Home Sports India Women Lose T20 Series England Before Womens T20 World Cup 2026

T20 World Cup પહેલા ભારતીય મહિલા ટીમને લાગ્યો જોરદાર ઝટકો : ટીમની સૌથી મોટી નબળાઈ આવી સામે!

Indian women's cricket team
Image Credit: BCCI
Published by: Aryan Shah
Last Updated: Jun 03, 2026, 09:29 AM IST

Indian women's cricket team : આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત થાય તે પહેલા જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ કપની તૈયારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20I સિરીઝમાં ભારતને 2-1 થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે સિરીઝની શરૂઆત તો ધમાકેદાર જીત સાથે કરી હતી, પરંતુ ત્યારબાદની બંને મેચો ગુમાવતા સિરીઝ હાથમાંથી સરકી ગઈ છે. નિર્ણાયક મેચમાં મળેલી આ હારને કારણે હવે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની તૈયારીઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

સિરીઝની રોમાંચક સફર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ સિરીઝ ઉતાર-ચઢાવવાળી રહી હતી. સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને 38 રને ધૂળ ચટાવી હતી. જોકે, ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી અને ભારતને 26 રનથી હરાવ્યું. આ પરિણામ સાથે જ ત્રીજી અને અંતિમ મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ હતી. આ છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડે 6 વિકેટે જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.

ટોસ અને ભારતની ખરાબ શરૂઆત

આ મહત્વની નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડની કેપ્ટન ચાર્લોટ ડીને ટોસ જીત્યો હતો અને પિચની સ્થિતિ જોઈને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ટીમે પાવરપ્લેમાં જ રન બનાવવાના દબાણમાં વિકેટો ગુમાવી દીધી હતી. ભારતની પહેલી વિકેટ માત્ર 19 રને, બીજી વિકેટ 36 રને અને ત્રીજી વિકેટ 60 રનના સ્કોર પર પડી ગઈ હતી, જેના કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.

40 દિવસ, 5 T20I, 5 ODI અને 2 ટેસ્ટ...: ભારતીય ટીમનો 2026 નો સૌથી મોટો વિદેશ પ્રવાસ જાહેર

કેપ્ટનની લડાયક ઇનિંગ

મુશ્કેલ સમયમાં ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મોરચો સંભાળ્યો હતો અને એક કેપ્ટન ઇનિંગ રમી હતી. તેને મેદાનની ચારેય બાજુ આકર્ષક શૉટ્સ ફટકારીને 40 બોલમાં 56 રનની નોટઆઉટ અડધી સદી બનાવી હતી. હરમનપ્રીતને અન્ય બેટર્સનો પણ સારો સાથ મળ્યો હતો. યાસ્તિકા ભાટિયાએ વિસ્ફોટક બેટિંગ કરતાં 18 બોલમાં 32 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે દીપ્તિ શર્માએ 32 રન અને જેમીમાહ રોડ્રિગ્સે 29 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારતનો મજબૂત સ્કોર

નિર્ધારિત 20 ઓવરના અંતે ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 180 રનનો એક વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ સ્કોર T20 ક્રિકેટમાં જીતવા માટે પૂરતો માનવામાં આવતો હતો. ઈંગ્લેન્ડ તરફથી લોરેન બેલે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી, જ્યારે લિન્સે સ્મિથ અને ચાર્લોટ ડીનને એક-એક વિકેટ મળી હતી. 181 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી અને તેમણે 38 રનમાં જ પોતાની 3 મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી.

મેચ પલટી નાખનારી ભાગીદારી

જ્યારે ભારત મેચ પર મજબૂત પકડ બનાવી રહ્યું હતું, ત્યારે ઈંગ્લેન્ડની બેટર્સ એલિસ કેપ્સી અને હીથર નાઈટે ભારતીય બોલરો પર વળતો પ્રહાર કર્યો હતો. બંને વચ્ચે થયેલી શાનદાર ભાગીદારીએ મેચનો આખો રંગ બદલી નાખ્યો હતો. એલિસ કેપ્સીએ માત્ર 43 બોલમાં 82 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે અનુભવી હીથર નાઈટે 42 બોલમાં 70 રન બનાવ્યા હતા. સોફિયા ડંકલીએ પણ અંતમાં 16 રન ઉમેર્યા હતા.

માત્ર 15 રન બનાવવા માટે આ ખેલાડીને મળ્યા 13,00,00,000 રૂપિયા!: જાણો કોણ છે આ ધુરંધર ખેલાડી

નબળી બોલિંગ અને હાર

ભારત તરફથી અરુંધતી રેડ્ડી અને ક્રાંતિ ગૌડે બે-બે વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાકીના બોલરો ઈંગ્લેન્ડના બેટર્સ સામે તદ્દન નિષ્ફળ સાબિત થયા હતા. ઈંગ્લેન્ડે માત્ર 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રનનું લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધું હતું. આ હાર બાદ ભારતીય મહિલા ટીમ હવે 12 જૂનથી શરૂ થનારી T20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં ટીમ મેનેજમેન્ટ પોતાની ખામીઓ સુધારીને શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન શોધવાનો પ્રયાસ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now