અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરતાં બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. ચેક-ઇન બેગેજની તપાસ દરમિયાન અંદાજે 10.911 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવતા મુસાફરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી મુસાફર બેંગકોકથી અમદાવાદ આવ્યો હતો. રૂટિન ચેકિંગ દરમિયાન તેના ચેક-ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્નિફર ડોગે બેગમાં માદક પદાર્થ હોવાનો સંકેત આપતાં અધિકારીઓએ વધુ સઘન તપાસ હાથ ધરી હતી.
પાંચ ચાંદી રંગની પોલીથીન બેગમાં સંતાડ્યો હતો ગાંજો
તપાસ દરમિયાન મુસાફરના સામાનમાંથી પાંચ ચાંદી રંગની પોલીથીન બેગ મળી આવી હતી. તેમાં સંતાડીને રાખવામાં આવેલો કુલ 10.911 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે માદક પદાર્થ કબજે કરીને મુસાફરની પૂછપરછ શરૂ કરી છે.
કસ્ટમ્સ અને તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઈ
પ્રાથમિક પૂછપરછમાં મુસાફર ગાંજો વ્યક્તિગત ઉપયોગ માટે લાવ્યો હતો કે તેના પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સંકળાયેલું છે તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. જરૂરિયાત મુજબ અન્ય તપાસ એજન્સીઓને પણ તપાસમાં જોડવામાં આવી શકે છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ : 83.49 લાખ બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપાં
કસ્ટમ્સ વિભાગે સમગ્ર મામલે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.





