SURAT NEWS: સુરત શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાની વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં થયેલી મોટી ચોરીએ વેપારીઓમાં ચિંતા ફેલાવી છે. પાંડેસરાના ગીતા નગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 30 લાખથી વધુ કિંમતના ચાંદીના દાગીના, વાસણો, મૂર્તિઓ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી દરમિયાન તસ્કરોએ દુકાનની છતનું પતરું કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને પુરાવા નાશ કરવા માટે દુકાનમાં લાગેલા CCTV કેમેરાનું DVR પણ સાથે લઈ ગયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ઘટના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના તેરેનામ રોડ પર આવેલી ક્રિષ્ના જ્વેલર્સમાં બની હતી. દુકાનના માલિક મનોજ ભગવાનદાસ સોનીએ સવારે દુકાન ખોલતાં ચોરીની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
મધરાતે છતમાંથી દુકાનમાં પ્રવેશ
પોલીસના જણાવ્યા મુજબ તસ્કરોએ રાત્રિના સમયે દુકાનની ઉપરના પતરાના શેડને કોઈ ધારદાર સાધનથી કાપ્યો હતો. ત્યારબાદ તેઓ છત મારફતે દુકાનની અંદર પ્રવેશ્યા અને અંદર રાખેલો કિંમતી સામાન ઉઠાવી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ દુકાનમાં રાખેલા ચાંદીના દાગીના, મૂર્તિઓ, વાસણો સહિતનો મોટો જથ્થો ચોરી કરવામાં આવ્યો છે.
પ્રાથમિક અંદાજ મુજબ તસ્કરો દુકાનમાંથી લગભગ 15 કિલો જેટલા ચાંદીના દાગીના અને અન્ય વસ્તુઓ લઈ ગયા છે. તેમાં જેન્ટ્સ અને લેડીઝ બ્રેસલેટ, કંદોરા, 925 સિલ્વરની વિવિધ વસ્તુઓ, ચાંદીના ગ્લાસ, વાસણો, મૂર્તિઓ તેમજ ગ્રાહકો દ્વારા ગીરવે મૂકવામાં આવેલી કિંમતી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંદાજે અઢી કિલો જેટલો જૂનો ભંગાર સામાન પણ ચોરી કરવામાં આવ્યો હોવાનું દુકાનદારે જણાવ્યું છે.
ચોક્કસ નુકસાનની ગણતરી હજુ બાકી
પાંડેસરા પોલીસના પીઆઈ કે.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે હાલમાં ચોરી થયેલા મુદ્દામાલનું ચોક્કસ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. દુકાનમાં કેટલો સ્ટોક ઉપલબ્ધ હતો, તાજેતરમાં કેટલો માલ વેચાયો હતો અને કેટલો માલ બાકી હતો તેની વિગતવાર ગણતરી બાદ જ ચોરી થયેલા મુદ્દામાલની સાચી કિંમત સામે આવશે. જોકે દુકાનદારના પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન રૂ. 30 લાખથી વધુનું હોઈ શકે છે. પોલીસે જણાવ્યું કે ફરિયાદીની સત્તાવાર ફરિયાદ અને ખરીદીના બિલ સહિતના દસ્તાવેજો મળ્યા બાદ ગુનાની વધુ વિગત નોંધવામાં આવશે.
CCTVનું DVR પણ લઈ ગયા તસ્કરો
ચોરીની ઘટનામાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે દુકાનની અંદર અને બહાર CCTV કેમેરા લાગેલા હોવા છતાં તસ્કરો તેનું DVR પણ સાથે લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ DVR પુરાવા નાશ કરવાના આશયથી ચોરી કરવામાં આવ્યું હોવાની આશંકા છે. હાલ પોલીસે આસપાસની અન્ય દુકાનો, રહેણાંક મકાનો અને માર્ગો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉપરાંત ઘટનાસ્થળેથી ફોરેન્સિક પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
ચાર વર્ષમાં ચોથી વખત દુકાન નિશાન પર
દુકાનના માલિક મનોજ સોનીએ જણાવ્યું હતું કે તેમની દુકાનને અગાઉ પણ અનેક વખત નિશાન બનાવવામાં આવી છે. લગભગ છ મહિના પહેલાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ તે વખતે તસ્કરો સફળ થયા નહોતા. તે પહેલાં પણ ચોમાસા દરમિયાન દુકાનનું શટર ઊંચું કરીને ચોરી કરવાનો પ્રયાસ થયો હતો અને ડિસેમ્બર 2025માં પણ આવી જ ઘટના બની હતી.
મનોજ સોનીએ આરોપ લગાવ્યો કે અગાઉ થયેલા નિષ્ફળ ચોરીના પ્રયાસો અંગે પોલીસને જાણ કરવા છતાં તે સમયે ફરિયાદ નોંધવામાં આવી નહોતી. તેમણે જણાવ્યું કે જો તે સમયે યોગ્ય કાર્યવાહી થઈ હોત તો કદાચ આટલી મોટી ચોરી અટકાવી શકાત.
આ પણ વાંચો: ગોંડલ તા.માં 765 KV વીજ લાઈન અંગે ખેડૂતોને AAPપાર્ટીનું આહ્વાન : જીગીશા પટેલે ઉઠાવ્યા અનેક પ્રશ્નો
વેપારીઓમાં અસુરક્ષાની લાગણી
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા છથી સાત મહિનામાં પાંડેસરા અને આસપાસના વિસ્તારમાં સાતથી આઠ જેટલી મોટી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને કારણે વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે.
વેપારીઓએ રાત્રિના પેટ્રોલિંગમાં વધારો, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની વધુ હાજરી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મુખ્ય માર્ગ પર આવેલી દુકાનો પણ સુરક્ષિત નથી, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
પોલીસે શરૂ કરી સઘન તપાસ
પાંડેસરા પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળેથી ટેક્નિકલ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે જ આસપાસના CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. વેપારીઓને પણ સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.





