Ahmedabad Rath Yatra 2026: અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે આગામી 16 જુલાઈએ યોજાનારી 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભવ્ય અને ભક્તિમય પ્રારંભ થયો છે. અષાઢી બીજના પાવન પર્વને આવકારતી આ જળયાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખનું મહત્વપૂર્ણ પ્રતિક પણ માનવામાં આવે છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
સવારે વિધિવત પૂજા-અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને બળદગાડા પર વિરાજમાન કરવામાં આવ્યા હતા. યાત્રામાં ધ્વજ-કળશ ધારણ કરેલા કાવડિયા, અખાડાઓના ખેલ, ગજરાજો અને ઘોડાગાડીઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સોમનાથ ભૂદરના આરે ભરાશે પવિત્ર જળ
પરંપરા અનુસાર આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચશે, જ્યાં વૈદિક વિધિ સાથે નદીનું પવિત્ર જળ એકત્ર કરવામાં આવશે. સાબરમતીના આ જળને 108 કળશોમાં ભરીને મંદિર સુધી લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો વિશેષ જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન ભક્તોને વિશેષ ગજવેશમાં દર્શન આપશે. ભગવાનના આ ગજવેશ દર્શનનું ધાર્મિક મહત્વ વિશેષ માનવામાં આવે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ઉમટી પડે છે.
હાથીઓની સુરક્ષા માટે વિશેષ તકેદારી
ગયા વર્ષે જળયાત્રા દરમિયાન હાથીઓ ભડકવાના બનાવ બાદ આ વખતે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ગજરાજોને અવાજથી કોઈ તકલીફ ન થાય તે માટે સમગ્ર જળયાત્રા માર્ગ પર ઢોલ-નગારા, ડીજે અને અન્ય ઉચ્ચ અવાજવાળા સાધનો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત હાથીઓને લોકો દ્વારા બહારની વસ્તુઓ ખવડાવવામાં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગજરાજોની તંદુરસ્તી અને સુરક્ષાની દેખરેખ માટે પશુપાલન વિભાગના બે પશુચિકિત્સકો તેમજ કાંકરિયા ઝૂના એક નિષ્ણાત ડોક્ટરને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત અને ઝૂની વિશેષ ટીમો પણ સતત દેખરેખ રાખી રહી છે.
સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સજ્જ
જળયાત્રાના સમગ્ર રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 500થી વધુ પોલીસકર્મીઓ, હોમગાર્ડ્સ અને સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર માર્ગનું અગાઉથી ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું જેથી કોઈ પણ પ્રકારની ચૂક ન રહે. આ ઉપરાંત સમગ્ર યાત્રામાર્ગ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર વ્યવસ્થાની મોનિટરિંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Video: કસ્ટમ્સનો જેમ્સ બોન્ડ બન્યો એક વર્ષનો જિનિયસ સ્નિફર ડોગ કેનાઇન : પહેલાં જ ઓપરેશનમાં અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યો 11 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો
16 જુલાઈએ નીકળશે 149મી ઐતિહાસિક રથયાત્રા
અમદાવાદની જગવિખ્યાત રથયાત્રા માત્ર ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ શહેરની સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડે છે અને રથયાત્રા દરમિયાન શહેર ભક્તિમય રંગમાં રંગાઈ જાય છે. આવતી 16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જળયાત્રા મહોત્સવને સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાના પ્રયાસો વચ્ચે હવે ભક્તોની નજર આગામી ભવ્ય રથયાત્રા પર કેન્દ્રિત થઈ ગઈ છે, જે અમદાવાદના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક માનવામાં આવે છે.





