પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે પૂરને કારણે છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને અધિકારીઓને શહેરોને આફતથી બચાવવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરીને પાળા તોડવાની ફરજ પડી હતી. શનિવાર સવારથી પંજાબ પ્રાંતના મુખ્ય શહેરોમાં મુશળધાર વરસાદથી લોકોની ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અધિકારીઓએ 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. પાકિસ્તાનનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત પંજાબ લગભગ એક અઠવાડિયાથી ભીષણ પૂરની ઝપેટમાં છે અને કરતારપુર સહિત પ્રાંતના ઓછામાં ઓછા 1700 ગામડાઓ ડૂબી ગયા છે. શીખો માટે કરતારપુરનું વિશેષ મહત્વ છે.
24 કલાકમાં પૂરને કારણે 30 લોકોના મોત
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર 26 જૂને દેશમાં ચોમાસા અને પૂરની શરૂઆતથી ચોમાસા સંબંધિત ઘટનાઓમાં લગભગ 842 લોકોના મોત થયા છે. પંજાબના વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન પ્રાંતમાં પૂરને કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. મરિયમે કહ્યું "પૂરને કારણે પંજાબમાં લગભગ 15 લાખ લોકો બેઘર બન્યા છે અને છેલ્લા બે-ત્રણ દિવસમાં પૂરના પાણીમાં ફસાયેલા લગભગ પાંચ લાખ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે."
2000 ગામો ડૂબી ગયા
તેણીએ કહ્યું કે પૂરને કારણે લગભગ 2000 ગામો ડૂબી ગયા હતા અને હજારો એકરમાં ઉગાડવામાં આવેલા પાકનો પણ નાશ થયો હતો. બગડતી પૂરની પરિસ્થિતિને કારણે શહેરોને આફતથી બચાવવા માટે અધિકારીઓએ પ્રાંતમાં ઘણી જગ્યાએ વિસ્ફોટકો મૂકીને પાળા તોડવા પડ્યા હતા. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA) અનુસાર મંડી બહાઉદ્દીન ચિનિયોટ અને ઝાંગ સહિત પ્રાંતના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સાત પાળા તોડી નાખવામાં આવ્યા હતા. મંત્રીના જણાવ્યા અનુસાર લગભગ 1169 ગામો ચિનાબ નદીથી 462 ગામો રવિ નદીથી અને 391 ગામો સતલજ નદીથી પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત લોકોને મદદ અને સંભાળ પૂરી પાડવા માટે પ્રાંતમાં 351 રાહત અને તબીબી શિબિરો કાર્યરત છે.