અમદાવાદ: અમદાવાદ શહેરમાં મોડીરાત્રે અને વહેલી સવારે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના વ્યાસવાડી ચાર રસ્તા નજીક 28 જૂનની મોડી રાત્રે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં બાઇક પર સવાર એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી નીકળી ગયો હતો, જોકે બાદમાં તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન કાર ચલાવનાર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત રાત્રે આશરે 2:15 વાગ્યે વ્યાસવાડી ચાર રસ્તા પાસે સર્જાયો હતો. અખબારનગર તરફથી સુભાષબ્રિજ તરફ બાઇક પર ત્રણ યુવકો જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમજીપુરા તરફથી આવી રહેલી સફેદ રંગની કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર ત્રણેય યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદના વટવા GIDCમાં ફરી મોટી આગ : નરોડા અને ઓઢવ બાદ ફાયર સેફ્ટી પર ફરી ઊઠ્યા ગંભીર સવાલો
અકસ્માત બાદ રાહદારીઓએ બચાવ કામગીરી કરી
અકસ્માત બાદ ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું હોવાનું બી ડિવિઝન ટ્રાફિક પોલીસે પુષ્ટિ કરી છે, જ્યારે અન્ય બે યુવકોની સારવાર ચાલુ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ અકસ્માતની સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે.
કારચાલકે જ નોંધાવી ફરિયાદ
બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર ચલાવનાર નરેન્દ્રભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ મિત્રની કાર લઈને પરિવારજનો અને મિત્ર સાથે મોડી રાત્રે ફરવા નીકળ્યા હતા. પરત ફરી રહ્યા હતા ત્યારે વ્યાસવાડી ચાર રસ્તા પાસે અખબારનગર તરફથી આવી રહેલી ત્રણ સવારીવાળી બાઇક તેમની કારના આગળના ભાગ સાથે અથડાઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
ફરિયાદમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે બાઇક ચાલક બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો અને દારૂના નશામાં હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ દ્વારા વૈજ્ઞાનિક તથા ફોરેન્સિક પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
કારચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું
તપાસ દરમિયાન મહત્વની બાબત એ સામે આવી છે કે કાર ચલાવનાર નરેન્દ્ર વાઘેલા પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. આ મુદ્દે પણ પોલીસે અલગથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસના PI આર. એસ. પટેલે જણાવ્યું કે અકસ્માત અંગે બંને પક્ષના દાવા અને ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ સહિત તમામ પુરાવાઓની તપાસ ચાલી રહી છે. બાઇક ચાલકે દારૂ પીધો હતો કે નહીં તે અંગે મેડિકલ અને અન્ય પુરાવાના આધારે સ્પષ્ટતા થશે.
પોલીસ તપાસ બાદ જ થશે જવાબદારી સ્પષ્ટ
હાલ સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત માટે જવાબદાર કોણ હતું, કારની ગતિ કેટલી હતી, ટ્રાફિક નિયમોનો ભંગ કોના દ્વારા થયો હતો અને સીસીટીવીમાં શું સામે આવે છે તે સહિતના મુદ્દાઓની તપાસ બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.






