અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઝુંડાલ પાસે યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ધૂળિયા રસ્તા પરથી લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના પેથાપુરના રહેવાસી જશ્મિતસિંગ તરીકે થઈ છે.
ચાંદખેડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે તેના પતિને છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ અને પૈસાની માંગણીને લઈને બ્લેકમેલ કરવામાં આવતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાતી હતી.
શું છે સમગ્ર ઘટના?
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 12 મેની સાંજે જશ્મિતસિંગ પોતાના ઘરે પરથી બાઈક લઈને નીકળ્યો હતો. જોકે મોડીરાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે ચાંદખેડા પોલીસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી કે ઝુંડાલ વિસ્તારના એક ધૂળિયા રસ્તા પરથી જશ્મિતસિંગનો મૃતદેહ મળી આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોરોએ યુવક પર અત્યંત ક્રૂર રીતે હુમલો કર્યો હતો. જશ્મિતસિંગની છાતી, પીઠ, હાથ અને બગલના ભાગે તીક્ષ્ણ હથિયારના અનેક ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું પોલીસ માની રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આસપાસના વિસ્તારની તપાસ શરૂ કરી હતી.
અમરેલીમાં હાઈવે પર સિંહબાળનું કરુણ મોત: અજાણ્યા વાહનની ટક્કરે લીધો એક વર્ષના બચ્ચાનો જીવ
પત્નીના ગંભીર આક્ષેપો
મૃતકની પત્ની અજિતકૌર સીખલીગરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે એક મહિલા છેલ્લા ચારથી પાંચ વર્ષથી તેના પતિ સાથે સંબંધમાં હતી. તેણીનો આક્ષેપ છે કે આ મહિલા જશ્મિતસિંગ પાસેથી સતત પૈસાની માંગ કરતી હતી અને પૈસા ન આપ્યે તેને બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
અજિતકૌરના જણાવ્યા અનુસાર, સુરજીત ટાંક અને માનસિંગ ટાંક નામના વ્યક્તિઓ મારફતે પણ તેના પતિને ધમકીઓ અપાવવામાં આવતી હતી. પત્નીએ આશંકા વ્યક્ત કરી છે કે આ સમગ્ર મામલો પ્રેમ સંબંધ, બ્લેકમેલિંગ અને પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલો હોઈ શકે છે.
પોલીસે હાલ પત્નીના નિવેદનને તપાસનો મહત્વનો આધાર બનાવ્યો છે અને તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે આરોપીની ધરપકડ થઈ નથી.
લાખોની ફી છતાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?: જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલ ફરી વિવાદમાં, મધરાતે હોસ્ટેલની બારી તોડીને વિદ્યાર્થીઓ રફુચક્કર
તપાસમાં મળ્યો મહત્વનો પુરાવો
ચાંદખેડા પોલીસની તપાસ દરમિયાન જશ્મિતસિંગની બાઈક એક કથિત મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બાબતને કેસમાં મહત્વના પુરાવા તરીકે ગણાવી છે. બાઈક ત્યાં કેવી રીતે પહોંચી અને મૃતક છેલ્લે કોની સાથે સંપર્કમાં હતો તે અંગે પોલીસ ટેકનિકલ અને માનવીય બંને પ્રકારની તપાસ ચલાવી રહી છે.
પોલીસ આસપાસના CCTV ફૂટેજ, મોબાઈલ કોલ ડિટેઇલ્સ અને મૃતકના છેલ્લા સંપર્કોની માહિતી એકત્રિત કરી રહી છે. ઉપરાંત ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.
સાસણ ગીરમાં ઈન્ટરનેશનલ બિગ કેટ સમીટનો ભવ્ય પ્રારંભ: એશિયાટિક સિંહથી ચિત્તા સુધી બિગ કેટ સંરક્ષણનું વૈશ્વિક મંચ
પ્રેમ સંબંધ કે પૂર્વનિયોજિત હત્યા?
પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ અને બ્લેકમેલિંગનો એંગલ સામે આવતા પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે. પોલીસ માટે હવે સૌથી મોટો સવાલ એ છે કે આ હત્યા પૂર્વનિયોજિત હતી કે પછી કોઈ વિવાદ બાદ હુમલો થયો હતો.
ચાંદખેડા પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં ટેકનિકલ પુરાવા અને પૂછપરછના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





