Home Gujarat Ahmedabad Ahmedabad Cyber Crime Boss Scam Whatsapp Ceo Fraud Advisory

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ચેતવણી : CEOના નામે WhatsApp પર પૈસા માંગતા મેસેજથી સાવધાન, 'બોસ સ્કેમ'નો નવો ખતરો

ફોન દર્શાવતું દ્રશ્ય
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 27, 2026, 09:19 AM IST

અમદાવાદ સિટી સાયબર ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં એક નવા પ્રકારની સાયબર ઠગાઈ અંગે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. 'બોસ સ્કેમ' (Boss Scam) અથવા 'CEO ઇમ્પરસોનેશન ફ્રોડ' તરીકે ઓળખાતી આ છેતરપિંડીમાં સાયબર ગુનેગારો કંપનીના CEO, ડિરેક્ટર અથવા ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવી કરોડો રૂપિયાની ઠગાઈનો પ્રયાસ કરે છે. આ અંગે નાગરિકો તેમજ ખાનગી કંપનીઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

એડવાઇઝરી અનુસાર, ઠગો પોતાને RBI અથવા અન્ય સરકારી સંસ્થાના અધિકારી તરીકે ઓળખાવી કંપનીના વરિષ્ઠ અધિકારીઓનો WhatsApp અથવા ઇમેઇલ દ્વારા સંપર્ક કરે છે. તેઓ કંપનીએ કોઈ નિયમનો ભંગ કર્યો હોવાનો અથવા તાત્કાલિક સુરક્ષા અપડેટ કરવાની જરૂર હોવાનું કહી ઉતાવળનું વાતાવરણ ઉભું કરે છે. ત્યારબાદ ZIP અથવા APK ફાઇલ મોકલવામાં આવે છે, જેમાં .exe અથવા .dll જેવી માલવેર ફાઇલો હોય છે.

આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશનના 28 દિવસ બાદ આશ્રય મળ્યો : છતાં અસરગ્રસ્તોનો સુવિધાના અભાવનો આક્ષેપ

ફાઇલ ખોલતા જ WhatsApp થઈ શકે હેક

સાયબર ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, જો આવી ફાઇલ કમ્પ્યુટરમાં ચલાવવામાં આવે તો હુમલાખોર WhatsApp Web સેશન પર કબજો મેળવી શકે છે. ત્યારબાદ તેઓ અધિકારીનો નંબર દૂર કરીને પોતાના નંબરને CEO અથવા Director તરીકે સેવ કરે છે, જેના કારણે કર્મચારીઓને ખોટા સંદેશાઓ અસલી હોવાનું લાગી શકે છે.

આ પછી કંપનીના એકાઉન્ટ્સ અથવા ફાઇનાન્સ વિભાગને CEOના નામે તાત્કાલિક કોઈ ચોક્કસ બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાનો મેસેજ મોકલવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓ અલગથી ચકાસણી કર્યા વિના આવા સંદેશા પર વિશ્વાસ કરી નાણાં ટ્રાન્સફર કરી દેતા હોવાથી મોટી આર્થિક છેતરપિંડી થાય છે.

બચાવ માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચની મહત્વની સલાહ

એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે માત્ર WhatsApp અથવા ઇમેઇલ પર આવેલા નાણાકીય આદેશના આધારે ક્યારેય પૈસા ટ્રાન્સફર ન કરવા જોઈએ. કોઈપણ ચુકવણી પહેલાં ફોન કોલ, વિડિયો કોલ અથવા રૂબરૂ પુષ્ટિ કરવી જરૂરી છે. અજાણ્યા નંબર અથવા ઇમેઇલ પરથી આવેલી ZIP, APK, EXE અથવા DLL ફાઇલ ક્યારેય ખોલવી કે ડાઉનલોડ કરવી નહીં. RBI, SEBI, ઇન્કમ ટેક્સ અથવા અન્ય સરકારી સંસ્થાઓ સામાન્ય રીતે WhatsApp દ્વારા આવી ફાઇલો મોકલતી નથી. સાયબર સુરક્ષા માટે કંપનીઓને Software Restriction Policy અમલમાં મૂકવા, WhatsAppના Linked Devices નિયમિત તપાસવા, અજાણ્યા ડિવાઇસને તરત Log Out કરવા, Two-Factor Authentication (2FA) સક્રિય રાખવા તેમજ Windows, Antivirus અને Endpoint Security હંમેશા અપડેટ રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: બાળકના વર્તનમાં બદલાવથી ખુલ્યો ચોંકાવનારો મામલો : અમદાવાદની સ્કૂલના સફાઈ કર્મચારી સામે POCSO હેઠળ ગુનો

છેતરપિંડી થાય તો શું કરવું?

જો કોઈ વ્યક્તિ અથવા કંપની આવી ઠગાઈનો ભોગ બને તો તરત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા પણ આવી ઠગાઈથી સાવચેત રહેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે અંતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે "WhatsApp પર આવતા તાત્કાલિક પૈસા ટ્રાન્સફરના મેસેજની હંમેશા અલગથી ચકાસણી કરો. માત્ર એક મેસેજના આધારે કોઈ પણ નાણાકીય વ્યવહાર ન કરો."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now