Home Gujarat Ahmedabad Ahmedabad Jamalpur Jagannath Rath Yatra Jal Yatra Gajvesh Lord Jagannath

Rath Yatra 2026વર્ષમાં માત્ર એકવાર! : આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દુર્લભ ગજવેશ, જમાલપુરમાં ભક્તોનો ઉમટ્યો જનસાગર

Ahmedabad Jamalpur Jagannath Rath Yatra
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 06:24 AM IST

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રા પૂર્વે ધાર્મિક અને પરંપરાગત વિધિઓનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે આજે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 કળશમાં સાબરમતી નદીનું પવિત્ર જળ ભરી ભગવાનનો વિશેષ જળાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. રથયાત્રા પહેલાં યોજાતી આ જળયાત્રા જગન્નાથ સંપ્રદાયમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. પરંપરા અનુસાર પવિત્ર જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે, જેને શુભતા, પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજનવિધિ સાથે જળાભિષેક સંપન્ન થયો હતો.

108 કળશથી કરવામાં આવ્યો જળાભિષેક

જગન્નાથજી મંદિરની પરંપરા અનુસાર દર વર્ષે રથયાત્રા પહેલાં સાબરમતી નદીના પવિત્ર નીરથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. આ વર્ષે પણ 108 કળશમાં લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીને સ્નાન કરાવવામાં આવ્યા હતા. આ વિધિને જોવા અને ભગવાનના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાનના આશીર્વાદ મેળવી રથયાત્રાની તૈયારીઓમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો ભવ્ય પ્રારંભ : 108 કળશના પવિત્ર જળથી થશે જળાભિષેક, 16 જુલાઈએ નીકળશે 149મી રથયાત્રા

આજે ભગવાન ધારણ કરશે દુર્લભ ગજવેશ

જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ આજે વર્ષમાં માત્ર એકવાર જોવા મળતો વિશેષ અને દુર્લભ ગજવેશ ધારણ કરશે. આ ગજવેશના દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. ભગવાનને હાથીના સ્વરૂપમાં શણગારવામાં આવે છે, જેને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત શુભ અને પાવન માનવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો આ અનોખા દર્શન માટે જમાલપુર મંદિર પહોંચે છે. ગજવેશ ભગવાનના વિશેષ સ્વરૂપોમાંથી એક ગણાય છે અને તેનું દર્શન કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે.

આવતીકાલથી પ્રભુ પધારશે સરસપુર મોસાળ

પરંપરા મુજબ ભગવાન જગન્નાથ આવતીકાલથી પોતાના મોસાળ ગણાતા સરસપુર તરફ પ્રસ્થાન કરશે. જગન્નાથ સંપ્રદાયમાં સરસપુરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે અને અહીં પ્રભુના આગમનને વિશેષ ધાર્મિક મહત્ત્વ આપવામાં આવે છે. સરસપુરમાં ભગવાનના આગમનને લઈને સ્થાનિક ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: જળયાત્રા પછી 15 દિવસ ભગવાન જગન્નાથ કેમ રહે છે મોસાળમાં? : જાણો અણસર વિધિ અને સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

16 જુલાઈએ નીકળશે ભવ્ય રથયાત્રા

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત રથયાત્રા આ વર્ષે 16 જુલાઈ, ગુરુવારના રોજ ભવ્ય રીતે નીકળશે. વાજતે-ગાજતે નીકળનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે. અમદાવાદની રથયાત્રા માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં પરંતુ શહેરની સાંસ્કૃતિક ઓળખનો પણ મહત્વનો ભાગ બની ગઈ છે. રથયાત્રા પૂર્વે જ શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે અને ભક્તો આતુરતાપૂર્વક ભગવાનના નગરવિહારની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now