Home Gujarat Ahmedabad Ahmedabad Crime Branch 19kg Ganja Seized Akhbarnagar

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : 19.812 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ગાંજા સાથે ઝડપાયેલો આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Jun 27, 2026, 12:02 PM IST

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે સતત કાર્યવાહી કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નારણપુરા વિસ્તારના અખબારનગર સર્કલ નજીકથી 19.812 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે રૂ.9.90 લાખ હોવાનું પોલીસના જણાવ્યા અનુસાર સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચે જાહેર સ્થળે દરોડો પાડી આરોપી સતીશકુમાર મનોહરલાલ મહેતા (ઉંમર 41)ની ધરપકડ કરી હતી. આરોપી હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહે છે, જ્યારે તેનું મૂળ વતન રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેની પાસેથી કોઈપણ પ્રકારની કાયદેસરની પરમિટ વિના રાખવામાં આવેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: બાળકના વર્તનમાં બદલાવથી ખુલ્યો ચોંકાવનારો મામલો : અમદાવાદની સ્કૂલના સફાઈ કર્મચારી સામે POCSO હેઠળ ગુનો

ગાંજા ઉપરાંત મોબાઇલ અને રોકડ પણ કબજે

પોલીસે આરોપીની તલાશી દરમિયાન 19.812 કિલો ગાંજો, એક મોબાઇલ ફોન, મોબાઇલ ચાર્જર, રૂ.530 રોકડ તેમજ પેકિંગમાં ઉપયોગી થતી વિવિધ સામગ્રી કબજે કરી છે. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.9,96,130 હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, આરોપી ગાંજાનો જથ્થો વેચાણ માટે લાવ્યો હોવાની આશંકા છે. આ કેસમાં આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપી સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુનાઓ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેની સામે બાપુનગર, વિસનગર અને રાણીપ પોલીસ સ્ટેશનોમાં ચોરી તથા પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત વર્ષ 2022માં રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળના કેસમાં તે ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસના રેકોર્ડમાં નોંધાયેલ છે. આ ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી નશીલા પદાર્થોના નેટવર્ક અંગે વધુ માહિતી મળી શકે.

આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ચેતવણી : CEOના નામે WhatsApp પર પૈસા માંગતા મેસેજથી સાવધાન, 'બોસ સ્કેમ'નો નવો ખતરો

બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ

આ કેસમાં પોલીસે બે અન્ય વ્યક્તિઓને પણ વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બંને આરોપીઓ ગાંજાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને સપ્લાય ચેઇનમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો સપ્લાય કોને થવાનો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now