IPL 2026ની 31મી મેચમાં Sunrisers Hyderabadનો વિજયી રથ અવિરત આગળ વધી રહ્યો છે. ઘરઆંગણે રમાયેલી મેચમાં હૈદરાબાદે Delhi Capitals સામે 47 રનથી શાનદાર જીત મેળવી છે. Abhishek Sharmaની વિસ્ફોટક સદી અને ત્યારબાદ Ishan Malingaની ધારદાર બોલિંગની મદદથી હૈદરાબાદે આ સિઝનમાં જીતની હેટ્રિક પૂર્ણ કરી છે. વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ એક તબક્કે મજબૂત સ્થિતિમાં હોવા છતાં મધ્યક્રમ તૂટી પડતા હારનો સામનો કરવો પડ્યો હતો.
Abhishek Sharmaની સદીથી હૈદરાબાદનો સ્કોર 242 રન:
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી Sunrisers Hyderabadની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 2 વિકેટના નુકસાને 242 રનનો ડુંગર જેવો સ્કોર ખડકી દીધો હતો. હૈદરાબાદની આ ઈનિંગનો અસલી હીરો Abhishek Sharma રહ્યો હતો, જેણે દિલ્હીના બોલરોની બરાબરની ધોલાઈ કરીને શાનદાર સદી ફટકારી હતી. તેની આક્રમક બેટિંગના કારણે હૈદરાબાદે વિરોધી ટીમ પર શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું.
દિલ્હીની આશાસ્પદ શરૂઆત છતાં પરાજય:
243 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી Delhi Capitalsની શરૂઆત નબળી રહી હતી. Pathum Nissanka માત્ર 08 રન બનાવી આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ Nitish Rana અને KL Rahul વચ્ચે બીજી વિકેટ માટે 45 બોલમાં 86 રનની તોફાની ભાગીદારી થઈ હતી. દિલ્હીએ 9.1 ઓવરમાં 100 રન પૂરા કરીને મેચમાં પકડ જમાવી હતી, પરંતુ 107 રનના સ્કોર પર KL Rahul 37 રન બનાવી પેવેલિયન ભેગો થતા જ વિકેટોની ઝડી વરસી હતી.
મિડલ ઓર્ડર થયો ફેઈલ:
Nitish Ranaએ 30 બોલમાં 57 રન ફટકારીને પ્રતિકાર કર્યો હતો, પરંતુ અન્ય બેટર્સ તેને સાથ આપી શક્યા નહોતા. David Miller શૂન્ય રને આઉટ થતા દિલ્હી મુશ્કેલીમાં મુકાયું હતું. Tristan Stubbs અને Sameer Rizvi વચ્ચે પાંચમી વિકેટ માટે 59 રનની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ તે જીત માટે પૂરતી નહોતી. Tristan Stubbs 27 રન બનાવી આઉટ થયા બાદ દિલ્હીની ઈનિંગ વેરવિખેર થઈ ગઈ હતી.
Ishan Malinga અને Harsh Dubeyનો બોલિંગમાં તરખાટ:
હૈદરાબાદની જીતમાં બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. Ishan Malingaએ શાનદાર સ્પેલ નાખતા 4 મહત્વની વિકેટો ઝડપી હતી. જ્યારે Harsh Dubeyએ 3 વિકેટ લઈને દિલ્હીની હાર નિશ્ચિત કરી દીધી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 195 રન સુધી જ પહોંચી શકી હતી. આ જીત સાથે હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રીજી જીત હાંસલ કરી છે.





