IPL 2026 : IPL 2026 ની સિઝન ભારતીય ક્રિકેટ જગતને એક નવો 'વિસ્ફોટક' હીરો આપી રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ મુશ્કેલીમાં હતી, ત્યારે મહેસાણાના ઉર્વિલ પટેલે એવી બેટિંગ કરી કે સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકો અને ટીવી સામે બેઠેલા કરોડો લોકો દંગ રહી ગયા. માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારીને આ ખેલાડીએ સાબિત કરી દીધું કે તે આવનારા સમયનો સુપરસ્ટાર છે. તેની આ રમત જોઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ પોતે તેની પ્રશંસા કરતાં રોકી શક્યા નહીં.
લખનઉ સામે ઉર્વિલ પટેલનું તાંડવ : 13 બોલમાં ઇતિહાસ લખ્યો
IPL 2026 ની 53 મી મેચમાં ઉર્વિલ પટેલે જ્યારે મેદાનમાં એન્ટ્રી કરી ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આગામી 15 મિનિટમાં રેકોર્ડ બુક બદલાઈ જશે. 204 રનના લક્ષ્યનો પીછો કરતાં ઉર્વિલ પટેલે પોતાની ઇનિંગના પહેલા 8 બોલમાં જ 6 છગ્ગા ફટકારી દીધા હતા. તેને દિગ્ગજ બોલર મોહમ્મદ શમીની ઓવરમાં વિસ્ફોટક બેટિંગ કરી 13 બોલમાં 50 રન પૂરા કર્યા. આ સાથે તેણે યશસ્વી જયસ્વાલના સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઉર્વિલની આ પારીમાં કુલ 23 બોલમાં 65 રન હતા, જેમાં 8 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.
સંઘર્ષની ગાથા : પિતા પીટી ટીચર હતા, દીકરાને બનાવ્યો ચેમ્પિયન
ઉર્વિલની આ સફળતા પાછળ તેના પરિવારનો વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. 17 ઓક્ટોબર 1998 ના રોજ મહેસાણામાં જન્મેલા ઉર્વિલના પિતા મુકેશ પટેલ એક પીટી ટીચર હતા. તેઓ પોતે સ્પોર્ટ્સમાં નામ કમાવવા માંગતા હતા પણ સંજોગોવશાત ન કરી શક્યા, તેથી તેમણે ઉર્વિલને માત્ર 4 વર્ષની ઉંમરથી ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. ઉર્વિલની માતા રોજ સવારે વહેલા ઉઠી તેને અમદાવાદ પ્રેક્ટિસ માટે લઈ જવાની તૈયારી કરતી. પરિવારે કેટલાય સામાજિક પ્રસંગો અને રજાઓનો ભોગ આપ્યો જેથી ઉર્વિલ કોઈ પણ અડચણ વગર ક્રિકેટ રમી શકે. આજે ઉર્વિલની સફળતા એ તેના માતા-પિતાના બલિદાનનું ફળ છે.
IPL માં કરોડોની કમાણી કરતાં વિદેશી ખેલાડીઓ કેટલો ટેક્સ ચૂકવે છે?: જાણો કેવી રીતે કપાય છે ખેલાડીઓના કરોડો રૂપિયા
ખિસ્સામાંથી નીકળેલી એ ચિઠ્ઠી અને ભાવુક સેલિબ્રેશન
ફિફ્ટી પૂરી કર્યા પછી ઉર્વિલે જે રીતે સેલિબ્રેશન કર્યું તેને દરેક ગુજરાતીનું દિલ જીતી લીધું. તેને પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી જેમાં લખ્યું હતું - "This is for you Papa". આ સાથે જ તેમાં તેની આસ્થાના પ્રતિક સમાન "સધી, ચેહર, ગોગા, સિકોતર માંના આશીર્વાદ" પણ લખેલા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ દર્શાવે છે કે, આટલી મોટી સફળતા મેળવ્યા પછી પણ ઉર્વિલ પોતાના સંસ્કાર અને પરિવારને ભૂલ્યો નથી.
સુર્યવંશી સિક્સર પર સિક્સર મારી રહ્યો હતો: નેહરાના એક ઇશારાને લીધે બદલાઈ ગઈ આખી બાજી, તરત તંબુ ભેગો થયો વૈભવ
કરિયરના આંકડા : ડોમેસ્ટિક ક્રિકેટનો પણ બેતાજ બાદશાહ
ઉર્વિલ પટેલ માત્ર IPL માં જ નહીં પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ધમાકેદાર ફોર્મમાં રહ્યો છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 28 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં તેને 60 T20 મેચોમાં 1470 રન બનાવ્યા છે. વર્ષ 2023 માં તે ગુજરાત ટાઇટન્સની ટીમમાં હતો પણ તેને મેદાનમાં ઉતરવાની તક નહોતી મળી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સમાં આવતા જ ધોનીના માર્ગદર્શન હેઠળ તે એક ખતરનાક ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે.





