Home Gujarat Ahmedabad Gujarat Lokbhavan Shri Ram Katha Grand Conclusion

ગુજરાત લોકભવન ખાતે ઐતિહાસિક શ્રીરામકથાનું ભવ્ય સમાપન : આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે આપ્યો 'પુરુષાર્થ અને ધર્મ'નો સંદેશ

ગુજરાત લોકભવનમાં શ્રીરામકથાનું ભવ્ય સમાપન
Published by: Dviti Panchal
Last Updated: Jun 28, 2026, 03:50 PM IST

ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક આઠ દિવસીય શ્રીરામકથાનું ભવ્ય અને ભાવસભર સમાપન થયું. આઠ દિવસ સુધી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ગંગા વહાવનારી આ કથાના અંતિમ દિવસે સમગ્ર વાતાવરણ શ્રીરામના જયઘોષ, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી.

સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે અંતિમ દિવસે શ્રી હનુમાનજીના પરાક્રમ, રામ-રાવણ યુદ્ધ અને ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકના પ્રસંગોનું અત્યંત માર્મિક અને વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે સાચા પુરુષાર્થી માટે આ દુનિયામાં કોઈ પણ કાર્ય અશક્ય નથી. જીવનમાં મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, પરંતુ દૃઢ સંકલ્પ, પુરુષાર્થ અને ભગવાનના આશીર્વાદથી દરેક પડકારને પાર કરી શકાય છે.

હનુમાનજીના પુરુષાર્થ અને વિનમ્રતાનો સંદેશ

આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે જણાવ્યું કે માતા સીતાની શોધનું અતિ કઠિન કાર્ય પણ શ્રી હનુમાનજીએ પોતાના અડગ પુરુષાર્થ અને શ્રીરામ પ્રત્યેની અખંડ ભક્તિના બળે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. લંકામાં જઈને તેમણે શ્રીરામના નામનો ધ્વજ લહેરાવ્યો, પરંતુ આટલી મોટી સિદ્ધિ પછી પણ તેમણે તેનો શ્રેય પોતાને નહીં પરંતુ ભગવાન શ્રીરામને અર્પણ કર્યો હતો. આ પ્રસંગ જીવનમાં વિનમ્રતા અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે શ્રદ્ધાળુઓને સંદેશ આપતા કહ્યું કે સફળતા મળ્યા પછી અહંકાર નહીં પરંતુ નમ્રતા જ વ્યક્તિને વધુ મહાન બનાવે છે.

ધર્મરૂપી રથનું જીવનદર્શન

કથા દરમિયાન સમુદ્ર પર સેતુ બાંધી લંકા તરફ કૂચ કરવાનો પ્રસંગ અને રામ-રાવણ યુદ્ધનું આધ્યાત્મિક વર્ણન પણ કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ જણાવ્યું કે દુષ્ટતા ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે સજ્જનતા અને ધર્મનો જ વિજય થાય છે.

વિભીષણ અને શ્રીરામ વચ્ચેના સંવાદનો ઉલ્લેખ કરતાં તેમણે સમજાવ્યું કે જ્યારે વિભીષણે પૂછ્યું કે રાવણ પાસે શક્તિશાળી રથ અને અસ્ત્ર-શસ્ત્ર છે, ત્યારે ભગવાન શ્રીરામે જવાબ આપ્યો હતો કે સાચો વિજય અપાવનાર રથ ધર્મરૂપી રથ છે. ભગવાનનું નામ તેની રક્ષા કરે છે અને યમ-નિયમ તેના ઘોડા છે. આ પ્રસંગ દ્વારા જીવનમાં ધર્મ, સત્ય અને સદાચારના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું.

શ્રીરામના રાજ્યાભિષેક સાથે કથાનું સમાપન

આચાર્યશ્રીએ આગળ જણાવ્યું કે અંતે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને માતા સીતાને સન્માનપૂર્વક પરત લાવ્યા. વિભીષણને લંકાના રાજા બનાવ્યા બાદ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને શ્રીરામ અયોધ્યા પરત ફર્યા હતા. તેમના આગમન પ્રસંગે સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી અને ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો.

કથાના અંતિમ તબક્કે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક સંપન્ન થયો. 'સિયાવર રામચંદ્ર કી જય' અને 'જય શ્રીરામ'ના ગગનભેદી જયઘોષ સાથે આઠ દિવસીય શ્રીરામકથાનું વિધિવત સમાપન કરવામાં આવ્યું.

અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ રહ્યા ઉપસ્થિત

સમાપન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, લેડી ગવર્નર દર્શના દેવીજી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલિવાલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા, મહારાષ્ટ્ર લોકભવનના અગ્ર સચિવ ડૉ. પ્રશાંત નારનવરે, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોકભવન પરિવાર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now