Home Gujarat Ahmedabad Jagannath Rath Yatra 149 Mameru Tejas Dave Memnaga

149મી રથયાત્રામાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરશે મેમનગરનો દવે પરિવાર : 7 વર્ષ પછી મળ્યો દુર્લભ અવસર

મામેરાનો આવસર પ્રાપ્ત કરનાર 3 ભાઈઓની છબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 28, 2026, 09:46 AM IST

અમદાવાદ: વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દર વર્ષે અષાઢી બીજના પાવન અવસરે નીકળતી આ ઐતિહાસિક રથયાત્રા માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે. રથયાત્રા નજીક આવતાં જ શહેરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. બીજી તરફ ભગવાનના મોસાળ ગણાતા સરસપુરમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીનું પરંપરાગત 'મામેરું' ભરવાનું પરમ સૌભાગ્ય મેમનગરના તેજસભાઈ દવે અને તેમના પરિવારને મળતાં પરિવારમાં આનંદ અને ભક્તિની લાગણી છવાઈ ગઈ છે.

સરસપુરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનું મોસાળ આવેલું માનવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ રથયાત્રાના દિવસે ભગવાન જ્યારે સરસપુર પહોંચે છે ત્યારે તેમના મામા દ્વારા મામેરું ભરવામાં આવે છે. આ સેવા કરવાનો અવસર ભક્તો માટે અત્યંત પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે. તેથી દર વર્ષે અનેક પરિવારો આ સેવા માટે અરજી કરે છે અને ડ્રો સિસ્ટમ દ્વારા યજમાનની પસંદગી કરવામાં આવે છે.

દ્વારકાધીશની ચિઠ્ઠીમાં ખુલ્યું તેજસભાઈ દવેનું નામ

149મી રથયાત્રા માટે યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં દ્વારકાધીશની ચિઠ્ઠી દ્વારા મેમનગરના તેજસભાઈ દવેનું નામ જાહેર થતાં દવે પરિવારમાં ખુશીની લહેર ફરી વળી હતી. વર્ષોથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે આખરે સાકાર થતાં પરિવારના સભ્યો ભાવવિભોર બની ગયા હતા.

તેજસભાઈ દવેના જણાવ્યા મુજબ છેલ્લા સાત વર્ષથી તેઓ ભગવાનના મામા બનવા માટે નિયમિત અરજી કરતા હતા. દરેક વર્ષે આશા રાખતા છતાં તક મળતી નહોતી. પરંતુ આ વખતે ભગવાનની કૃપાથી પરિવારને આ પવિત્ર સેવા કરવાનો અવસર મળતાં સમગ્ર પરિવાર પોતાને ધન્ય અનુભવી રહ્યો છે.

આ પણ વાંચો: આસ્થાનો મહાપર્વ છે નજીક : અમદાવાદમાં 149મી રથયાત્રાની શરૂ થઈ તૈયારીઓ, ભગવાન જગન્નાથના રથો બનાવવાનું કામ શરૂ

નાનપણનું સ્વપ્ન હવે બન્યું હકીકત

દવે પરિવાર માટે આ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ વર્ષોથી મનમાં સંચવાયેલું એક સ્વપ્ન છે. તેજસભાઈ દવે જણાવે છે કે બાળપણથી તેઓ રથયાત્રા દરમિયાન ભગવાનને મામેરું ભરાતું જોતા આવ્યા છે. તે સમયે તેમના મનમાં પણ એક દિવસ ભગવાનના મામા બનવાની ઈચ્છા જન્મી હતી. આજે વર્ષો બાદ તે સ્વપ્ન સાકાર થતાં આખો પરિવાર ભાવુક બની ગયો છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે ભગવાનની સેવા કરવાનો અવસર દરેકને મળતો નથી. આ સેવા માટે પોતાને પસંદ કરવામાં આવ્યા તે ભગવાનની વિશેષ કૃપા હોવાનું તેઓ માને છે.

3 ભાઈઓ અને 3 વહુઓ કરી રહ્યા છે ભવ્ય તૈયારીઓ

દવે પરિવારના ત્રણેય ભાઈઓ અને ત્રણેય વહુઓ સહિત પરિવારના તમામ સભ્યો રથયાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. ભગવાન માટે વિશેષ વાઘા, આભૂષણો, પ્રસાદ અને પરંપરાગત મામેરાની સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. રથયાત્રા પહેલાં ભગવાનને અર્પણ કરવામાં આવનાર વાઘા અને ઘરેણાંના દર્શન પણ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. પરિવાર ઈચ્છે છે કે ભગવાનની આ સેવામાં વધુને વધુ ભક્તો જોડાઈ શકે અને આ પવિત્ર પ્રસંગના સાક્ષી બની શકે.

આ પણ વાંચો: 'રથયાત્રા દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ' : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

'બહેન નહોતી... ભગવાનનું મામેરું ક્યારે ભરીશું?'

દવે પરિવારની લાગણીસભર વાતોમાં એક ભાવુક સંસ્મરણ પણ જોડાયેલું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમના પરિવારમાં બહેન ન હોવાથી ઘણી વખત મનમાં વિચાર આવતો હતો કે ભગવાનનું મામેરું ભરવાનો અવસર ક્યારે મળશે. હવે જ્યારે ભગવાને પોતે આ સેવા માટે પસંદ કર્યા છે ત્યારે આખો પરિવાર આ ક્ષણને જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ માની રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ સેવા કોઈ સામાજિક પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવશે. ભગવાનના ચરણોમાં સમર્પિત થવાનો આ અવસર તેમના માટે અમૂલ્ય છે.

સરસપુરમાં રથયાત્રાનું વિશેષ મહત્વ

અમદાવાદની રથયાત્રામાં સરસપુરનું વિશેષ સ્થાન છે. માન્યતા મુજબ ભગવાન જગન્નાથજી અહીં પોતાના મોસાળે પધારે છે અને મામા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે હજારો ભક્તો સરસપુરમાં ઉમટી પડે છે અને ભગવાનના દર્શન સાથે મામેરાની અનોખી પરંપરાના સાક્ષી બને છે. રથયાત્રા દરમિયાન ભગવાનને પરંપરાગત રીતે વિવિધ ભેટો, વસ્ત્રો, આભૂષણો અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી અમદાવાદની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો અભિન્ન ભાગ બની રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા 2026 : લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે AMC એક્શનમાં, રથયાત્રા રૂટ પર જોખમી ઇમારતો દૂર કરવાની કામગીરી શરૂ

ભક્તિ સાથે શરૂ થઈ તૈયારીઓ

દવે પરિવારમાં હાલમાં ઉત્સાહનો માહોલ છે. પરિવારના સભ્યો ભગવાનના મામેરાની દરેક તૈયારી ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરી રહ્યા છે. ઘરનું વાતાવરણ પણ સંપૂર્ણપણે ધાર્મિક બની ગયું છે અને દરેક સભ્ય આ પવિત્ર અવસરને યાદગાર બનાવવા માટે પોતાની રીતે યોગદાન આપી રહ્યો છે.

149મી રથયાત્રા દરમિયાન જ્યારે ભગવાન જગન્નાથજી સરસપુર પહોંચશે ત્યારે મેમનગરનો દવે પરિવાર પરંપરા મુજબ ભગવાનનું મામેરું ભરીને આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનશે. વર્ષોની પ્રતીક્ષા બાદ મળેલો આ અવસર પરિવાર માટે જીવનભરનું સંભારણું બની રહેશે અને આ વર્ષની રથયાત્રાને વધુ યાદગાર બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now