આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ચર્ચા-વિચારણા બાદ ખેડૂત નેતા પ્રવીણ રામને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રવીણ રામ હાલ ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે અને હવે તેમની પાસે બંને સંગઠનાત્મક જવાબદારીઓ રહેશે.
પાર્ટીના જણાવ્યા મુજબ આ નિમણૂકનો મુખ્ય હેતુ રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉઠાવવાનો અને સંગઠનને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મજબૂત બનાવવાનો છે. પાર્ટીનું માનવું છે કે પ્રવીણ રામના નેતૃત્વ હેઠળ ખેડૂતોના હકો માટેની લડતને નવી દિશા અને વધુ મજબૂતી મળશે.
સંગઠન મજબૂત બનાવવા પાર્ટીનો પ્રયાસ
આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં પોતાનું સંગઠન વિસ્તારવા સતત પ્રયાસ કરી રહી છે. કિસાન સેલ, યુવા સંગઠન, મહિલા વિંગ અને અન્ય ફ્રન્ટલ સંગઠનોને વધુ સક્રિય બનાવવા માટે સમયાંતરે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. પાર્ટીના નિવેદન અનુસાર પ્રવીણ રામે ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યકાળ દરમિયાન વિવિધ સંગઠનોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને હવે તેમને કિસાન સેલની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! : અંબાલાલ પટેલે આપી વરસાદ અંગે કરી મહત્વની આગાહી, આ તારીખથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર
ખેડૂતોના મુદ્દાઓ પર સક્રિય રહ્યા હોવાનો પક્ષનો દાવો
પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પ્રવીણ રામ વર્ષ 2012થી યુવાનો, કર્મચારીઓ, આશા બહેનો, ફાર્માસિસ્ટો અને અન્ય વિવિધ વર્ગોના પ્રશ્નોને લઈને આંદોલનો સાથે જોડાયેલા રહ્યા છે. પાર્ટીનો દાવો છે કે તેમણે સરકારી ભરતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને અન્ય મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોના પ્રશ્નોને લઈને વર્ષ 2016થી તેઓ વધુ સક્રિય બન્યા હોવાનું પણ પાર્ટીએ જણાવ્યું છે. પક્ષના જણાવ્યા મુજબ ગીર વિસ્તારમાં ઇકોઝોન સંબંધિત મુદ્દે ખેડૂતો માટે તેમણે લાંબા સમય સુધી આંદોલન કર્યું હતું અને ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.
આ પણ વાંચો: 11 દિવસમાં વિશ્વવિક્રમ : iNDEXTbને મળ્યું ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન
વિવિધ ખેડૂત આંદોલનોમાં ભાગ લીધો હોવાનો દાવો
AAPના જણાવ્યા મુજબ વર્ષ 2019માં કેશોદ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાનના વળતરની માંગ સાથે ખેડૂતોની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2020માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા બાદ પ્રવીણ રામે બિયારણ, ખાતર, સિંચાઈનું પાણી, વીજળી, દેવા માફી અને પાક નુકસાનના વળતર જેવા મુદ્દાઓને લઈને સતત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હોવાનું પક્ષે જણાવ્યું છે. પાર્ટીનો વધુ દાવો છે કે વર્ષ 2024માં ગીર વિસ્તારમાં ઇકોઝોન સંબંધિત મુદ્દે ફરીથી ખેડૂતો માટે લાંબા સમય સુધી લડત ચલાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025માં ઘેડ વિસ્તારના ખેડૂતોના પાણી ભરાવાના પ્રશ્નને લઈને 14 દિવસની પદયાત્રા દ્વારા 45 ગામોની મુલાકાત લેવામાં આવી હતી.
બોટાદ આંદોલનનો પણ કર્યો ઉલ્લેખ
AAP દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર વર્ષ 2025માં બોટાદ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને થયેલા આંદોલન દરમિયાન પ્રવીણ રામે ખેડૂતોના હિત માટે લડત આપી હતી અને તે દરમિયાન તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. પાર્ટીએ આને ખેડૂતોના હકો માટેના તેમના સંઘર્ષનું મહત્વપૂર્ણ ઉદાહરણ ગણાવ્યું છે.
ખેડૂતો સુધી સંગઠન પહોંચાડવા પર ભાર
આમ આદમી પાર્ટીનું માનવું છે કે રાજ્યમાં ખેતી સાથે જોડાયેલા અનેક પ્રશ્નો આજે પણ યથાવત છે. પાકના યોગ્ય ભાવ, સિંચાઈ, વીજ પુરવઠો, વળતર અને દેવા માફી જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોમાં અસંતોષ છે. આવા સમયે કિસાન સેલને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પક્ષે જણાવ્યું છે. પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રવીણ રામના નેતૃત્વ હેઠળ કિસાન સેલ વધુ સક્રિય બનશે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો સાથે સીધો સંપર્ક વધારવામાં આવશે. આ નિમણૂંક સાથે પ્રવીણ રામ હવે ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ ઉપરાંત કિસાન સેલના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવશે. આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને પાર્ટી કઈ વ્યૂહરચના અપનાવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠનને કેટલું વિસ્તારી શકે છે તેના પર સૌની નજર રહેશે.





