Home Gujarat Twisha Vyas Ustad Bismillah Khan Yuva Puraskar Garba Bardoli

"ગરબા માત્ર નૃત્ય નહીં, સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ" : બારડોલીની ત્વિષા વ્યાસને મળશે 'ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર'

ત્વિષા વ્યાસ
Published by: Chintan Chavda
Last Updated: Jun 28, 2026, 05:15 AM IST

બારડોલી: ગુજરાતની લોકસંસ્કૃતિ અને ગરબાને રાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવનાર યુવા કલાકાર ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2025ના પ્રતિષ્ઠિત 'ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર' માટે પસંદગી કરવામાં આવી છે. લોકનૃત્ય 'ગરબા' ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતો આ એવોર્ડ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની લોકકલાનું પણ ગૌરવ વધારનાર છે.

આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે થોડાં વર્ષો પહેલાં યુનેસ્કોએ ગુજરાતના પરંપરાગત ગરબાને માનવજાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (Intangible Cultural Heritage)ની યાદીમાં સ્થાન આપીને વૈશ્વિક ઓળખ આપી હતી. હવે ત્વિષા વ્યાસને મળેલો આ રાષ્ટ્રીય એવોર્ડ ગરબા પરંપરાને વધુ મજબૂત બનાવતો મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં ACB નો સફળ ટ્રેપ : જામીનની કાર્યવાહી માટે રૂ. 10 હજારની લાંચ લેતા PSI અને ASI રંગેહાથ ઝડપાયા

"ગરબા માત્ર નૃત્ય નહીં, સંસ્કૃતિનું જીવંત સ્વરૂપ"

દક્ષિણ ગુજરાતના બારડોલીમાં આવેલી વી. કિલ્લોલકુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમીમાં વર્ષોથી યુવા પેઢીને ગરબાની તાલીમ આપતા ત્વિષા વ્યાસ માને છે કે, "ગરબા માત્ર લોકનૃત્ય નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક ઓળખની જીવંત અભિવ્યક્તિ છે."

તેમના મતે ગરબાને માત્ર મનોરંજન તરીકે જોવાની જગ્યાએ તેના મૂળ સ્વરૂપ, આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક મૂલ્યોને સમજવાની જરૂર છે. આ જ વિચારધારાએ તેમની સમગ્ર કલાયાત્રાને વિશિષ્ટ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
સંગીત અને નૃત્ય બંને ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ

ત્વિષા વ્યાસ માત્ર ગરબા કલાકાર તરીકે જ નહીં પરંતુ બહુમુખી પ્રતિભા ધરાવતા સંગીતકાર અને નૃત્યાંગના તરીકે પણ ઓળખ ધરાવે છે. તેમણે અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઉપરાંત તેઓ માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (MPA) તેમજ ભરતનાટ્યમમાં એમ.એ. (અલંકાર)માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

તેઓ કુશળ વાયોલિનવાદક પણ છે અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ પણ વાયોલિન વાદન કરી ચૂક્યા છે. વાયોલિન ઉપરાંત મેન્ડોલિન, વાંસળી, હાર્મોનિયમ અને તબલા જેવા વિવિધ વાદ્યોમાં પણ તેઓ નિપુણતા ધરાવે છે. સંગીત અને નૃત્ય બંને ક્ષેત્રનો આ વ્યાપક અભ્યાસ તેમની ગરબા પ્રસ્તુતિને વધુ સમૃદ્ધ અને અભિવ્યક્તિપૂર્ણ બનાવે છે.

દેશભરમાં ગુજરાતની લોકસંસ્કૃતિનું કર્યું પ્રતિનિધિત્વ

ત્વિષા વ્યાસ ગુજરાત સરકાર દ્વારા આયોજિત તરણેતર મહોત્સવ, મોઢેરા ઉત્સવ, ડાકોર ફાગણોત્સવ, વસંતોત્સવ, અંબાજી મહોત્સવ, G-20 કાર્યક્રમો અને ગુજરાત ગૌરવ અભિયાન સહિત અનેક પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મણિપુર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ગુજરાતના ગરબા અને લોકસંસ્કૃતિનું સફળ પ્રતિનિધિત્વ કર્યું છે. કલા મહાકુંભ અને યુવા ઉત્સવ જેવી વિવિધ સ્પર્ધાઓમાં તેઓ નિર્ણાયક તરીકે પણ સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ફરી હાર્દિક પટેલની સંકેતાત્મક પોસ્ટ : જાણો કોણે કહ્યું સાપ

નવી પેઢી સુધી પરંપરા પહોંચાડવાનો સંકલ્પ

ત્વિષા વ્યાસનું માનવું છે કે આ રાષ્ટ્રીય સન્માન તેમની સફરનો અંત નહીં પરંતુ નવી જવાબદારીની શરૂઆત છે. તેઓ નવી પેઢીને ગરબાને માત્ર મનોરંજન તરીકે નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસા તરીકે સમજાવવા અને તેની મૂળ પરંપરા, પવિત્રતા અને મૂલ્યો જાળવી રાખવા માટે સતત કાર્યરત છે.

આજના આધુનિક સમયમાં પરંપરાગત કલાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે. આવા સમયમાં ત્વિષા વ્યાસ જેવા યુવા કલાકારો પરંપરા અને આધુનિકતા વચ્ચે મજબૂત સેતુ બનીને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.

બારડોલીના ગરબાના ચોકથી દેશના સર્વોચ્ચ યુવા કલા સન્માન સુધીની તેમની સફર એ સાબિત કરે છે કે સમર્પણ, સતત સાધના અને સંસ્કૃતિ પ્રત્યેની નિષ્ઠા હોય તો સ્થાનિક કલા પણ રાષ્ટ્રીય ગૌરવ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now