Home Gujarat Surat Jagannath Snanyatra Iskcon Surat Darshan Closed For 15 Days Rathyatra 2026

Rath Yatra 2026મહાસ્નાન બાદ 'બીમાર' રહેશે ભગવાન જગન્નાથ! : 15 દિવસ સુધી ભક્તોને નહીં મળે દર્શન, જાણો પૌરાણિક માન્યતા

Jagannath Yatra 2026
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 09:29 AM IST

Surat Jagannath Yatra 2026: ભગવાન જગન્નાથજીની સ્નાનયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે ભક્તો માટે વિરહ, ભક્તિ અને અખંડ શ્રદ્ધાનો અનોખો ઉત્સવ માનવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી મહાસ્નાન બાદ 15 દિવસ સુધી આરામ કરે છે અને આ સમય દરમિયાન તેઓ બીમાર હોવાના પ્રતિકરૂપે ભક્તોને દર્શન આપતા નથી. આ પરંપરા ભક્તોને ભગવાન પ્રત્યેના અતૂટ પ્રેમ અને વિરહભાવનો અનુભવ કરાવે છે. સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ આ પવિત્ર સ્નાનયાત્રા મહોત્સવ ભક્તિભાવ અને વૈદિક વિધિ-વિધાન સાથે ઉજવવામાં આવ્યો હતો. દેશ-વિદેશના જગન્નાથ મંદિરોની જેમ અહીં પણ ભગવાનનો વિશેષ મહાઅભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.

મહાસ્નાન બાદ 15 દિવસ સુધી બંધ રહેશે દર્શન

ઇસ્કોન સાથે છેલ્લા બે દાયકાથી જોડાયેલા ગૃહસ્થ ભક્ત બ્રહ્મતીર્થ દાસે જણાવ્યું કે સ્નાનયાત્રાનો દિવસ સમગ્ર વૈષ્ણવ પરંપરામાં અત્યંત મહત્વનો માનવામાં આવે છે. પુરીના જગન્નાથ મંદિર સહિત વિશ્વભરના તમામ જગન્નાથ મંદિરોમાં આ દિવસે પવિત્ર નદીઓના જળથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીનો વિશેષ અભિષેક કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, પરંપરા મુજબ મહાસ્નાન બાદ ભગવાનને 15 દિવસ સુધી આરામ આપવામાં આવે છે. ભક્તોની માન્યતા છે કે આ વિશેષ સ્નાનના કારણે ભગવાન અસ્વસ્થ થઈ જાય છે અને તેથી આ સમયગાળા દરમિયાન તેમના દર્શન બંધ રાખવામાં આવે છે. ત્યારબાદ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન ફરી રથયાત્રા મહોત્સવ દરમિયાન ભક્તોને દર્શન આપે છે.

આ પણ વાંચો: વર્ષમાં માત્ર એકવાર! : આજે ભગવાન જગન્નાથ ધારણ કરશે દુર્લભ ગજવેશ, જમાલપુરમાં ભક્તોનો ઉમટ્યો જનસાગર

ભક્તો માટે વિરહ અને ભક્તિનો સમય

બ્રહ્મતીર્થ દાસે જણાવ્યું કે ભગવાનના દર્શન બંધ રહેવાના આ 15 દિવસ ભક્તો માટે વિરહની અનુભૂતિ કરાવનારા દિવસો છે. ઇસ્કોનની ગુરુ પરંપરા અનુસાર આ સમય દરમિયાન ભક્તો સાદું જીવન જીવે છે અને ભગવાનના આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. તેમણે ઉમેર્યું કે, આ સમય દરમિયાન ભક્તો વૈભવી ભોજન, ઉત્સવો અને આનંદોત્સવોથી દૂર રહી ભગવાનના આરામ અને સ્વસ્થતાની ભાવના સાથે ભક્તિમાર્ગ પર આગળ વધે છે. કારણ કે ભક્તો માને છે કે તેમના આરાધ્ય દેવ આ દિવસોમાં આરામ કરી રહ્યા છે.

શ્રી ચૈતન્ય મહાપ્રભુના વિરહભાવની કથા

સ્નાનયાત્રા સાથે જોડાયેલી પૌરાણિક પરંપરાનું વર્ણન કરતાં બ્રહ્મતીર્થ દાસે જણાવ્યું કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ દરરોજ જગન્નાથ પુરીમાં ભગવાનના દર્શન કરતા હતા. પરંતુ સ્નાનયાત્રા બાદ જ્યારે 15 દિવસ સુધી દર્શન બંધ થયા, ત્યારે તેઓ ભગવાનના વિરહમાં અત્યંત વ્યાકુળ બની ગયા હતા. માન્યતા મુજબ, તેઓ ભગવાનના દર્શન માટે એટલા આતુર બન્યા કે સમુદ્ર તરફ દોડી ગયા હતા. ત્યારે તેમને આકાશવાણી દ્વારા સંદેશ મળ્યો કે ભગવાન જગન્નાથ અને અલારનાથનું સ્વરૂપ એક જ છે અને અલારનાથ મંદિરમાં ભગવાનના દર્શન થઈ શકે છે. આ સંદેશ મળતાં જ શ્રી ચૈતન્ય મહાપ્રભુ અલારનાથ મંદિરે પહોંચ્યા અને ભગવાનના દર્શન કર્યા. પૌરાણિક કથાઓ અનુસાર તેમના વિરહભાવની તીવ્રતા એટલી હતી કે જ્યાં તેઓ દંડવત પ્રણામ કરવા પડ્યા હતા ત્યાંનો પથ્થર પણ પીગળી ગયો હતો. આ પ્રસંગ ભક્તિ અને ભગવાન પ્રત્યેના અખંડ પ્રેમનું જીવંત પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચો: પંચામૃતથી જગતના નાથનો જળાભિષેક : ભગવાનના ગજવેશના દર્શન માટે ભક્તોની ભીડ, સાંજે પહોંચશે મોસાળ

રથયાત્રામાં જોડાવા ભક્તોને અપીલ

બ્રહ્મતીર્થ દાસે જણાવ્યું કે, ભગવાન જગન્નાથ 15 દિવસ બાદ સ્વસ્થ થઈ ફરી ભક્તોને દર્શન આપશે અને ત્યારબાદ રથયાત્રાનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. તેમણે સુરત સહિત સમગ્ર શહેરના ભક્તોને પરિવાર અને મિત્રો સાથે રથયાત્રામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ભગવાન જગન્નાથ સમગ્ર વિશ્વના સ્વામી છે અને ભક્તિ, કીર્તન અને હરિનામ સંકીર્તન દ્વારા દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી શકે છે. રથયાત્રા માત્ર ઉત્સવ નથી, પરંતુ ભગવાન સાથેના આધ્યાત્મિક મિલનનો અવસર પણ છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now