વડોદરા: વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામીનની કાર્યવાહી ઝડપી પૂર્ણ કરી આપવા અને તપાસ દરમિયાન હેરાનગતિ ન કરવા બદલ રૂ. 10 હજારની લાંચ સ્વીકારતા PSI અને ASIને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક જાગૃત નાગરિક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI મલ્લિકાબેન ખીમજીભાઈ પરમાર કરી રહ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, તપાસમાં સહકાર આપવા, હેરાનગતિ ન કરવા અને જામીનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે PSIએ શરૂઆતમાં રૂ. 25 હજારની લાંચની માંગણી કરી હતી.
આ પણ વાંચો: વડોદરાના ઉટીયા ગામમાં ગેરકાયદે માટી ખનન સામે મોટી કાર્યવાહી : ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
રૂ. 25 હજારથી રૂ. 10 હજાર પર સોદો
ફરિયાદીએ લાંચની રકમ અંગે વાટાઘાટ કરતાં અંતે રૂ. 10 હજાર આપવાનું નક્કી થયું હતું. PSI મલ્લિકાબેન પરમારે ફરિયાદીને આ રકમ માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા ASI જયકિશન સોમાજી ગામેતીને આપવા સૂચના આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ સમગ્ર ઘટનાની જાણ એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી. ફરિયાદની ચકાસણી બાદ ACBએ કાયદેસરની કાર્યવાહી માટે ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો હતો.
કારના ડેશબોર્ડ પર મૂકાવ્યા હતા રૂપિયા
ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. તલાટીના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. પૂર્વનિયોજિત યોજના મુજબ ASI જયકિશન ગામેતી માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી ભાવના ઝેરોક્સ સામે મુખ્ય માર્ગ પર પોતાની મારુતિ સ્વિફ્ટ કાર લઈને હાજર રહ્યા હતા. ફરિયાદીએ ACBના માર્ગદર્શન મુજબ રૂ. 10 હજારની લાંચની રકમ કારના ડેશબોર્ડ પર મૂકી હતી. ASIએ લાંચની રકમ સ્વીકારતા જ નજીકમાં નજર રાખી રહેલી ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન PSIની સંડોવણી પણ સામે આવતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ચેતવણી : CEOના નામે WhatsApp પર પૈસા માંગતા મેસેજથી સાવધાન, 'બોસ સ્કેમ'નો નવો ખતરો
ACBએ શરૂ કરી વધુ તપાસ
ACBએ બંને આરોપીઓની અટકાયત કરીને તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, અગાઉ પણ આવી રીતે લાંચ લેવામાં આવી હતી કે નહીં અને સમગ્ર કાવતરાની વિગતો જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ વડોદરા પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી છે. ACBએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો તેની જાણ તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરોને કરીને ભ્રષ્ટાચાર સામે સહયોગ આપે.





