અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કુરિયર મારફતે મેફેડ્રોન (એમડી) ડ્રગ્સની હેરાફેરીના કેસમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછના આધારે પોલીસે ઓઢવ વિસ્તારમાં આવેલા તેના ભાડાના મકાન પર દરોડો પાડી વધુ 329.55 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ જપ્ત કર્યો છે. આ જપ્તી બાદ કેસમાં અત્યાર સુધી કુલ 701.10 ગ્રામ મેફેડ્રોન, જેની અંદાજિત બજાર કિંમત રૂ.70.11 લાખ થાય છે, તે કબજે લેવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી આસુરામ ઉર્ફે અશોકકુમાર બાબુલાલ હેરકંદ ભાદુ (બિશ્નોઇ)ની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી શરૂઆતમાં રૂ.37.15 લાખની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપીએ ઓઢવના આદીનાથનગર, એસ.પી. રિંગ રોડ પાસે આવેલા યમુના પાર્ક સોસાયટીના ભાડાના મકાન અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં લૂંટારાઓનો નવો ખેલ! : અકસ્માતનો ઢોંગ કરી 50 લાખની રોકડ પર કર્યો હાથ સાફ
ભાડાના મકાનમાંથી વધુ ડ્રગ્સ અને રોકડ મળી
આરોપીની નિશાનદેહી મુજબ પંચોની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન પોલીસે મકાનમાંથી 329.550 ગ્રામ મેફેડ્રોન, જેની બજાર કિંમત અંદાજે રૂ.32.95 લાખ થાય છે, તે જપ્ત કર્યું હતું. ઉપરાંત સ્થળ પરથી રૂ.35,000ની રોકડ અને ડ્રગ્સના પેકિંગ તથા હેરાફેરીમાં ઉપયોગી થતી વિવિધ સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી.
પોલીસે ડિજિટલ વજન કાંટા, ઝિપર બેગ, નોટબુક, પાસબુક, એટીએમ કાર્ડ, સ્ટેમ્પ, એલ્યુમિનિયમ ફોઇલ, કવર, આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની નકલો સહિત અનેક વસ્તુઓ પણ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં આ સામગ્રીનો ઉપયોગ ડ્રગ્સના પેકિંગ અને સપ્લાય ચેઇન માટે થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
કુલ રૂ.70.46 લાખનો મુદ્દામાલ કબજે
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની તપાસમાં કુલ 701.10 ગ્રામ મેફેડ્રોન, રૂ.35,000ની રોકડ તથા અન્ય સામગ્રી મળી કુલ અંદાજે રૂ.70.46 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મેફેડ્રોનનો જથ્થો એનડીપીએસ કાયદા મુજબ કોમર્શિયલ ક્વોન્ટિટીમાં આવે છે, જેના કારણે આરોપી સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: સુમુલ ડેરી ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો : કોંગ્રેસે કથિત ગેરરીતિમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવાની કરી માંગ
ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ
ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, કુરિયર મારફતે તેની સપ્લાય કોને કરવામાં આવતી હતી અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં આગળની તપાસ ચાલુ છે અને તપાસના આધારે વધુ ધરપકડ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.





