અમદાવાદ: અમદાવાદના વટવા GIDC ફેઝ-2 વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીમાં રહેલા કેમિકલ અને કાચા ઓઇલને કારણે જોતજોતામાં સમગ્ર યુનિટ તેની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 22 ફાયર ટેન્ડર સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ફાયર વિભાગે પાણી અને ફોમનો સતત મારો ચલાવી લગભગ ચાર કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે ફેક્ટરીને ભારે આર્થિક નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ : ઢાબા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ, ડ્રોનથી કડક નજર
રાત્રે 1:30 વાગ્યે મળ્યો આગનો કોલ
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 1:30 વાગ્યે વટવા GIDC ફેઝ-2માં આવેલી અર્પણ એરોનોટિકલ કેમિકલ કંપનીમાં આગ લાગ્યાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. માહિતી મળતા જ નજીકના ફાયર સ્ટેશનોમાંથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચેલી ટીમે જોયું કે ફેક્ટરીમાં સંગ્રહિત કેમિકલ અને કાચા ઓઇલને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધારાની ફાયર ગાડીઓ અને અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ સ્થળ પર રહી સમગ્ર બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.
સવારે 5:30 વાગ્યે આગ પર કાબૂ
ફાયર કર્મચારીઓએ સતત પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને અન્ય યુનિટોમાં ફેલાતી અટકાવી હતી. લગભગ ચાર કલાકના સતત પ્રયાસો બાદ સવારે આશરે 5:30 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટનામાં કોઈ કર્મચારી કે અન્ય વ્યક્તિને ઇજા પહોંચી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના સરદારનગર મારામારી કેસમાં નવો વળાંક : સામેના પક્ષે CCTV સાથે રજૂ કરી પોતાની વાત, ઘર પર હુમલાના લગાવ્યા આક્ષેપ
GIDCમાં વારંવાર લાગતી આગથી ઉઠ્યા સુરક્ષા અંગે પ્રશ્નો
તાજેતરના સમયમાં અમદાવાદના વિવિધ GIDC વિસ્તારોમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે. નરોડા GIDC અને ઓઢવ GIDC બાદ હવે વટવા GIDCમાં પણ મોટી આગની ઘટના સામે આવતા ઔદ્યોગિક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના અમલ અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. ઉદ્યોગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ, ઇમરજન્સી રિસ્પોન્સ અને સુરક્ષા નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે મુદ્દે ચિંતા વ્યક્ત થઈ રહી છે. નિયમિત સુરક્ષા ઓડિટ, ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી અને જોખમી કેમિકલના સુરક્ષિત સંગ્રહ અંગે વધુ કડક અમલની જરૂરિયાત પર પણ ભાર મૂકાઈ રહ્યો છે.
ફાયર વિભાગે આગના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે. તપાસ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે કે આગ ટેકનિકલ ખામી, શોર્ટ સર્કિટ, કેમિકલ રિએક્શન કે અન્ય કોઈ કારણસર લાગી હતી.





