ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-1 વિસ્તારમાં ગાયત્રી મંદિર નજીક આવેલા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં રવિવારે સવારે એક ગંભીર ઘટના સામે આવી છે. 43 વર્ષીય કોસ્ટ ગાર્ડના જવાને સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગોળીબારનો અવાજ સંભળાતા જ ઓફિસર્સ મેસ અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના સરદારનગર મારામારી કેસમાં નવો વળાંક : સામેના પક્ષે CCTV સાથે રજૂ કરી પોતાની વાત, ઘર પર હુમલાના લગાવ્યા આક્ષેપ
સુરક્ષા ફરજ દરમિયાન બની ઘટના
પોલીસના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. તેઓ ગાંધીનગર નજીકના લેકાવાડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને સેક્ટર-1 ખાતે આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસમાં સુરક્ષા ફરજ પર તહેનાત હતા. પ્રાથમિક માહિતી મુજબ, રવિવારે સવારે ફરજ દરમિયાન તેમણે પોતાની સર્વિસ રાઇફલથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પગલું ભરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
પોલીસ અને FSL દ્વારા તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને હથિયાર સહિતની અન્ય બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જવાનના પરિવારજનોને ઘટનાની જાણ કરી છે. સાથે જ તેમના સાથી કર્મચારીઓ અને સંબંધિત લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી સમગ્ર ઘટનાનું કારણ જાણી શકાય.
આ પણ વાંચો: વડોદરામાં BSNLના અન્ડરગ્રાઉન્ડ કેબલની ચોરી : ખાડો ખોદી લાખો રૂપિયાની સરકારી મિલકત ઉઠાવી ગયા તસ્કરો





