Women's T20 World Cup: આ 7 ખેલાડીઓ 2009 થી રમી રહી છે દરેક વર્લ્ડ કપ
મહિલા ક્રિકેટ જગતનો સૌથી મોટો રોમાંચ એટલે કે આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ (Women's T20 World Cup 2026) નો 10મો એડિશન આગામી 12 June થી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2024 માં સાઉથ આફ્રિકાને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા નવા ટેલેન્ટ સાથે કેટલાક એવા અનુભવી ચહેરા પણ જોવા મળશે જેઓ આ રમતનો જીવંત ઇતિહાસ છે. આ વર્લ્ડ કપમાં 7 એવી દિગ્ગજ મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે, જેઓ વર્ષ 2009 માં રમાયેલા પ્રથમ વર્લ્ડ કપથી લઈને અત્યાર સુધીના તમામ 10 એડિશનમાં સતત રમી રહી છે. 17 વર્ષથી ક્રિકેટ સ્ટેજ પર રાજ કરનારી આ 7 લેજન્ડ્સ પર નજર કરીએ.
1. હરમનપ્રીત કૌર (ભારત)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે વર્ષ 2009 માં ઇંગ્લેન્ડ સામે પોતાનું ટી20 ડેબ્યુ કર્યું હતું. 17 વર્ષ બાદ, 37 વર્ષીય હરમનપ્રીત ફરી એકવાર એ જ ધરતી પર ઇતિહાસ દોહરાવવા માટે તૈયાર છે. તે સતત પાંચમી ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની કપ્તાની સંભાળશે. હરમનપ્રીત ટી20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી છે, જેણે 39 મેચમાં 25.03 ની સરેરાશથી 726 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 4 અર્ધસદી સામેલ છે.
2. એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાની આ 35 વર્ષીય દિગ્ગજ ઓલરાઉન્ડર 2026 ના આ વર્લ્ડ કપમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. તે પુરુષ અને મહિલા બંને ક્રિકેટને મળીને ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 50 મેચ રમનારી વિશ્વની પ્રથમ ખેલાડી બનશે. પેરીએ ઓસ્ટ્રેલિયાને રેકોર્ડ 6 વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે આ ટૂર્નામેન્ટની 47 મેચમાં 503 રન બનાવવાની સાથે 40 વિકેટ પણ ઝડપી છે.
3. સુઝી બેટ્સ (ન્યૂઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડની ઓપનર સુઝી બેટ્સે માત્ર 21 વર્ષની ઉંમરે પોતાનો પહેલો વર્લ્ડ કપ રમ્યો હતો. આજે 38 વર્ષની ઉંમરે તે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારી (All-Time Leading Run-Scorer) ખેલાડી છે. તેણે 42 મેચમાં 31.17 ની એવરેજથી 1216 રન બનાવ્યા છે. સુઝી બેટ્સે જાહેરાત કરી છે કે આ તેનો છેલ્લો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ હશે, જેથી તે યાદગાર વિદાય લેવાના ઈરાદા સાથે ઉતરશે.
4. મારીઝેન કેપ (સાઉથ આફ્રિકા)
36 વર્ષીય ઓલરાઉન્ડર મારીઝેન કેપ સાઉથ આફ્રિકાની એકમાત્ર એવી પ્લેયર છે જે 2009 થી અત્યાર સુધી તમામ સીઝન રમી છે. પોતાની શાનદાર ફિટનેસ અને પર્ફોર્મન્સના દમ પર તેણે વર્લ્ડ કપની 32 મેચમાં 31 વિકેટ લીધી છે અને 453 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાને 2023 અને 2024 માં સતત બે વાર ફાઇનલમાં પહોંચાડવામાં તેનો મોટો ફાળો હતો.
5. સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ)
ન્યૂઝીલેન્ડની પૂર્વ કેપ્ટન સોફી ડિવાઇન પણ પોતાનો 10મો વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. સોફીની કપ્તાની હેઠળ જ કીવી ટીમે 2024 માં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. જોકે, આ વર્ષે 36 વર્ષીય સોફી માત્ર એક ઓલરાઉન્ડર તરીકે રમશે, કારણ કે કેપ્ટનશીપની કમાન અમેલિયા કેરને સોંપવામાં આવી છે. સોફી પણ આ વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની છે. તેના નામે વર્લ્ડ કપમાં 785 રન અને 29 વિકેટ છે.
6. ચમારી અથાપથુ (શ્રીલંકા)
શ્રીલંકાના મહિલા ક્રિકેટને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં ચમારી અથાપથુનો સિંહફાળો રહ્યો છે. 36 વર્ષીય આ આક્રમક બેટ્સમેન સતત પાંચમી ટૂર્નામેન્ટમાં શ્રીલંકાની આગેવાની કરશે. ટી20 વર્લ્ડ કપમાં તેના નામે 711 રન છે અને તે પોતાની ટીમની બેટિંગ લાઇન-અપનું મુખ્ય એન્જિન માનવામાં આવે છે.
7. સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડીઝ)
વેસ્ટ ઇન્ડીઝની ઓપનર સ્ટેફની ટેલર કેરેબિયન ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ એમ્બેસેડર છે. વર્ષ 2016 માં વેસ્ટ ઇન્ડીઝને પ્રથમવાર ચેમ્પિયન બનાવવામાં તે 'પ્લેયર ઓફ ધ ફાઇનલ' રહી હતી. 35 વર્ષીય સ્ટેફની વર્લ્ડ કપ ઇતિહાસમાં બીજી સૌથી વધુ રન બનાવનારી પ્લેયર છે. તેણે 35 મેચમાં 37.55 ની શાનદાર સરેરાશ સાથે કુલ 1014 રન બનાવ્યા છે.





