IPL 2026 : IPL 2026 માં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને નવા સિતારાઓ ઉભરી રહ્યા છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બિહારના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં તેને એવી ઇનિંગ રમી કે, હરીફ ટીમના કેપ્ટન પેટ કમિન્સ પણ તેના મુરીદ બની ગયા છે.
કમિન્સ પર જોરદાર પ્રહાર
વૈભવ સૂર્યવંશીની નિર્ભયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેને વિશ્વના દિગ્ગજ બોલર અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના પહેલા જ બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. આ મેચમાં તેને કમિન્સના માત્ર 4 બોલનો સામનો કર્યો અને 8 રન બનાવ્યા હતા. આ પહેલા તેને જસપ્રીત બુમરાહ અને જોશ હેઝલવુડ જેવા અનુભવી બોલરો સામે પણ આવી જ આક્રમક બેટિંગ કરી હતી.
માત્ર 37 બોલમાં સેન્ચુરી
હૈદરાબાદ સામે બેટિંગ કરતાં વૈભવે માત્ર 37 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. તેને પોતાની 103 રનની ઇનિંગ દરમિયાન 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, તેની આ મહેનત વ્યર્થ ગઈ હતી કારણ કે, હૈદરાબાદે 228 રનનો મોટો સ્કોર ચેઝ કરીને રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું હતું.
પેટ કમિન્સે કર્યા વખાણ
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પેટ કમિન્સે વૈભવ સૂર્યવંશીના વખાણ કર્યા હતા. કમિન્સે કહ્યું કે, "મને લાગે છે કે, તે મારો નવો ફેવરિટ ખેલાડી છે. તે જે રીતે બોલને ફટકારે છે તે જોવાની ખૂબ મજા આવે છે. એક બોલર તરીકે જો તમારી લાઇન-લેન્થ સચોટ ન હોય તો તે તમને બાઉન્ડ્રીની બહાર મોકલી દે છે. તેની રમવાની શૈલી એકદમ નિર્ભય છે."
ઓરેન્જ કેપની રેસમાં સ્પર્ધા
આ શાનદાર ઇનિંગની મદદથી વૈભવ સૂર્યવંશી થોડા સમય માટે ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર પહોંચી ગયો હતો. જોકે, અભિષેક શર્માએ આ જ મેચમાં 57 રન બનાવીને ફરીથી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. હાલમાં આઠ મેચો બાદ અભિષેકના 380 રન છે, જ્યારે વૈભવ 357 રન સાથે બીજા ક્રમે છે.





