Home Gujarat Ahmedabad Jagannath Jal Yatra Gajvesh Saraspur Ahmedabad Rath Yatra

Rath Yatra 2026પંચામૃતથી જગતના નાથનો જળાભિષેક : ભગવાનના ગજવેશના દર્શન માટે ભક્તોની ભીડ, સાંજે પહોંચશે મોસાળ

Rath Yatra 2026
Play Video
Published by: Vishal Dave
Last Updated: Jun 29, 2026, 07:53 AM IST

ભગવાન જગન્નાથના ગજવેજના દર્શન થયાં

સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે પોતાના સરસપુર જશે

15 દિવસ સુધી મોસાળમાં રોકાશે જગતના નાથ

Rath Yatra 2026: અમદાવાદમાં યોજાનારી 149મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રવિવારે જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે પરંપરાગત જળયાત્રા અને જળાભિષેક સાથે ધાર્મિક ઉત્સવોનો સત્તાવાર પ્રારંભ થયો. વહેલી સવારથી જ શ્રી જગન્નાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વૈદિક પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના જળાભિષેક માટે ભવ્ય જળયાત્રા નીકળી હતી, જેમાં સંતો, મહંતો, મંદિરના સેવકો અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

જળયાત્રાની શરૂઆત મંદિર પ્રાંગણમાંથી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. યાત્રામાં સૌથી આગળ 12 સુશોભિત હાથીઓ, ત્યારબાદ "જય રણછોડ" અને "જય જગન્નાથ"ના ગગનભેદી નાદ સાથે બળદગાડાં, બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને ભજન-કીર્તનના માહોલ વચ્ચે શોભાયાત્રા આગળ વધી હતી. સમગ્ર માર્ગ પર ભક્તોએ ભગવાનના દર્શન કરીને પુષ્પવર્ષા કરી હતી, જેના કારણે શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ Rath Yatra 2026 વર્ષમાં માત્ર એકવાર! : આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દુર્લભ ગજવેશ, જમાલપુરમાં ભક્તોનો ઉમટ્યો જનસાગર

સાબરમતી કિનારે શાસ્ત્રોક્ત ગંગાપૂજન, 108 કળશમાં ભરાયું પવિત્ર જળ

જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો અને આગેવાનો બોટ મારફતે નદીના મધ્યભાગમાં પહોંચ્યા અને 108 પવિત્ર કળશમાં જળ ભરવાની વિધિ પૂર્ણ કરી હતી. આ પવિત્ર જળને મંદિર ખાતે લાવી ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શોડષોપચાર વિધિથી મહાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેકને ભગવાનની વિશેષ ધાર્મિક સેવાઓમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને રથયાત્રા પૂર્વે આ વિધિનું વિશેષ સ્થાન છે.

જળાભિષેક દરમિયાન ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી બનેલા પંચામૃત વડે અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અબીલ, ગુલાલ, ચંદન અને સુગંધિત જળ વડે પણ ભગવાનનું અભિષેક કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે યોજાયેલી આ વિધિમાં ઉપસ્થિત ભક્તોએ આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી.

આ પણ વાંચોઃ Rath Yatra 2026 ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો ભવ્ય પ્રારંભ : 108 કળશના પવિત્ર જળથી થશે જળાભિષેક, 16 જુલાઈએ નીકળશે 149મી રથયાત્રા

ભગવાને ધારણ કર્યો ગજવેશ, સાંજે મોસાળ સરસપુરે વિધિવત પ્રસ્થાન

જળાભિષેક બાદ ભગવાન જગન્નાથે ગજવેશ ધારણ કર્યો હતો. ગજવેશમાં ભગવાનનું સ્વરૂપ ભગવાન ગણપતિના પ્રતીકરૂપ તરીકે જોવામાં આવે છે. માન્યતા અનુસાર ગજવેશ વિઘ્નોના નાશ અને શુભતાનું પ્રતીક છે. આ વિશેષ દર્શન માટે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડે છે. બપોર બાદ સાંજે લગભગ 4 વાગ્યે ભગવાન જગન્નાથ વાજતે-ગાજતે પોતાના મોસાળ તરીકે ઓળખાતા રણછોડરાય મંદિર માટે વિધિવત પ્રસ્થાન કર્યું હતું. પરંપરા મુજબ સરસપુરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે, જ્યાં ભગવાનનું મામાના ઘરે પહોંચેલા મહેમાનની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આગામી 15 દિવસ સુધી ભગવાન સરસપુર ખાતે જ વિરાજમાન રહેશે. આ સમયગાળા દરમિયાન હજારો ભક્તો મોસાળમાં ભગવાનના દર્શન કરવા પહોંચશે. આ પરંપરા અમદાવાદની રથયાત્રા સાથે વર્ષોથી જોડાયેલી છે અને સ્થાનિક લોકો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહી છે.

આ પણ વાંચો: જળયાત્રા પછી 15 દિવસ ભગવાન જગન્નાથ કેમ રહે છે મોસાળમાં? : જાણો અણસર વિધિ અને સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

આગેવાનો રહ્યા ઉપસ્થિત, ભક્તિમય માહોલ વચ્ચે પૂર્ણ થઈ ધાર્મિક વિધિઓ

જળાભિષેક પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક મહાનુભાવો અને સંતોએ ભગવાનના દર્શન કરીને જળાભિષેકમાં ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં દિવસભર ભજન-કીર્તન, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ ભગવાનના ગજવેશના દર્શન કરીને રથયાત્રા પૂર્વે આશીર્વાદ મેળવ્યા હતા.

હવે સૌની નજર 149મી રથયાત્રા પર

જળયાત્રા અને ગજવેશના દર્શન સાથે હવે અમદાવાદની ઐતિહાસિક 149મી રથયાત્રાની તૈયારીઓ વધુ તેજ બની છે. આગામી દિવસોમાં ભગવાન સરસપુરમાં નિવાસ પૂર્ણ કરીને પરંપરા મુજબ મુખ્ય રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને વિવિધ અખાડાઓની હાજરીમાં યોજાતી આ રથયાત્રા ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક ગણાય છે. સુરક્ષા, વ્યવસ્થા અને ધાર્મિક આયોજનને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી વિભાગો અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now