત્નીની હત્યા કરવાનો આરોપ મૂક્યો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પોલીસે આરોપી પતિ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી તેમની શોધખોળ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ અમદાવાદની રહેવાસી શ્રેયા પટની તરીકે થઈ છે. તેનો મૃતદેહ પાટણ શહેરની હોટલ 89ના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાટણ પોલીસ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા હતા.
આ પણ વાંચો: વડોદરામાં પાણી છાંટવા બાબતે 2 જૂથ વચ્ચે હથિયારો સાથે અથડામણ : 2 લોકો થયા ઈજાગ્રસ્ત
માત્ર બે કલાક રોકાયા, પછી પતિ હોટલમાંથી નીકળી ગયો
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, દંપતી હોટલમાં ચેક-ઇન કર્યા બાદ અંદાજે બે કલાક સુધી રૂમમાં રોકાયું હતું. ત્યારબાદ પતિ એકલો જ રૂમમાંથી બહાર નીકળ્યો હતો.
હોટલના સ્ટાફના જણાવ્યા મુજબ, બહાર નીકળતા પહેલાં આરોપીએ હોટલ સંચાલકને કહ્યું હતું કે, "હું ફોન કરું ત્યારે જ રૂમનો દરવાજો ખોલજો." ત્યારબાદ તેણે પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો અને સ્થળ પરથી ચાલ્યો ગયો હતો.
લાંબા સમય સુધી કોઈ સંપર્ક ન થતાં અને શંકા જતાં હોટલ સ્ટાફે રૂમની તપાસ કરી હતી, જ્યાં શ્રેયા પટની મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પતિએ ગળું દબાવી હત્યા કરી હોવાનો પોલીસનો પ્રાથમિક દાવો
પ્રાથમિક તપાસના આધારે પોલીસે જણાવ્યું છે કે યુવતીનું ગળું દબાવીને મોત નિપજાવવામાં આવ્યું હોવાની આશંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય ફોરેન્સિક પુરાવાના આધારે મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
પોલીસે હાલ મૃતકના પતિ સહિત અન્ય એક વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન હોટલના CCTV ફૂટેજ, મોબાઇલ ફોનની વિગતો, કોલ ડિટેલ રેકોર્ડ (CDR) અને અન્ય ટેક્નિકલ પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના PA સામે ACBની વધુ એક કાર્યવાહી : આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો નોંધાયો
આરોપીઓની શોધમાં પાંચ ટીમો, હત્યાનું કારણ હજુ સ્પષ્ટ નથી
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવી છે. વિવિધ સ્થળોએ દરોડા પાડવાની સાથે આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને આરોપી પતિએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે લગ્નજીવન દરમિયાન એવો કયો વિવાદ ઊભો થયો કે જેના કારણે આ ઘટના બની, તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: મનપાની કાર્યવાહી દરમિયાન ડોક્ટર આવ્યા આક્રોશમાં : કર્મચારીઓને અપશબ્દો કહ્યાં






