Ahmedabad Jagannath Jalyatra 2026: અમદાવાદની ઐતિહાસિક 149મી જગન્નાથ રથયાત્રા પહેલાં યોજાતી જળયાત્રા માત્ર ધાર્મિક શોભાયાત્રા નથી, પરંતુ તેની સાથે સદીઓ જૂની પરંપરા, પૌરાણિક કથાઓ અને અનેક શાસ્ત્રોક્ત વિધિઓ જોડાયેલી છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના મહાજળાભિષેકથી લઈને તેમના મોસાળ પ્રસ્થાન સુધીની દરેક વિધિનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આવો જાણીએ, જળયાત્રાના દિવસે જ ભગવાન મોસાળ કેમ જાય છે અને તેની પાછળનું રહસ્ય શું છે.
જળયાત્રા કેમ યોજાય છે?
ધાર્મિક માન્યતા મુજબ જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીને શીતળતા આપવા માટે જળયાત્રા યોજવામાં આવે છે. અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા સાબરમતી નદી સુધી પહોંચે છે, જ્યાં નદીપૂજન અને ગંગાપૂજન કરવામાં આવે છે. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 પવિત્ર તાંબા અને પિત્તળના કળશોમાં સાબરમતીનું જળ ભરવામાં આવે છે. આ જળ મંદિર પરત લાવી ત્રણેય દેવોના મહાજળાભિષેક માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
વર્ષમાં માત્ર એક જ વાર કેમ થાય છે 'ગજવેશ'?
મહાજળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીને વર્ષમાં માત્ર એક જ વખત ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. આ પરંપરા પાછળ એક સુંદર પૌરાણિક કથા જોડાયેલી છે. માન્યતા મુજબ, ભગવાન ગણેશના એક અનન્ય ભક્ત પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા આવ્યા હતા. તેમણે ગણેશ સ્વરૂપ સિવાય અન્ય કોઈ સ્વરૂપમાં દર્શન કરવાનો ઇનકાર કર્યો. ભક્તની અતૂટ શ્રદ્ધા જોઈ ભગવાન જગન્નાથે તેમને ગણપતિ સ્વરૂપે દર્શન આપ્યા હતા. ત્યારથી જ જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવાની પરંપરા શરૂ થઈ.
જળાભિષેક પછી ભગવાન કેમ 'બીમાર' પડે છે?
જળયાત્રા સાથે જોડાયેલી સૌથી અનોખી પરંપરા 'અણસર વિધિ' છે. માન્યતા મુજબ 108 કળશના ઠંડા જળથી સ્નાન કરાવ્યા બાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને પ્રતીકાત્મક રીતે તાવ આવે છે. આ કારણે તેઓ આગામી 15 દિવસ સુધી જાહેર દર્શન આપતા નથી. તેમને મંદિરના વિશેષ 'અણસર ઓરડા'માં વિશ્રામ માટે રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ભગવાનની મૂર્તિના બદલે માત્ર પ્રતીકાત્મક ચિત્રના દર્શન કરે છે.
જળયાત્રાના દિવસે જ ભગવાન મોસાળ કેમ જાય છે?
આ પરંપરાનું સૌથી મહત્વપૂર્ણ કારણ ભગવાનની માનવલીલાને દર્શાવવાનું છે. માન્યતા મુજબ બીમાર પડ્યા બાદ ભગવાન આરોગ્યલાભ માટે તેમના મામાના ઘરે એટલે કે સરસપુર સ્થિત મોસાળ જાય છે.
આ 15 દિવસ દરમિયાન ભગવાનને ભારે ભોગ ધરાવવામાં આવતો નથી. તેમને ફળ, સાદો આહાર, આયુર્વેદિક ઉકાળા અને કડવા ઓસડિયાં અર્પણ કરવામાં આવે છે. આ સમગ્ર વિધિ ભગવાન પણ સામાન્ય માનવીની જેમ આરામ અને સારવાર લે છે તેવો સંદેશ આપે છે.
નેત્રોત્સવ પછી નીકળે છે ભવ્ય રથયાત્રા
15 દિવસના આરામ બાદ અષાઢ સુદ એકમના દિવસે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થાય છે. આ પ્રસંગે 'નેત્રોત્સવ' વિધિ કરવામાં આવે છે. લાંબા આરામ બાદ ભગવાનની આંખો પર બાંધેલો પાટો દૂર કરવામાં આવે છે. ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સોનાવેષમાં ભક્તોને દર્શન આપી ભવ્ય રથયાત્રા માટે રથ પર બિરાજમાન થાય છે. આ રીતે જળયાત્રાથી શરૂ થયેલી ધાર્મિક વિધિઓનો સમાપન ભવ્ય નગરચર્યા સાથે થાય છે.
જળયાત્રાનું આધ્યાત્મિક મહત્વ
જળયાત્રા માત્ર પાણી લાવવાની વિધિ નથી. તે ભગવાન જગન્નાથની માનવલીલા, ભક્તિ, સેવા, આરોગ્ય, આરામ અને પુનઃપ્રગટ થવાના સંદેશને જીવંત રાખતી સનાતન પરંપરા છે. આ જ કારણ છે કે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ જળયાત્રાના દર્શન કરવા ઉમટી પડે છે અને રથયાત્રાના પ્રારંભ પહેલાં આ પવિત્ર પરંપરાનો ભાગ બને છે.





