Unique Cricket Records : ભારતીય ક્રિકેટમાં દર વર્ષે અનેક યુવા પ્રતિભાઓ ઉભરી આવે છે, પરંતુ દરેકનું નસીબ લાંબો સમય સાથ આપતું નથી. એક સમયે જેને ભારતીય ક્રિકેટનો 'આગામી સચિન તેંડુલકર' કે 'ફ્યુચર સુપરસ્ટાર' કહેવામાં આવતો હતો, તે પૃથ્વી શો આજે મેદાનની બહાર ફેંકાઈ ગયો છે. આસામ સામે 379 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને બ્રાયન લારાના 400 રનના રેકોર્ડને પડકારનાર આ ખેલાડી આજે IPL જેવી ટુર્નામેન્ટમાં પણ બેન્ચ પર બેસવા મજબૂર બન્યો છે. જાણો આ પ્રતિભાશાળી ખેલાડીની સફળતા અને તેના પછીના સંઘર્ષની પૂરી કહાની.
ઐતિહાસિક ઇનિંગ : જ્યારે લારાનો રેકોર્ડ જોખમમાં હતો
વર્ષ 2023 માં રણજી ટ્રોફીની એક મેચ દરમિયાન પૃથ્વી શોએ બેટિંગનું જે પ્રદર્શન કર્યું હતું તે દાયકાઓ સુધી યાદ રાખવામાં આવશે. મુંબઈ તરફથી રમતા પૃથ્વીએ આસામના બોલરોની ધજ્જિયા ઉડાવી દીધી હતી. તેને માત્ર 383 બોલમાં 379 રન બનાવ્યા હતા, જેમાં 49 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. આ ઇનિંગ દરમિયાન એક સમયે એવું લાગતું હતું કે તે બ્રાયન લારાના ટેસ્ટ ક્રિકેટના 400 રન અથવા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના 501 રનના રેકોર્ડને આસાનીથી તોડી નાખશે. જોકે, તે 379 રને આઉટ થઈ ગયો હતો, પરંતુ આ સ્કોર સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો હતો.
શરૂઆતની સફળતા : ડેબ્યૂમાં જ મચાવ્યો હતો તરખાટ
પૃથ્વી શોનું ક્રિકેટ કરિયર સપના જેવું શરૂ થયું હતું. પોતાની કેપ્ટનસીમાં ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સેન્ચુરી ફટકારીને તેને અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. તેની આક્રમક બેટિંગ સ્ટાઇલ જોઈને દિગ્ગજ ક્રિકેટરોમાં પણ એવી ચર્ચા શરૂ થઈ હતી કે ભારતને આગામી દાયકાનો સર્વશ્રેષ્ઠ ઓપનર મળી ગયો છે. તેને ભારત માટે ટેસ્ટ, વનડે અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં રમવાની તક ખૂબ જ નાની ઉંમરે મેળવી લીધી હતી.
પતનનું કારણ : ફિટનેસ અને શિસ્તના પ્રશ્નો
ઝડપી સફળતા બાદ પૃથ્વી શોના કરિયરનો ગ્રાફ અચાનક નીચે પડવા લાગ્યો. વર્ષ 2020-21 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેની બેટિંગ ટેકનિક પર સવાલો ઉઠ્યા અને તે ખરાબ ફોર્મનો શિકાર બન્યો. આ ઉપરાંત, મેદાનની બહારના વિવાદો, ફિટનેસના પ્રશ્નો અને શિસ્તના અભાવે તેને ટીમ ઈન્ડિયાથી દૂર કરી દીધો. પસંદગીકારોએ તેને વારંવાર તક આપી હોવા છતાં, તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિરતા જાળવી શક્યો નહીં. એક બાજુ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ ઉભરી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ પૃથ્વી શો પોતાની જગ્યા બચાવવા સંઘર્ષ કરી રહ્યો હતો.
IPL 2026 : કરિયરના સૌથી ખરાબ તબક્કામાં
IPL જેવી ગ્લેમરસ લીગ જ્યાં પૃથ્વી શો ક્યારેક કરોડો રૂપિયામાં વેચાતો હતો, ત્યાં હવે તેની હાલત દયનીય છે. 2026 ના ઓક્શનમાં તેને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે શરૂઆતના રાઉન્ડમાં કોઈ પણ ટીમે તેના પર દાવ લગાવ્યો ન હતો અને તે 'અનસોલ્ડ' રહ્યો હતો. અંતે બીજા રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં સામેલ તો કર્યો, પરંતુ પ્લેઈંગ ઇલેવનમાં તેને સ્થાન મળી રહ્યું નથી. દિલ્હી આ સિઝનમાં 11 મેચો રમી ચૂક્યું છે, પરંતુ આ હીરો હજુ પણ ડગઆઉટમાં બેસીને પોતાની તકની રાહ જોઈ રહ્યો છે. શું પૃથ્વી ફરી મેદાન પર કમબેક કરી શકશે કે પછી આ તેની કારકિર્દીનો અંત છે, તે તો સમય જ બતાવશે.





