ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બાળકો માટે ગંભીર ચિંતા સર્જી રહેલો ચાંદીપુરા વાયરસ હવે ગોહિલવાડ પંથક સુધી પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના સંક્રમણથી મોત થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી નોંધાયેલો આ પ્રથમ સત્તાવાર મૃત્યુનો કેસ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, મેલાણા ગામમાં રહેતા બાળકને અચાનક ઊંચો તાવ, સતત ઉલટી અને મગજમાં સોજો (એન્સેફેલાઇટિસ) જેવા ગંભીર લક્ષણો દેખાયા હતા. બાળકની તબિયત ઝડપથી બગડતાં પરિવારજનોએ તેને 8 જુલાઈના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કર્યો હતો. જોકે સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ ગંભીર બનતાં 9 જુલાઈના રોજ તેનું મોત થયું હતું.
પુણેની લેબમાં મોકલાયેલા સેમ્પલમાં વાયરસની પુષ્ટિ
બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જણાતા હોસ્પિટલના તબીબોએ પ્રોટોકોલ મુજબ બ્લડ અને સીરમના નમૂના લઈને તપાસ માટે પુણે સ્થિત સત્તાવાર પ્રયોગશાળામાં મોકલ્યા હતા. લેબોરેટરીનો રિપોર્ટ જાહેર થતાં બાળકનું મોત ચાંદીપુરા વાયરસના કારણે જ થયું હોવાનું સ્પષ્ટ થયું છે.
આ પુષ્ટિ બાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે. જિલ્લામાં વધુ કોઈ બાળક સંક્રમિત ન થાય તે માટે સાવચેતીના પગલાં ઝડપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોની મોટી સિદ્ધિ : 11 માસની બાળકીના ગળામાંથી કાપકૂપ વગર કાઢી કાનની બુટ્ટી
મેલાણા ગામમાં આરોગ્ય વિભાગની પાંચથી વધુ ટીમો તૈનાત
ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ મેલાણા ગામમાં આરોગ્ય વિભાગની પાંચથી વધુ ટીમોને મોકલવામાં આવી છે. ટીમો દ્વારા ગામમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોમાં તાવ, આંચકી, બેભાન થવું અથવા અન્ય ન્યુરોલોજિકલ લક્ષણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત કાચા મકાનો, પશુઓના ગમાણ અને સેન્ડફ્લાય (રેતીની માખી)ની સંભાવના ધરાવતા વિસ્તારોમાં મેલાથિયોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગનું માનવું છે કે સેન્ડફ્લાયના નિયંત્રણ દ્વારા વાયરસના સંક્રમણનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.
ચાંદીપુરા વાયરસ શું છે?
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો વાયરસ છે, જે ઝડપથી મગજને અસર કરીને એન્સેફેલાઇટિસ જેવી ગંભીર સ્થિતિ ઊભી કરી શકે છે. દર્દીમાં અચાનક ઊંચો તાવ, ઉલટી, આંચકી, બેભાન થવું અને માનસિક સ્થિતિમાં ફેરફાર જેવા લક્ષણો જોવા મળી શકે છે. ગંભીર કિસ્સાઓમાં થોડા જ સમયમાં સ્થિતિ જીવલેણ બની શકે છે.
આ વાયરસનો સંક્રમણ મુખ્યત્વે સેન્ડફ્લાય દ્વારા ફેલાતો હોવાનું માનવામાં આવે છે. તેથી ચોમાસા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં યુવાનોનાં ધરણા : સરકારને કરી મોટી અપીલ
વાલીઓને તાત્કાલિક સારવાર લેવા અપીલ
આરોગ્ય વિભાગે ગ્રામજનો અને વાલીઓને અપીલ કરી છે કે કોઈપણ બાળકને અચાનક તીવ્ર તાવ, આંચકી, ઉલટી અથવા બેભાન જેવી સ્થિતિ થાય તો સમય બગાડ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અથવા સરકારી હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. ભુવા-ભગત અથવા ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવાને બદલે તાત્કાલિક તબીબી સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે.
આરોગ્ય વિભાગે લોકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, બાળકોને જંતુઓના કરડવાથી બચાવવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તરત આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવાની પણ અપીલ કરી છે.






