GT vs SRH : IPL 2026 ની સિઝન હવે તેના સૌથી નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 કલાકે ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે સિઝનની 56 મી મેચ રમાશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં RCB, SRH અને GT ત્રણેય ટીમો 14-14 પોઈન્ટ સાથે ટોપ પર છે. આજની જીત જે-તે ટીમને 16 પોઈન્ટ સાથે સીધી ટેબલના ટોપ પર પહોંચશે અને પ્લેઓફ માટે સ્થાન લગભગ નિશ્ચિત કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં માત્ર બે પોઈન્ટ જ નહીં, પરંતુ નેટ રન રેટ (NRR) સુધારવાની પણ મોટી તક છે.
આમને-સામનેનો ઇતિહાસ
બંને ટીમોના અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો ગુજરાત ટાઇટન્સનું પલ્લું સ્પષ્ટપણે ભારે દેખાઈ રહ્યું છે. આ બંને ટીમો અત્યાર સુધી 6 વખત ટકરાઈ છે, જેમાંથી ગુજરાત ટાઇટન્સે 5 મેચમાં ભવ્ય જીત મેળવી છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ માત્ર 1 વાર જીતનો સ્વાદ ચાખી શક્યું છે. ખાસ કરીને અમદાવાદના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાતનો રેકોર્ડ શાનદાર છે, જ્યાં હૈદરાબાદ છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ મેચ જીતી શક્યું નથી. આ સિઝનમાં આ બંને ટીમો પહેલીવાર સામસામે ટકરાઈ રહી છે, જેના કારણે ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
ગુજરાત ટાઇટન્સની મજબૂત કડી
શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમ હાલમાં વિજયી રથ પર સવાર છે. ગિલ પોતે શાનદાર ફોર્મમાં છે અને 10 મેચમાં 462 રન સાથે ટીમના ટોપ સ્કોરર છે. તેની સાથે સાઈ સુદર્શન અને જોશ બટલરની જોડી પાવરપ્લેમાં આક્રમક શરૂઆત અપાવે છે. મિડલ ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદર અને જેસન હોલ્ડર ટીમને મજબૂતી આપે છે. બોલિંગની વાત કરીએ તો, મોહમ્મદ સિરાજ અને કાગીસો રબાડાની જોડી પાવરપ્લેમાં વિકેટ લેવા માટે જાણીતી છે, જ્યારે રાશિદ ખાન મિડલ ઓવરોમાં રન રોકવાની સાથે મહત્વની સફળતા અપાવવામાં માહિર છે. રબાડા અત્યાર સુધીમાં 18 વિકેટ ઝડપી ચૂક્યા છે.
આ પણ ખાસ વાંચો : સૂર્યવંશીથી પણ ખતરનાક નીકળ્યો આ ગુજ્જુ ખેલાડી! : 8 બોલમાં 6 છગ્ગા મારી રચ્યો ઇતિહાસ, જાણો પછી ખિસ્સામાંથી ચીઠ્ઠી કાઢી એમાં શું હતું
હૈદરાબાદનો વિસ્ફોટક અંદાજ
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આ સિઝનમાં 'પાવર હિટિંગ' ના નવા રેકોર્ડ બનાવી રહી છે. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડીએ પાવરપ્લેમાં તમામ ટીમોના બોલરોને હંફાવ્યા છે. ટીમે આ સિઝનમાં 8 વખત 200 થી વધુનો સ્કોર બનાવીને પોતાની તાકાત બતાવી છે. હેનરિક ક્લાસેન 11 મેચમાં 494 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે. કેપ્ટન પેટ કમિન્સના પરત ફરવાથી બોલિંગમાં શિસ્ત અને ધાર જોવા મળી રહી છે. હૈદરાબાદની બોલિંગની નવી શોધ ગણાતો ઈશાન મલિંગા 16 વિકેટ સાથે અત્યારે પર્પલ કેપની રેસમાં છે અને તે ગિલ અને બટલર માટે મોટો પડકાર બની શકે છે.
આ પણ ખાસ વાંચો : શું MI છોડવાની તૈયારીમાં છે હાર્દિક? : અડધી રાત્રે ઉઠીને પંડ્યાએ જે કર્યું એ તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય
અમદાવાદની પિચ અને વાતાવરણ
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ નંબર 5 પર રમાશે. આ પિચ પર એપ્રિલ મહિનામાં તિલક વર્માએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી, જે દર્શાવે છે કે અહીં બેટર્સ માટે રન બનાવવા સરળ રહેશે. જોકે, શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે. આંકડા મુજબ અહીં છેલ્લી 8 મેચમાંથી 6 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, તેથી ટોસ જીતીને કેપ્ટન પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. રાત્રિના સમયે ઝાકળ (Dew Factor) પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, જે બોલરો માટે મુશ્કેલી ઊભી કરશે.
આ પણ ખાસ વાંચો : એક સમયે ટ્રિપલ સદી ફટકારનાર સુપરસ્ટાર આજે IPL માં પિવડાવે છે પાણી! : 400 રનનો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક હતો આ ભારતીય
GT vs SRH ની સંભવિત પ્લેઇંગ-12
GT : શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોશ જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને રાહુલ તેવતિયા.
SRH : ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, આર સ્મરણ, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા અને હર્ષ દુબે.





