Home Gujarat Ahmedabad Ahmedabad Sardarnagar Clash Cctv New Twist

અમદાવાદના સરદારનગર મારામારી કેસમાં નવો વળાંક : સામેના પક્ષે CCTV સાથે રજૂ કરી પોતાની વાત, ઘર પર હુમલાના લગાવ્યા આક્ષેપ

યુવાનોનું ટોળું
Published by: Chintan Chavda
Last Updated: Jun 28, 2026, 06:12 AM IST

અમદાવાદ: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં તાજેતરમાં બનેલી મારામારી અને હોબાળાની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. અગાઉ એક પક્ષ દ્વારા હુમલો અને મારામારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા, ત્યારે હવે સામેના પક્ષે પણ સીસીટીવી ફૂટેજ જાહેર કરીને પોતાની બાજુ રજૂ કરી છે. પરિવારનો દાવો છે કે સામાન્ય માર્ગ અકસ્માત બાદ વિવાદ વધ્યો અને બાદમાં ટોળું તેમના ઘરે પહોંચી તોડફોડ અને હુમલો કર્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, સમગ્ર ઘટનાની શરૂઆત રસ્તા પર જુપીટર સ્કૂટર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતથી થઈ હતી. અકસ્માત બાદ બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. જોકે પરિવારનો દાવો છે કે આ વિવાદ રસ્તા પર જ સમાપ્ત થવો જોઈએ હતો, પરંતુ બાદમાં કેટલાક લોકો તેમના ઘરે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરકારી જમીન પર બુલડોઝર કાર્યવાહી : ગરુડેશ્વરમાં ઉચ્ચ અધિકારીઓના 5 મકાનો તોડી પાડ્યા

ઘરમાં ઘૂસીને તોડફોડ કરાઈ હોવાનો આક્ષેપ

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ઘરની બહાર બેઠા હતા ત્યારે અચાનક લોકોનું ટોળું તેમના ઘરે ધસી આવ્યું હતું. ટોળાએ ઘરમાં પ્રવેશ કરીને ખુરશીઓ, પલંગ સહિત ઘરવખરીના અન્ય સામાનમાં તોડફોડ કરી હતી. ઉપરાંત પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો અને પરિવારના કેટલાક સભ્યોને ઈજાઓ પહોંચી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પરિવારે જણાવ્યું કે સમગ્ર ઘટનાના સીસીટીવી દૃશ્યો પોલીસને સોંપવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

યુવકને શોધી જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ

પરિવારના દાવા મુજબ, ટોળું સતત તેમના પરિવારના એક યુવકને શોધી રહ્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યું હતું. પરિવારનું કહેવું છે કે તે સમયે તેમને રસ્તા પર થયેલા અકસ્માત અને ત્યારબાદ થયેલી મારામારી વિશે કોઈ જાણકારી નહોતી. બાદમાં સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. સામેના પક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે તેમને એટ્રોસિટી કાયદા હેઠળ કેસ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ : ઢાબા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ, ડ્રોનથી કડક નજર

બંને પક્ષે કર્યા ગંભીર આક્ષેપો, પોલીસ તપાસ બાદ જ થશે સ્પષ્ટતા

આ સમગ્ર ઘટનામાં બંને પક્ષોએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. એક તરફ હુમલા અને મારામારીના આરોપો છે તો બીજી તરફ ઘરમાં ઘૂસીને તોડફોડ, પથ્થરમારો અને ધમકી આપવાના દાવા કરવામાં આવ્યા છે. હાલ સુધી પોલીસ તરફથી આ કેસ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમજ બંને પક્ષના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ, ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now