Home Gujarat Ahmedabad Ahmedabad Rath Yatra Crime Branch Drone Surveillance Security

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ : ઢાબા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ, ડ્રોનથી કડક નજર

પોલીસ અધિકરીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jun 28, 2026, 03:45 AM IST

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ અસામાજિક તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ ન કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

આ જ અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ ઢાબા પોઈન્ટ્સ, હોટલો, ગેસ્ટહાઉસ અને જાહેર સ્થળો પર વિશેષ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જામનગરના કાલાવડમાં મધ્યાહન ભોજન બાદ 10થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડી : ફૂડ પોઈઝનિંગની આશંકા

ડ્રોન ટેક્નોલોજીથી રિયલ ટાઇમ મોનિટરિંગ

પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ તેમજ તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન મારફતે હવાઈ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાથી ભીડની સ્થિતિ, ટ્રાફિક, શંકાસ્પદ હલચલ તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર રિયલ ટાઇમ નજર રાખવી સરળ બનશે. ડ્રોન ફૂટેજના આધારે કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

ઢાબા, હોટલ અને વાહનોનું સઘન ચેકિંગ

ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ મોડી રાત્રે શહેરના વિવિધ ઢાબા પોઈન્ટ્સ, હોટલો, ગેસ્ટહાઉસ અને જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી.

પોલીસનો મુખ્ય હેતુ રથયાત્રા પહેલાં શહેરમાં રહેતા અથવા બહારથી આવેલા શંકાસ્પદ તત્વો પર નજર રાખવાનો અને કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિને સમયસર અટકાવવાનો છે.

આ પણ વાંચો: ઊંઝામાં કેબલ વાયર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો : બે આરોપીઓ ઝડપાયા

તમામ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન

અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને કામગીરી ચાલી રહી છે. ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને જરૂરિયાત મુજબ વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે અને અફવાઓથી દૂર રહી કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now