Home Sports Lionel Messi Returns Scores Goal Argentina Win Iceland Friendly

મેસીની શાનદાર વાપસી : આઇસલેન્ડ સામે આર્જેન્ટિનાની 3-0થી જીત

Messi Returns: Argentina's victory over Iceland
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 10, 2026, 05:27 AM IST

વર્લ્ડ કપ 2026 પહેલા લિઓનલ મેસી ફિટ, ફ્રેન્ડલી મેચમાં આઇસલેન્ડને હરાવ્યું

વર્લ્ડ કપ શરૂ થવાના બરાબર પહેલા ફૂટબોલ ફેન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસીએ ઇજા બાદ મેદાન પર ધમાકેદાર વાપસી કરી છે. અમેરિકાના અલબામામાં આવેલા જોર્ડન-હેયર સ્ટેડિયમ (Jordan-Hare Stadium) ખાતે રમાયેલી ફ્રેન્ડલી મેચમાં આર્જેન્ટિનાએ આઇસલેન્ડને 3-0થી હરાવ્યું છે. આ મેચમાં મેસીએ પણ એક શાનદાર ગોલ નોંધાવ્યો હતો.

મેસીની 70મી મિનિટે એન્ટ્રી અને તરત જ ગોલ

મેચની શરૂઆતથી જ આર્જેન્ટિનાએ દબદબો બનાવી રાખ્યો હતો. મેચની 8મી મિનિટે જ વેલેન્ટિન બારકોએ (Valentín Barco) શાનદાર ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. બીજા હાફમાં સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સની રાહનો અંત આવ્યો જ્યારે કોચ લિઓનલ સ્કાલોનીએ 70મી મિનિટે લિઓનલ મેસીને સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર ઉતાર્યો હતો.

મેદાન પર આવ્યાની ગણતરીની સેકન્ડોમાં જ મેસીએ પોતાની જાદુઈ રમત બતાવી હતી. લાઉતારો માર્ટીનેઝને મળેલા ફાઉલ બાદ આર્જેન્ટિનાને પેનલ્ટી મળી હતી, જેને મેસીએ 71મી મિનિટે સરળતાથી ગોલમાં ફેરવીને સ્કોર 2-0 કરી દીધો હતો. ત્યારબાદ 85મી મિનિટે થિયાગો અલ્માડાએ (Thiago Almada) ત્રીજો ગોલ કરીને આર્જેન્ટિનાની 3-0થી જીત નક્કી કરી દીધી હતી.

ઇજાની ચિંતાઓ દૂર થઈ

લિઓનલ મેસી અગાઉ ઇન્ટર મિયામી (Inter Miami) તરફથી રમતી વખતે ડાબા પગના સ્નાયુઓમાં ખેંચાણના કારણે 73મી મિનિટે મેદાનની બહાર થઈ ગયો હતો. આ જ કારણે તે ગત શનિવારે હોન્ડુરાસ સામેની ફ્રેન્ડલી મેચમાં પણ રમી શક્યો ન હતો. જોકે, આઇસલેન્ડ સામે માત્ર 20 મિનિટ રમીને મેસીએ પોતાની ફિટનેસ સાબિત કરી દીધી છે. વર્લ્ડ કપમાં આર્જેન્ટિના પોતાની પ્રથમ મેચ 16 જૂનના રોજ અલ્જીરિયા સામે રમશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now